________________
સંપાદકીય
હિંસાના સાગરમાં હિંસા જ હોય, પણ હિંસાના સાગરમાં અહિંસા પ્રાપ્ત કરવી હોય તો પરમ પૂજ્ય દાદાશ્રીના મુખે વહેલી અહિંસાની વાણી વાંચી, મનન કરી ફોલો થાય તો જ થાય તેમ છે. બાકી, સ્થળ અહિંસા ખૂબ ઊંડે સુધી પાળનારા પડ્યા છે પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ અહિંસા જાણવી જ અઘરી છે. તો તેની પ્રાપ્તિની વાત જ ક્યાં રહી ?
સ્થૂળ જીવોની હિંસા તેમજ સૂક્ષ્માતીસૂક્ષ્મ જીવોની હિંસા, જેમ કે વાયુકાય-તેઉકાય વિગેરેથી માંડીને ઠેઠ ભાવહિંસા, ભાવમરણ સુધીની સાચી સમજ જો ના વર્તે તો તે પરિણમતું નથી ને માત્ર શબ્દમાં કે ક્રિયામાં જ અહિંસા અટકે છે.
હિંસાના યથાર્થ સ્વરૂપનું દર્શન તો જે હિંસાને સંપૂર્ણ ઓળંગીને સંપૂર્ણ અહિંસક પદમાં બેઠા છે તે જ કરી-કરાવી શકે ! ‘પોતે’ ‘આત્મસ્વરૂપ'માં સ્થિત થાય ત્યારે એ એક જ એવું સ્થાન છે, જ્યાં સંપૂર્ણ અહિંસા વર્તાય ! અને ત્યાં તો તીર્થંકરો અને જ્ઞાનીઓની જ વર્તના !!! હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસકપણે વર્તે છે એવા જ્ઞાની પુરુષ થકી પ્રકાશમાન થયેલું હિંસા સંબંધનું, સ્થૂળહિંસા-અહિંસાથી માંડીને સૂક્ષ્મતમ હિંસા-અહિંસા સુધીનું સચોટ દર્શન અત્રે સંકલિત કરી એ અંતર-આશયથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, કે જેથી કરીને ઘોર હિંસામાં જકડાયેલાં આ કાળના મનુષ્યોની દ્રષ્ટિ કંઈક બદલાય ને આ ભવ-પરભવનું શ્રેય તેમના થકી સંધાય !
બાકી દ્રવ્ય હિંસાથી તો કોણ બચી શકે ? ખુદ તીર્થંકરોએ પણ નિર્વાણ પહેલાં છેલ્લો શ્વાસ લઈને છોડેલો ત્યારે કેટલાંય વાયુકાય જીવો
મરેલા ! તેવી હિંસાનો દોષ તેમને જો ત્યારે લાગતો હોય તો તેમને તે પાપ માટે ફરી પાછાં કોઈને ત્યાં જન્મવું જ પડે. તો મોક્ષ શક્ય ખરો ? માટે એમની પાસે એવી તે કઈ પ્રાપ્તિ હશે કે જેના આધારે તે સર્વ પાપોથી, પુણ્યોથી ને ક્રિયામાત્રથી મુક્ત રહ્યા ને મોક્ષે ગયા ? એ તમામ રહસ્યો પ્રગટ જ્ઞાની, કે જેના હૃદયમાં તીર્થંકરોના હૃદયનું જ્ઞાન જેમ છે તેમ પ્રકાશ્યું હોય તે જ કરી શકે અને તે અત્રે જેમ છે તેમ પ્રકાશિત થાય છે. આ કાળના જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખેથી વહેલી વાણી અહિંસાના ગ્રંથ દ્વારા સંકલિત થઈ છે, જે મોક્ષમાર્ગના ચાહકોને અહિંસા માટે અતિ અતિ સરળ ગાઈડ સ્વરૂપે ઉપયોગી નિવડશે.
- ડૉ. નીરુબહેન અમીન
દાદા ભગવાત કોણ?
જૂન ઓગણીસસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ?” ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો રસ્તો ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ !
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’ નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.”
જીવન સાદું, સરળ, કોઈ પણ જાતના બાહ્ય આડંબર રહિત, કોઈના ગુરુ થયા નહીં. લઘુતમ પદમાં રહ્યા. કોઈ વાડો નહીં, સંપ્રદાય નહિ, કેવળ આત્મધર્મની પ્રાપ્તિ કરાવવાની જ ભાવના !
વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઊલ્ટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા !
- જય સચ્ચિદાનંદ.