________________
દશા—૩
૧૯
વગેરેનો સ્પર્શ થાય તેમ અતિનિકટ ચાલે તો ગુરુની અવહેલના થાય છે, તે ક્રિયા શિષ્યના અવિવેકની સૂચક છે. શિષ્યને ગુરુની આગળ, પાછળ કે બાજુમાં ચાલવા, બેસવા કે ઊભા રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો ઉચિત અંતર રાખીને, ગુરુનું ગૌરવ જળવાઈ રહે તે રીતે વિવેકપૂર્વક ચાલવું, બેસવું કે ઊભા રહેવું જોઈએ. ગુરુ આજ્ઞાપૂર્વક નિકટમાં પણ ચાલવા આદિ ક્રિયાથી આશાતના થતી નથી.
રત્નાધિકની સાથે જવું, આવવું, બોલવું, ચાલવું, આલોચના કરવી વગેરે પ્રત્યેક પ્રવૃત્તિમાં શિષ્ય ધ્યાન રાખવું જોઈએ કે સર્વ પ્રવૃત્તિઓ રત્નાધિકના કર્યા પછી કરવી જોઈએ, તેમની પૂર્વે કરે તો તે તેની આશાતના કરે છે. ૧૦ થી ૧૧ આ ત્રણ આશાતના વિચાર ભૂમિ-ઉચ્ચાર ભૂમિ અર્થાત્ મળાદિ પરઠવાની ભૂમિ કે વિહારભૂમિ-સ્વાધ્યાય ભૂમિમાં ગયા પછી આલોચનાદિ પ્રવૃત્તિ ગુરુની પૂર્વે કરવાથી થતી આશાતના સંબંધિત છે.
શિષ્યે રત્નાધિકના વચનો શાંત મનથી સાંભળવા જોઈએ, તેના વચનની ઉપેક્ષા કરવી ન જોઈએ. ગુરુના કે રત્નાધિકોના વચનોની ઉપેક્ષા કરે, રત્નાધિકો પાસે આવેલા આગંતુક સાધુ કે ગૃહસ્થ સાથે પહેલા સ્વયં વાર્તાલાપ કરી લે. તેમાં ગુરુની માનહાનિ થાય છે. ૧૨-૧૩ આ બે આશાતનાં તત્સંબંધિત છે.
શિષ્ય આહારાદિ લાવીને પહેલાં રત્નાધિકને બતાવે, તેમને તેમાંથી આહારાદિ લેવા આમંત્રણ આપે, તેમને પૂછ્યા વિના અન્ય સાધુને આહાર માટે આમંત્રણાદિ ન કરે, આસક્તિથી સારો-સારો આહાર ગુરુની પહેલાં વાપરી ન લે, તે શિષ્યનો વિનય છે. શિષ્ય તથાપ્રકારનો અવિનયપૂર્વકનો વ્યવહાર ન કરે, તો તે તેની આશાતના કરે છે. ૧૪ થી ૧૮ આશાતના તત્સંબંધિત છે.
શિષ્ય ગુરુ સાથે વાર્તાલાપ કરવામાં, વિનય ભક્તિ કરવામાં તેમનું સન્માન કરવું જોઈએ. તેઓની સામે બોલવું, ઉત્તર ન આપવો, તુંકારે બોલાવવા, તે અવિનય છે. ૧૯ થી ૨૪ આશાતના તત્સંબંધિત છે. ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય પ્રસન્ન ચિત્તે સાંભળે, સભા વચ્ચે અપમાનજનક, શરમજનક, ગુરુની હીલના થાય તેવા શબ્દો ન બોલે. ગુરુની ધર્મસભામાં અવિનય પૂર્ણ વ્યવહારથી જે આશાતના થાય તેનું કથન ૨૫ થી ૩૦ આશાતનાઓમાં છે.
ન
શિષ્ય ગુરુના શરીરની કે ઉપકરણની અવજ્ઞા ન કરે. ગુરુના આસન આદિ ઉપર ઊભા રહેવું આદિ અવિનય ભાવ છે, ગુરુની ગરિમા ખંડિત થાય છે. તત્સંબંધિત ૩૧ થી ૩૩ આશાતના છે.
ગુરુ કે રત્નાધિકની આજ્ઞાથી કોઈપણ પ્રવૃત્તિ કરે તો તેમાં આશાતના થતી નથી. આજ્ઞાપૂર્વક ગુરુની આગળ ચાલે કે ગુરુના આસન ઉપર બેસે, તો પણ આશાતના થતી નથી કારણ કે ગુરુ આજ્ઞા સર્વોપરી છે. શિષ્યની પ્રત્યેક ક્રિયામાં ગુરુ પ્રતિ બહુમાન અને આદરભાવ પ્રગટ થવો જરૂરી છે, શિષ્યના વિનયપૂર્વકના વ્યવહારથી ગુરુની ગરિમા વધે, ગુરુનું ગૌરવ જળવાઈ રહે છે. શિષ્ય નિરહંકારભાવે પ્રત્યેક પ્રવૃત્તિ કરે, તો પોતાનો સ્વચ્છંદ નાશ પામે છે, કષાયો ઉપશાંત થાય છે, સંયમ સાધના પરિપક્વ બને છે અને શાસનનો મહિમા વધે છે. આ રીતે આશાતનાનો ત્યાગ કરવો, તે સ્વ-પર હિતકારી છે.
આ ૩૩ આશાતનાઓના પ્રાયશ્ચિત્તનું વિધાન નિશીથ સૂત્રના દસમા ઉદ્દેશકમાં છે. શ્રી આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં અન્ય રીતે ૩૩ આશાતનાનું પણ કથન છે. અરિહંત, સિદ્ધાદિ વિશિષ્ટ ગુરુજનો ઉપરાંત સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વની આશાતના તથા લોક-પરલોક, કાળ, શ્રુત, ધર્મ આદિની આશાતનાનું કથન છે.
।। ત્રીજી દશા સંપૂર્ણ |