________________
હતો, તે દ્રશ્ય થઈ ગયો ! આત્માની બાબતમાં ‘આ’ સમજાવું એ બહુ મોટી વસ્તુ છે ને ‘જ્ઞાની’ વગર સમજાય તેમ નથી, પણ તે નિમિત્તનું ઠેકાણું પડે તેમ જ નથી. આખું જગત તેથી મૂંઝાયું છે.
૪૦૬૧ ‘જ્ઞાની’ઓ નિમિત્ત હોય, અજ્ઞાનીઓ કર્તા હોય. ૪૦૬૨ ભગવાન કોઈને બાંધવા આવતાં નથી. આ તો અજ્ઞાનથી બંધાયેલો છે ને જ્ઞાનથી છૂટે. એક ફેર છૂટયો તો ફરી ના બંધાય. અજ્ઞાન એ ય નિમિત્તથી મળે અને જ્ઞાન એ ય નિમિત્તથી મળે. ‘જ્ઞાની પુરુષ'ના નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થાય. ૪૦૬૩ જન્મ્યો ત્યારે ‘તું ચંદુલાલ છે, આ તારી બા, આ તારા બાપા’
એમ બધું અજ્ઞાન એને નિમિત્તથી ભેગું થયું. લોકો એ અજ્ઞાન માટે નિમિત્ત બન્યા. જ્યારે ‘જ્ઞાની પુરુષ' શુદ્ધાત્મા બનાવે. ને કહે, ‘તું શુદ્ધાત્મા છે, અકર્તા છે.' તે જ્ઞાન થયા પછી પોતે છૂટતો જાય.
૪૦૬૪ આ જગત અજ્ઞાનનું જ પ્રદાન છે. સંસારે સજ્જડ અજ્ઞાનનું પ્રદાન કર્યું છે. ‘જ્ઞાની' પાકે ત્યારે ‘જ્ઞાન'નું પ્રદાન કરે. સંસારનું મૂળ કારણ જ અજ્ઞાનનું પ્રદાન છે.
૪૦૬૫ ‘જ્ઞાન’ ‘જ્ઞાની’ના હૃદયમાં બેઠેલું છે, બહાર નથી. ૪૦૬૬ આ જગતની અધિકરણ ક્રિયા જ અજ્ઞાન છે. ૪૦૬૭ જ્યારથી અજ્ઞાન ઊભું થાય છે ત્યારથી દેહ સાથે સંબંધ શરૂ થાય છે ને જ્ઞાન મળવાથી છૂટું થાય છે.
૪૦૬૮ સર્વ જ્ઞાનનું ફળ આત્મસ્થિરતા. સર્વ અજ્ઞાનનું ફળ ચપળતા. ૪૦૬૯ જ્ઞાન કોનું નામ કે અજ્ઞાન ઊભું થાય તેની તરત ખબર પડે, તે જેણે જાણ્યું એનું નામ જ ‘જ્ઞાન’ !
૪૦૭૦ પ્રકાશ એનું નામ કે ‘ઠોકર’ ના વાગે. ઠોકર વાગે તો જાણવું કે ‘પ્રકાશ’ હજી લાધ્યો નથી. જેટલું અજ્ઞાન તેટલી ઠોકરો. ૪૦૭૧ ‘આપણે કોણ છીએ' એ શ્રદ્ધા બેસે એ ‘સમકિત’ અને ‘આપણે શું છીએ' એ ‘જ્ઞાન’ થાય એ ‘જ્ઞાન’ !
૪૦૭૨ ‘જ્ઞાન’ કોનું નામ ? શ્રદ્ધાની પ્રતીતિ ઉપર ઊભું રહે તે. શ્રદ્ધા તો ‘જ્ઞાન’નું પહેલું પગથિયું છે. શ્રદ્ધા નથી તો ‘જ્ઞાન' નથી. ૪૦૭૩ જેને નિજ સ્વરૂપનું લક્ષ બેઠું એને સંસારનું લક્ષ ઊડી ગયું ને જેને સંસારનું લક્ષ છે, એને નિજ સ્વરૂપનું લક્ષ રહે નહીં. એક મ્યાનમાં બે તલવાર રહે નહીં.
૪૦૭૪ સાચું ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટાભાવ !
૪૦૭૫ જેનાથી અજ્ઞાન ઘટે તે ‘જ્ઞાન'. ‘જ્ઞાન' ક્રિયાકારી હોય. શાસ્ત્રજ્ઞાન ક્રિયાકારી ના હોય. ‘અનુભવ જ્ઞાન’ ક્રિયાકારી હોય.
૪૦૭૬ ક્રિયાકારી જ્ઞાન કોને કહેવાય ? જે ‘જ્ઞાન' પ્રાપ્તિ પછી આપણને એમ લાગે કે, ‘હું કશું જ કરતો નથી.’ તો કોણ કરે છે ? આ ‘જ્ઞાન' જ ચેતવે. ચેતવનારો ય જ્ઞાન ને ચેતનારો ય જ્ઞાન એવું આપણને લાગે ! શાસ્ત્રનું જ્ઞાન ચેતવે નહીં. ‘વિજ્ઞાન’ ચેતવનારું હોય ! ક્રિયાકારી હોય !
૪૦૭૭ શુભાશુભ જ્ઞાન એ ‘પરમાત્મ શક્તિ’ છે. શુદ્ધ જ્ઞાન એ પરમાત્મા છે.
૪૦૭૮ વીતરાગો એટલું જ કહેવા માગે છે કે કર્મ નડતાં નથી, તારું અજ્ઞાન નડે છે !
૪૦૭૯ અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં. અજ્ઞાનતા જાય, રાગ-દ્વેષ બંધ થાય, એટલે કર્મ બંધ થઈ જાય !!!