________________
[ ૪૬ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
(૪) વૃક્ષના મૂળનું સૂકાઈ જવું:- મૂળ સૂકાઈ જતાં વૃક્ષ સહજ રીતે સૂકાઈ જાય છે, તેમ મોહનીય કર્મ રૂપ મૂળ સૂકાઈ જતાં સંસાર વૃક્ષ સહજ રીતે સૂકાઈ જાય છે. (૫) બીજનું બળી જવું - બળી ગયેલું બીજ પુનઃ અંકુરિત થતું નથી. તેમ મોહનીયકર્મ રૂપ બીજ બળી ગયા પછી ભવરૂપી અંકુર અંકુરિત થતાં નથી.
સૂત્રકારે વિવિધ ઉપમાઓ દ્વારા ભવભ્રમણ કરાવનારા આઠ કર્મમાં મોહનીયકર્મની પ્રધાનતા સ્પષ્ટ કરી છે. મોહનીય કર્મનો નાશ થતાં ભવભ્રમણનો અંત થાય છે, તેથી અધ્યાત્મ સાધનામાં મોહનીય કર્મના નાશની જ પ્રધાનતા છે અને ચિત્ત સમાધિમાં પણ મોહનીય કર્મની ઉપશાંતતા જરૂરી છે. આ રીતે સૂત્રકારે ચિત્તસમાધિ વર્ણન સાથે પ્રાસંગિક રીતે મોહનીય કર્મના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે.
પ્રસ્તુત દશામાં દસ ચિત્તસમાધિસ્થાન શ્રમણ નિગ્રંથોને પ્રાપ્ત કરવાનું પ્રાસંગિક કથન છે, તેથી શ્રાવકો વગેરેને ચિત્તસમાધિ પ્રાપ્ત કરવાનો નિષેધ ન સમજવો. કોઈ સ્થાન શ્રાવકોને પણ પ્રાપ્ત થઈ શકે છે અને કોઈ શુભ પરિણામી અન્ય સંજ્ઞીજીવોને પણ ચિત્ત સમાધિ પ્રાપ્ત થઈ શકે છે.
છે પાંચમી દશા સંપૂર્ણ છે.