________________
૧૮૯૮ બહારવટીયા મળ્યા ને લૂંટી લીધા, પછી રડવાનું નહીં. ‘આગળ પ્રગતિ કેમ કરવી' એ વિચારવું. એને બધી સહાય મળી રહે. પણ ‘મારું શું થશે ?” એમ કરીને રડ્યા કરે તો શું વળે ? કોણ ભોગવે છે ? લૂંટનારો કે ચૂંટાયેલો ? જે ભોગવે તેની ભૂલ !
૧૮૯૯ ‘મારું શું થશે કહ્યું કે બગડ્યું !' એનો અર્થ એમ કે એ આત્માને ગણકારતો જ નથી. આત્મા અનંત શક્તિવાળો અંદર બેઠો છે તો તેની પાસે શક્તિ માગને !
૧૯૦૦ આ ‘અક્રમ વિજ્ઞાન', વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી.
પોતાની ‘રિયાલિટી’માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી. વ્યવહારને તરછોડે નહીં તે જ સૈદ્ધાંતિક વસ્તુ કહેવાય. ૧૯૦૧ ‘અંબાલાલ મૂળજીભાઈ’ એ વ્યવહારસત્તાને આધીન છે ને અમે નિશ્ચય સત્તામાં જ છીએ. વ્યવહારને કિંચિત્માત્ર તરછોડ વાગવી ના જોઈએ.
૧૯૦૨ એક સમય પણ સ્વસત્તામાં આવ્યો તે પરમાત્મા થયો. ૧૯૦૩ તમારે ત્યાં કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારેય પણ તરછોડશો નહીં, છેડશો નહીં. બધાને માનભેર રાખશો. કો'ક માણસથી શો ય લાભ થઈ જાય !
૧૯૦૪ જેટલો ‘ફલેટ' મોટો રાખે એટલી મહેનત વધારે કરવી પડે. છ લાખનો ‘લેટ' હોય તો છ ઘાણીઓ કાઢવાની. ત્રણ લાખનો ‘ફલેટ' હોય તો ત્રણ ઘાણીઓ કાઢવી પડે ! આ ઘાણીઓ જ કાઢવાની છે ને !
૧૯૦૫ આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે. પેલો બળદને ખોળ આપે ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેકું આપે એટલે ચાલ્યું ! આખો દહાડો બળદની ઘાણી કાઢ કાઢ કરે
છે.
૧૯૦૬ આ જગત બે રીતે છે : પોલમ્પોલ છે છતાં નિયમમાં છે. પાંચ ઇન્દ્રિય અને બુદ્ધિજન્ય જ્ઞાનથી આ બધું પોલમ્પોલ લાગે ને ‘જ્ઞાન’થી નિયમમાં લાગે.
૧૯૦૭ દુનિયાનો નાશે ય અહંકાર કરે છે ને વૃદ્ધિ ય અહંકાર કરે
છે.
૧૯૦૮ કડવાશ ને મીઠાશ બેઉ અહંકારનાં ફળ છે. સારું કર્યાનો અહંકાર કર્યો તે મીઠાશ આપે. ખોટું કર્યાનો અહંકાર કર્યો તે કડવાશ આપે.
૧૯૦૯ ઘણાં માણસને બહુ દુઃખ પડેલાં હોય, પણ બધાંની રૂબરૂમાં કોઈ વાત કરે કે તમને બહુ કષ્ટ પડેલું ને ? ત્યારે એ કહે, ‘ના, ના, મને કોઈ દુઃખ પડ્યું નથી.’ તે પછી એને સુખ વર્તે ! માટે ‘ઈગોઈઝમ’ શાનો કરવાનો છે ? દુઃખમાં સુખનો ‘ઈગોઈઝમ’ કર, કે મારા જેવો સુખીયો કોઈ નથી ! આ લોકો તો સુખમાં દુઃખનો ‘ઈગોઈઝમ’ કરે છે.
૧૯૧૦ ચિંતા એ મોટામાં મોટું અભિમાન છે. એટલે કુદરત એને બહુ મોટો દંડ આપે છે. ભગવાનને ગાળો દે એના કરતાં ચિંતા કરનારને વધારે દંડ છે. જે કામ બીજો કરે છે તેની તું ચિંતા કરે છે ? આ કુદરત કરતાં ય તું મોટો ?
૧૯૧૧ સામાની મહીં પણ ‘આત્મા’ છે. ‘સિંહ’, ‘હરણું’ એ ‘અહંકાર’ છે ને મહીં ‘આત્મા’ છે. માટે જેનો જેવો ‘અહંકાર’ હોય, તે જોઈને વાત કરો તો કામ થાય. સિંહને પડકારા ય નહીં ને કૂતરાને પડકારો તો તે નાસી જાય !
૧૯૧૨ આ જગતમાં કોઈને કશું જ કહેવાય એવું નથી. જે ‘બોલીએ’ છીએ, તે ‘અહંકાર’ છે. જગત બધું નિયંત્રણવાળું છે.