________________
‘જ્ઞાની પુરુષ’ ભેગા થઈ જાય તો એ મળે !
૨૬૯૫ તને જે લૌકિક જ્ઞાન મળ્યું છે તે લૌકિક જ્ઞાનના આધારે ન્યાય ના કરીશ. આ અમે ‘વ્યવસ્થિત’ કહ્યું છે એ જ્ઞાનના આધારે ન્યાય કરજે. લૌકિક જ્ઞાનનો આધાર તો તને હેરાન કરશે. લૌકિક જ્ઞાન છૂટે તો સંસાર છૂટે. ‘વ્યવસ્થિત’ના જ્ઞાનથી લૌકિક જ્ઞાન છૂટે.
૨૬૯૬ ‘વ્યવસ્થિત’નું બંધારણ ક્યારે થાય ? તમને કોઈએ સળી કરી ને તેમાં તમે તન્મયાકાર થાવ, તે અવસ્થિત થયા તે જ ‘વ્યવસ્થિત’નું બંધારણ છે !
૨૬૯૭ ‘વ્યવસ્થિત'ના નિયમો જાણવા જેવાં છે. આ એરોપ્લેનની શોધ કરી, તે કંઈ નિયમની બહાર નથી. આ કાળમાં આયુષ્ય તો તેનું તે જ રહ્યું ને કર્મો જથ્થબંધ છે, તેનો નિકાલ કરવા ઝડપી સાધનો ઊભાં થયાં છે. તે ‘વ્યવસ્થિત’ના નિયમથી નિમિત્ત ગમે તે બને.
૨૬૯૮ ‘વ્યવસ્થિત’ કેવું છે ? એ સમષ્ટિ શક્તિ છે અને ‘આ’(જીવો) વ્યષ્ટિ સ્વરૂપ છે. વ્યષ્ટિના, બધા ભ્રાંતિના ભાવ સમષ્ટિમાં પડે છે અને ‘કોમ્પ્યુટર’ દ્વારા સમષ્ટિનું ફળ મળે છે.
૨૬૯૯ ‘વ્યવસ્થિત’નો અર્થ સમજવો જોઈએ. પ્રયત્ન કરવો, પછી જે થાય તે, જે પરિણામ બને તે ‘વ્યવસ્થિત’.
૨૭૦૦ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ'માં બધા જ નિયમો આવી જાય છે. નિયતિ પણ ‘વ્યવસ્થિત’માં સમાઈ જાય છે. ૨૭૦૧ ‘વ્યવસ્થિત’ને લક્ષમાં રાખવાનું છે. એનું ખોટું અવલંબન ના લેવાય. બધા પ્રયત્નો પૂરા થાય અને કાર્ય થાય. ઊંધું વળે તો બોલવું કે ‘વ્યવસ્થિત’ છે.
૨૭૦૨ ‘વ્યવસ્થિત’ આગળથી બોલવાનો કોને અધિકાર છે કે જે આ
પ્રકૃતિના ગુણોમાં કંઈ પણ ડખલ ના કરે એને !!
૨૭૦૩ ‘વ્યવસ્થિત'ની બહાર કશું થવાનું નથી, એવો ‘વ્યવસ્થિત’નો અર્થ ના કરવો જોઈએ. ‘વ્યવસ્થિત’ કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. આપણી ઇચ્છા પ્રયત્ન કરવાની હોવી જોઈએ. પછી ‘વ્યવસ્થિત' જે પ્રયત્નો કરાવે તે ખરું ! સહજ પ્રયત્ન હોવો જોઈએ.
૨૭૦૪ ભૂતકાળને માટે ‘વ્યવસ્થિત’ છે. વર્તમાન અને ભવિષ્યકાળને માટે ‘વ્યવસ્થિત’ નથી.
૨૦૦૫ ‘વ્યવસ્થિત’ બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય તેવું છે.
૨૭૦૬ આપણો ભાવ અને ક્રિયા કે જે રૂપક છે તે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિલ એવિડન્સ’ છે. ભાવ એક ‘પાર્લામેન્ટનો મેમ્બર' છે.
૨૭૦૭ ‘વ્યવસ્થિત’ જગતને ચલાવનાર છે, એ જગતનો ‘ક્રિયેટર’ નથી. જગત તો સ્વભાવથી બનેલું છે.
૨૭૦૮ ‘આ હું કરું છું કે બીજો કોઈ કરે છે' એ અત્યંત નિકટવર્તી છે, તેથી ‘પોતાને’ ખબર જ ના પડે.
૨૭૦૯ ‘નિશ્ચિત છે’ એવું નોંધારું ના બોલાય. ‘અનિશ્ચિત છે’ એવું
નોંધારું ય ના બોલાય, જોખમદારી છે, ગુનો થાય. નિશ્ચિતઅનિશ્ચિતની વચ્ચે એ છે. બધી જ કાળજી રાખ્યા પછી ગજવું કપાઈ જાય અને સમજે ‘વ્યવસ્થિત’ છે, તે યથાર્થ છે.
૨૭૧૦ ‘વ્યવસ્થિત’ શક્તિ કોણે બનાવી ? કોઈએ બનાવી નથી. પરીક્ષાનું ‘રીઝલ્ટ’ કોણ આપે છે ? આપણું જ લખેલું, તેનું જ આ ‘રીઝલ્ટ’ આવે છે !