________________
વળી મને શાનો ઉપદેશ આપે ?” આપણે વગર કારણે છંછેડાતા રહીએ છીએ. સારી વાત કહેનાર તો પોતાને મોટો માનીને બોલતો જ નથી. એ વાતની સચ્ચાઈને મહત્ત્વ આપવા બોલે છે. આપણો અહં વગર કારણે સ્પર્ધા બાંધી લે છે. જાણી જોઈને એની વાત ઉવેખવામાં આવે છે.
ઈર્ષા થાય છે. અપમાન થાય છે. ઝઘડા થાય છે. સંબંધ તૂટી જાય છે. મોટાઈના મોહમાં સાચી વાત સમજાવનારો દોસ્ત હાથમાંથી ચાલ્યો જાય છે. સુત્ર સમજવા જેવું છે. વાત સાચી હોય તો માનતા શીખો. વાત સારી હોય તો કબૂલતા શીખો. એ વાત તમારી ભૂલને લગતી હોય તો ભૂલ સુધારી લો. હું મોટો છું, એવી જક પકડવાનું રહેવા દો.
તમને નાનાં મોઢે મોટી વાત સાંભળવી નથી ગમતી તે તમારી લઘુતા છે. સૂરિજી ફરમાવે છે : જે દિશામાં આપણી બુદ્ધિ નથી ચાલતી તે દિશામાં એ નાનકડા ભાઈની બુદ્ધિ ચાલતી હોય તો એનો લાભ લેવામાં નુકશાન શું છે ?
આપણાથી સારું અને ઉત્તમ માર્ગદર્શન બીજો કોઈ આપી શકે છે તે માનવા આપણે તૈયાર જ નથી. એ પાછો નાનો હોય તો તો થઈ રહ્યું. માનને કોરાણે મૂકી દો. સારી વાત સાંભળવા મળી તેઓ આનંદ લો. એક નવી જ સમજ ઊઘડી આવી તેનો આભાર માનો. એ કહેનાર તમને મોટા માનીને જ કહી રહ્યો છે. એ સાંભળવાથી તમને ફાયદો તો છે જ. સાથોસાથ એ મોટી વાત તમે પણ બીજાને કહી શકવાના છો. તમે નાનાનું સાંભળશો તો મોટા તમને પણ સાંભળશે. સંબંધની આ વિશેષ દૃષ્ટિ છે.
૨. બોલવાનું સમીક્રણ