________________
જ્ઞાની શિલ્પી બની શકશો. બધા શિલ્પી બનવાના જિજ્ઞાસુ હોવાથી એકદમ શુશ્રુષાપૂર્વક હા પાડી, મસ્તક નમાવીને પ્રવચનકુમારના ચરણોમાં આવીને બોલી ઊઠ્યા. ભતે ! સદહામિ, પતિયામિ, રોએમિ, ફાસેમિ, પાલેમિ, અણુપાલેમિ અને અમારી સાધક મંડળીએ પણ તેમાં સૂર પુરાવ્યો. આગળનું દશ્ય જોવા બધા તત્પર બની ગયા. પેલા શિલ્પી બનવા આવેલા, તે હતા ખંતિકુમાર, મુક્તિકુમાર, આર્જવકુમાર, માર્દવકુમાર, લાઘવકુમાર, સત્યકુમાર, તપકુમાર, આકિંચ કુમાર, બ્રહ્મકુમાર, અહિંસાકુમાર, સત્યકુમાર, અચૌર્યકુમાર, શીલકુમાર, અપરિગ્રહકુમાર, દિશાપરિમાણકુમાર, વિભોગ-પરિભોગ પરિમાણકુમાર, અનર્થદંડત્યાગકુમાર, સામાયિકકુમાર, દયાકુમાર, પૌષધકુમાર, અતિથિસંવિભાગકુમાર.
નિગ્રંથ પ્રવચન કુમારે આ શિલ્પીઓની જિજ્ઞાસાને માન આપી, સત્કાર કરી આશીર્વાદ આપ્યા. ‘તથાસ્તુ'. બધાએ જિનેશ્વર દેવની જય બોલાવી.
પ્રવચનકુમારે આજ્ઞા આપી, જાઓ અને લઈ આવો માનવ રત્નોને... બધા જિજ્ઞાસુઓ ઉપડયા અને કર્મભૂમિની ખાણમાંથી માનવ રત્નો લાવીને પ્રવચનકુમારના દરબારમાં હાજર થયા. પ્રવચનકુમારે ! માનવ રત્નો જોયા, ખુશ થયા, પ્રસન્ન થઈને બોલ્યા મારા વહાલા વિદ્યાર્થીઓ !
તમારો પ્રયત્ન સફળ છે. આ રત્નો પાણીદાર છે. તેના ઉપર લાગેલો કર્મનો મેલ છે. તેને કાઢવા માટે દશાશ્રુતસ્કંધ નામનું છેદ સૂત્ર સ્થવિર ભગવંતોએ રચેલું છે. તેમાં બધા જ ઉપાયો દર્શાવ્યા છે. તે ઉપાયનો પ્રયોગ તમારે કરવાનો છે. આ રત્નો જંગમ છે. હાલતા-ચાલતા રત્નો છે. તે તમારા હાથમાંથી છટકી-પટકી ન જાય તેવી કાળજી રાખીને કાર્ય કરવાનું છે. તેઓ બધા જ સુખ શોધી રહ્યા છે. પરંતુ તેઓના સુખની વચ્ચે કર્મ રાજાએ અસમાધિની વીસ દીવાલો ઊભી કરી દીધી છે, તેથી આ રત્નો પોતાની જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ, મોક્ષ માર્ગરૂપ સમાધિનો અનુભવ કરી શકતા નથી. તે અનુભવ પ્રાપ્ત કરવા અસત્ માર્ગે ઉતાવળા ઉતાવળા દોડી રહ્યા છે. પ્રતિલેખન-પ્રમાર્જન કર્યા વિના, દુષ્ટ રીતે પ્રમાર્જન કરીને, તેમની સામે આવનાર રત્નાધિકોનું અપમાન કરીને, અવહેલના કરતા, પ્રમાદના રજકણો એકત્રિત કરીને, અસમાધિની દિવાલમાં ભટકાઈ-પટકાઈ પાછા ફરે છે, દુઃખી દુઃખી થઈ જાય છે. તેવા આ માનવ રત્નોના દુઃખ હરવા તમે પ્રજ્ઞા છિણીનો ઉપયોગ કરો અને તેના ઉપરનું અસમાધિનું પડ ઉખેડી નાંખો.