________________
નિજ દોષ
૧૩૭
પ્રશ્નકર્તા : બ્લડર્સ કોને કહેવાય ?
દાદાશ્રી : ‘હું ચંદુલાલ છું’ એ જ બ્લેડર્સ છે. અમે ‘ સ્વરૂપ જ્ઞાન’ આપીએ પછી બ્લેડર્સ જાય અને મિસ્ટેક્સ રહે. એ ભૂલો પછી જ્ઞેય સ્વરૂપે દેખાય. જેટલા જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીનાં
પડો હોય છે ને ? તેમ દોષો પણ પડોવાળા હોય છે. તે જેમ જેમ દોષ દેખાય તેમ તેમ તેના પડ ઊખડતાં જાય અને જ્યારે તેનાં બધાં જ પડો
ઊખડી જાય ત્યારે એ દોષ જડમૂળથી કાયમને માટે વિદાય લઇ લે. કેટલાક દોષો એક પડવાળા હોય છે. બીજું પડ જ તેમને હોતું નથી. તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય. વધારે પડવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે. અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે ? તો કહે કે ભાઇ, હા. પણ તેનું કારણ એમને આ ના સમજાય. દોષ તો પડની પેઠે છે, અનંત છે.
એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતા
જાય. કૃપાળુદેવે કહ્યું છે કે :
‘હું તો દોષ અનંતનું ભાજન છું કરૂણાળ,
દીઠા નહીં નિજદોષ તો તરીએ કોણ ઉપાય?’
દોષ અનંત છે અને તે દેખાયા નહીં, એટલે એ દોષ જાય જ નહીં. જો ‘તારામાં’ દોષ ના હોય તો હું દોષનું ભાજન છું એમ બોલીશ નહીં, નહીં તો તેવો થઇ જઇશ. અને અનંત દોષ છે તો તે ચોખ્ખું ચોખ્ખું કહે કે મારામાં અનંત દોષો છે. પણ શેઠને દેરાસરની બહાર નીકળ્યા પછી પૂછીએ તો કહે કે એકાદ-બે જ દોષ હશે. જરા ક્રોધ અને જરા લોભ, બસ; એટલું જ છે ! તે પછી દોષોય જાણે કે ભાઇ કપટ કરે છે. તેથી દોષોય પછી ખડે પગે ઊભા રહે !
મોટામાં મોટી ભૂલ એ સ્વચ્છંદ. સ્વચ્છંદથી તો આખું લશ્કર ઊભું છે. સ્વચ્છંદ એ જ મોટી ભૂલ, તે સહેજ એમ કહ્યું કે, ‘એમાં શું થયું ?’ એટલે થઇ રહ્યું. તે પછી એ અનંત અવતાર બગાડે !
આપ્તવાણી-૨
‘જ્ઞાની પુરુષ'ની કૃપાથી, શક્તિથી દોષો દેખાય ને ભાંગે. કોઇ માણસને ભૂલરહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ, માન, માયા, લોભને ખોરાક ના આપીશ તો બધા મડદાલ થઇ જશે. ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો તે ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ, માન, માયા, લોભ એમનું ઉપરાણું, જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું ક્યારેય પણ ના લીધું તો તે ભાગી જાય !
લોભિયાતી પ્રકૃતિ
૧૩૮
લોભિયો માર્કેટમાં જાય તો એની દૃષ્ટિ સસ્તાં શાક ભણી જાય. મહીં લોભ શું કહે કે આ લોભિયા ભાઇ તો મને ખવડાવે છે, માટે અહીં જ મુકામ કરો. ત્યારે લોભિયાએ શું કરવું જોઇએ કે મોઘું શાક હોય ત્યાં જવું ને વગર પૂછયે શાક લેવું. તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે. લોભ સમજે કે મને ખાવા નથી મળતું તે પછી તે ભાગવા લાગે! અમારે ત્યાં એક ભાઇ આવતા. તે મોટા સાહેબ હતા, સારા પગારદાર હતા. ધણીબૈરી બે જ જણા ઘરમાં, કોઇ છોકરૂં-છૈયું તેમને હતું નહીં. તે એક દિવસ મને કહે, ‘દાદા, મારો સ્વભાવ બહુ જ ચીકણો છે. તે મારા હાથથી પૈસો ના છૂટે. હું કોઇ ને ઘેર લગનમાં પીરસું તોય મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય, તે બધાં હું સાંભળું તેમ બોલે છેય ખરા કે ચીકણા લાટ જેવા છે. આ તો મારી બૈરીય બૂમો પાડે છે . પણ શું કરૂં ? આ લોભિયો સ્વભાવ જતો નથી. તમે કંઇ રસ્તો બતાવો. આ તો કો’કનું વાપરવાનું હોય ત્યાંય મને આ લોભ ભૂંડો દેખાડે છે.' તે પછી તેમને અમે કહેલું કે ‘તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે સાથે દસ રૂપિયાનું પરચૂરણ રસ્તામાં વેરતા વેરતા આવજો.’ ભાઇએ તેમ કર્યું ને તેમનું કામ થઇ ગયું. આનાથી શું થાય કે લોભનો ખોરાક બંધ થઇ જાય અને મન પણ મોટું થાય ! ભૂલને ઓળખ્યું ભંગાય
ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાક કાપડ ખેંચી ખેચીને આપે છે અને ઉપરથી કહે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું!