________________
રીયલ ધર્મ : રીલેટિવ ધર્મ
છું, માટે મારે સામેથી જવું જોઇએ.’ જૈન તો નિરાગ્રહી હોય. જૈન તો કોનું નામ કે કોઇનું પણ ના સાંભળે એવું ના હોય. બધાનું સાંભળે અને આવરણ ના લાવે. તારું ખોટું અને મારું સાચું છે એવું કપટ ના વાપરે. જો આત્મા કબૂલ કરે એવી વાત હોય તો તો સાંભળવી જોઇએ ને ?
મહાવીર ભગવાન કેવા હતા કે કોઇ વિધર્મી વાત સંભળાવવા આવે તોય સાંભળે. આ તો ભગવાન મહાવીરના જ ધર્મમાં કેટલાય પક્ષ પડી ગયા !
આજે તો સાધુ-મહારાજોય પક્ષમાં પડી ગયા છે ! સંપ્રદાયના સાધુ અને ભગવાનના, વીતરાગના સાધુઓમાં ફેર શો? સંપ્રદાયના સાધુ પક્ષાપક્ષીવાળા હોય, ઝઘડાવાળા હોય; આ સંસારીઓમાં જેમ ભાઇઓભાઇઓ ઝઘડા કરે તેમ ઝઘડા કરે; ને બીજા ‘વીતરાગ’ના સાધુ તો નિષ્પક્ષપાતી હોય, ડખો જ ના હોય. એકેય પક્ષમાં પડ્યા નથી એવા ‘વીતરાગ’ના સાધુને આપણાં નમસ્કાર. પછી ભલે તે દિગંબર હો કે શ્વેતાંબર હો. આ તો કેવું કે એક સંપ્રદાયના મહારાજ પાસે બીજા સંપ્રદાયના લોકો ના સાંભળે. આમ, પક્ષાપક્ષીથી મોક્ષ થતો હશે ? સાચું તો ગમે તેના ઘરનું હોય તોય સ્વીકારવું જોઇએ. પણ આજે સાચું રહ્યું છે જ ક્યાં ?
ભગવાનને નગ્ન રાખવા કે કપડાં પહેરાવવાં એ માટે અમુક સંપ્રદાયોમાં ઝઘડા ચાલ્યા. આ નગ્ન રાખવાનું કહ્યું તે શા માટે ?
ભગવાનને આંગી એ તો બાલધર્મ છે. તેથી ભગવાનની આંગીના નામેય ભગવાનનાં દર્શન તો કરે ને ! જ્યારે આગળની વાત તો જ્ઞાનજીવો માટે છે. પણ અત્યારે તો વાત જ બદલાઇ ગઇ છે ! એક સંપ્રદાયના મહારાજ મને મળ્યા હતા. તેમણે મને કહ્યું કે, ‘મોક્ષ તો અમારો જ થાય ને !' મે પૂછ્યું, ‘એમ શાથી કહો છો ?” ત્યારે તેમણે કહ્યું, “કેમ ? ભગવાને કશું નથી કે ‘નગ્ગાએ મોકખ મગા’? ’’ મેં કહ્યું, ‘‘તમારી વાત તો સાચી છે. ભગવાને કહ્યું છે તે ખરું કહ્યું છે કે ‘નગ્ગાએ મોકખ મગ્ગા’, પણ તમે સમજ્યા છો ઊંધું. ભગવાને આત્મા નાગો કરવાનો કો છે, નહીં
૧૮
આપ્તવાણી-૨
કે દેહ.’’
આ તો અણસમજણ ઊભી થઇ છે. આત્માની ઉપર ત્રણ કપડાં છેઃ મનનાં, વાણીનાં ને કાયાનાં, તે કપડાં કાઢવાનાં છે. તે કાઢે અને આત્માને નાગો કરે તે સાચો દિગંબર, મન-વચન-કાયારૂપી કપડાં કાઢવાનાં છે, એ જ મોટામાં મોટો પરિગ્રહ છે, તે એને કાઢવાનો છે.
આ પક્ષાપક્ષીનું કોના જેવું છે તે કહું? પોતે પોતાને રૂપાળો ના લાગતો હોય, એમ બને? નહીં, તો તો અરીસા જોડે બને જ નહીં ને! પણ આ તો બને છે તેનું કારણ પોતે પક્ષપાતી છે! રૂપ તો કોનું નામ કે યાદ આવ્યા કરે. પણ આ તો પક્ષપાતી છે. નિષ્પક્ષપાતીવાળા હોય તો બાજુવાળાનેય સુગંધ આવે. અને પક્ષવાળા તો જ્યાં જાય ત્યાં ગંધાઇ ઊઠે, ઘરમાંય નર્યા ગંધાય!
કેટલાક લોકો અમને કહે કે, ‘તમે જૈન છો ?’ કેટલાક કહે છે કે, ‘તમે વૈષ્ણવ છો ?’ ‘અલ્યા, અમે તો શાના જૈન ને શાના વૈષ્ણવ ? અમે તો વીતરાગ. એમાં બધા ધર્મ સમાઇ જાય!’ આ તો અમને જૈન કહીને
કે વૈષ્ણવ કહીને સામો પોતાને માટે અંતરાય પાડે છે. અમને પક્ષપાતી ધારે છે. પણ એક ફેર અમને આ રામચન્દ્રજીનાં દર્શન કરતાં તો જો ને! એક ફેરો રામચન્દ્રજીનાં દર્શન કરતા અમને જુએ તો એની બધી માન્યતા તૂટી જાય. પણ એવી પુણ્ય જાગવી જોઇએ ને!