________________
[ ૨૮૪]
શ્રીવ્યવહાર સત્ર
ઉદેશક-૪ પ્રાક્કથન RORDRORROROR
આ ઉદ્દેશકમાં મુખ્યત્વે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક આદિ પદવીધરોના-વડીલ સંતોના કર્તવ્યોનું પ્રતિપાદન છે. * આચાર્ય તથા ઉપાધ્યાયે એકલા વિચરવું ન જોઈએ અને બે સાધુએ ચોમાસું પણ ન કરવું જોઈએ, શેષનાલમાં આચાર્યાદિ બે સાધુ વિચારી શકે છે અને ત્રણ સાધુ ચાતુર્માસ કરી શકે છે. ગણાવચ્છેદકાદિ ત્રણ સાધુ વિચરી શકે છે તથા ચાર સાધુ ચાતુર્માસ કરી શકે છે. * વિચરણકાળમાં અથવા ચાતુર્માસકાળમાં જો સંઘાડાના પ્રમુખ સાધુ કાળધર્મ પામી જાય તો સંઘાડાના સર્વ સાધુઓએ શેષ સાધુઓમાં જે શ્રુત તથા પર્યાયથી યોગ્ય હોય તેની પ્રમુખતા સ્વીકારી લેવી જોઈએ, જો કોઈ સાધુ યોગ્ય ન હોય તો ચાતુર્માસમાં અથવા શેષનાલમાં વિહાર કરીને યોગ્ય પ્રમુખ સાધુઓના અથવા આચાર્યના સાંનિધ્યમાં શીધ્ર પહોંચી જવું જોઈએ. * આચાર્ય, ઉપાધ્યાય કાળધર્મ પામે અથવા સંયમ છોડીને જાય ત્યારે આચાર્ય કે ઉપાધ્યાયે જે સાધુને પદ પર નિયુક્ત કરવાનું કહ્યું હોય અને તે સાધુ પદને યોગ્ય હોય, તો તેને જ પદ પર સ્થાપિત કરવા જોઈએ. તે સાધુ યોગ્ય ન હોય અને અન્ય સાધુ યોગ્ય હોય તો આચાર્યે નિર્દેશ કરેલા સાધુને પદ ન આપવું જોઈએ અથવા આપી દીધું હોય તો તેને દૂર કરી અન્ય યોગ્ય સાધુને પદ આપી શકાય છે. * નવદીક્ષિત સાધુ વડી દીક્ષાને યોગ્ય થાય, ત્યારપછી ચાર-પાંચ દિવસમાં જ તેને વડી દીક્ષા આપવી જોઈએ. તેનું ઉલ્લંઘન કરવાથી આચાર્ય, ઉપાધ્યાયને યથાયોગ્ય તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આવે છે, તેમજ સત્તરમી રાત્રિનું ઉલ્લંઘન કરવાથી તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત સિવાય એકવર્ષને માટે પદમુક્ત થવાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જો વડી દીક્ષાના સમયનું ઉલ્લંઘન કરવામાં નવદીક્ષિતના માતા-પિતા આદિ પૂજ્ય પુરુષોની દીક્ષાનું કારણ હોય તો ઉત્કૃષ્ટ છ મહિના સુધી વડી દીક્ષા ન આપવાથી કોઈપણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. * અન્યગણમાં અધ્યયન આદિને માટે ગયેલા સાધુને કોઈ પૂછે તો પોતે જેની નિશ્રામાં રહેતા હોય અને જેની નિશ્રામાં અભ્યાસ કરતાં હોય, તે રત્નાધિક અને બહુશ્રુતના નામનો નિર્દેશ કરવો જોઈએ. * ગચ્છના સાધુઓ સાથે મળીને વિચરવા, રહેવા, બેસવા ઇચ્છે તો ગુરુ આજ્ઞા પ્રમાણે રહી શકે છે. ગુરુની આજ્ઞા ન હોય તો સાથે રહી શકતા નથી. * ચરિકાપ્રવિષ્ટ અથવા ચરિકાનિવૃત્ત સાધુને આજ્ઞાવધિ પછી ચાર, પાંચ દિવસમાં જ ગુરુ આદિ મળી જાય તો પૂર્વ આજ્ઞાથી જ સાથે રહે પરંતુ ચાર, પાંચ દિવસ પછી ગુરુ આદિને મળે તો સૂત્રોક્ત વિધિથી ફરી આજ્ઞા પ્રાપ્ત કરીને વિચરણ કરવું જોઈએ. * રત્નાધિક સાધુએ શૈક્ષ સાધુની સેવા કરવી કે ન કરવી, તે તેમની ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે હોય છે પરંતુ શૈક્ષ સાધુએ રત્નાધિક સાધુની સેવા કરવી, પ્રત્યેક કાર્યોમાં સહયોગ આપવો, તે શૈક્ષ સાધુનું અનિવાર્ય કર્તવ્ય છે. * અનેક સાધુ, આચાર્ય, ઉપાધ્યાય તથા અનેક ગણાવચ્છેદક આદિ વિચરણ કરતા હોય તો તેઓએ પરસ્પર સમાન ભાવે રહેવું ન જોઈએ પરંતુ તેઓએ રત્નાધિક સાધુની પ્રમુખતા સ્વીકારીને તેનો ઉચિત વિનય તથા તેમની આજ્ઞાનુસાર સમાચારીના વ્યવહારપૂર્વક સાથે રહેવું જોઈએ.