________________
આપ્તવાણી
શ્રેણી - ૨
જગત સ્વરૂપ
જગત શું છે ? જગત કોણે બનાવ્યું ? શા માટે બનાવ્યું ? જગતને ચલાવનાર કોણ ?
અંગ્રેજો કહે છે કે, ‘‘ગોડ ઇઝ ક્રીયેટર ઓફ ધીસ વર્લ્ડ.’’ મુસ્લિમો કહે છે કે, “જગત અલ્લાને બનાયા.” હિન્દુઓ કહે છે કે, “જગત ભગવાને બનાવ્યું.' કેટલાક જૈનોય કહે છે કે, “જગત ભગવાને બનાવ્યું.’'જગતને ક્રીયેટ કરનારો જો કોઇ ક્રીયેટર હોય તો તે ક્રીયેટર થયો કહેવાય અને ક્રીયેટરનો અર્થ કુંભાર થાય. ભગવાનનાં કયા છોકરાં કુંવારાં રહી જતાં હતાં કે જેથી તેમને આ બધું બનાવવું પડ્યું ? આ મિલના શેઠિયાઓય સેક્રેટરીને કામ સોંપીને નિરાંતે સૂઇ જાય છે, જરાય મહેનત કરતા નથી, તો વળી ભગવાન તે આવી મહેનત કરતો હશે ? મહેનત કરે એ તો મજૂર કહેવાય. ભગવાન તે વળી મજૂર હોતો હશે? ભગવાન એવો કંઇ મજૂર નથી કે આ બધામાં હાથ ઘાલવા જાય અને લોકોની શાદીઓ કરી આપે. આ ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે એવો કંઇ ભગવાન ગાંડો નથી. અને આ જગતને ક્રીયેટ કરનારો જો કોઇ હોત ને, તો આ લોકોએ એને ક્યારનોય પકડીને મારી નાખ્યો હોત. ગમે ત્યાંથી એને પકડી લાવ્યા હોત. કારણ કે આ જગતને બનાવનાર એવો કેવો કે તેની દુનિયામાં બધાં જ દુઃખી, કોઇ સુખી નહીં ! માટે પકડો એને. એમ કહીને એને ક્યારનોય આ સી.આઈ.ડી. ખાતાના લોકોએ પકડી પાડ્યો હોત. પણ એવો કોઇ હોય તો પકડે ને ?
આપ્તવાણી-૨
જગતનો કોઇ ક્રીયેટર છે જ નહીં. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. પઝલસમ થઇ પડ્યું છે. તેથી તેને પઝલ કહેવું પડે છે. હવે આ પઝલને જે સોલ્વ કરે તેને પરમાત્માપદની ડિગ્રી મળે અને જે સોલ્વ ના કરે તે બધાં જ પઝલમાં ડિસોલ્વ થઇ ગયા છે. મોટા મોટા મહાત્માઓ, સાધુ, મહારાજો, આચાર્યો, બાવલા, બાવલી બધાં જ આ પઝલમાં ડિસોલ્વ થઇ ગયા છે. જેમ પાણીમાં સાકર ડિસોલ્વ થયેલી હોય ને કોઇ કહે કે, આમાં સાકર ક્યાં છે ? કેમ દેખાતી નથી ? તો આપણે કહીએ કે ભાઇ, સાકર પાણીમાં છે તો ખરી પણ તે એમાં ડિસોલ્વ થઈ ગઈ છે. તેમ આ બધાનામાં ચેતન છે ખરું, પણ તે ‘નિદ્વૈતન-ચેતન’ છે. ‘શુદ્ધ ચેતન’ સ્વરૂપ થાય ત્યારે ઉકેલ આવે.
પાચતક્રિયામાં કેટલી એલર્ટનેસ ?
એક મોટી કેમિકલ કંપનીના રીટાયર્ડ ચીફ એન્જિનિયર મારી પાસે આવેલા. તે મને કહે,“દાદા, હું ના હોઉં તો મારી કંપની ચાલે જ નહીં.’
૨
મેં કહ્યું, “કેમ ભાઇ, એવું તે શું છે તમારામાં ?’ ત્યારે એમણે કહ્યું, “હું બહુ એલર્ટ રહું છું. હું એક દિવસ ના જઉં તો કામ બધું અટકી જાય.” ત્યારે મેં તેમને કહ્યું, “આ રાત્રે હાંડવો ખાઇને સૂઇ જાઓ છો તે રાત્રે ઊંઘમાં તમે તપાસ કરવા મહીં જાઓ છો કે કેમનું પાચન થાય છે, કેટલું બાઇલ પડ્યું, કેટલા પાચકરસો પડ્યા ? સવારે એ હાંડવામાંથી લોહી લોહીની જગ્યાએ, પેશાબ પેશાબની જગ્યાએ અને સંડાસ સંડાસની જગ્યાએ શી રીતે જાય છે એ તપાસ તમે રાખો છો ? અહીં તમે કેવા એલર્ટ રહો છો ? આ મહીંની પોતાની બાબતમાં તમે કશું ધોળી શકતા નથી તો બીજી કઇ બાબતમાં ધોળી શકશો ? મોટા મોટા બાદશાહ ગયા, ચક્રવર્તીઓ ગયા તોય રાજ ચાલ્યા કર્યું તો તમારા વગર શું અટકી જવાનું છે ? મોટા એલર્ટ ના જોયા હોય તે ? તમારા કરતાં તો ‘જ્ઞાની પુરુષ’નો જોડો વધારે એલર્ટ છે ! કારણ એને આ મહાત્માઓ જાતે લૂછે છે! તમે એલર્ટ કોને કહો છો ? આ જન્મ્યા ત્યારે દાંત આવશે કે નહીં આવે, એની ચિંતા કરવી પડે છે ? કાલે સૂર્યનારાયણ નહીં ઊગે તો શું થશે એવી ચિંતા થાય છે? ...