________________
જીવને પતિત માની તેની દુર્ગતિ થઈ, ત્યાં સુધીનો ઉલ્લેખ જગતનાં સામાન્ય ગ્રંથોમાં જોવામાં આવે છે. જ્યારે જૈનશાસ્ત્રની કથાઓમાં આવા પતિત જીવોને નરકના દુઃખો ભોગવ્યા પછી પુનઃ તેનામાં ધર્મનો અભ્યદય થાય છે અને તે જન્મ મૃત્યુના ચક્રમાં ઘણા ગોથા ખાધા પછી પણ આખરે મોક્ષગામી બને, ત્યાં સુધીનું વર્ણન મળે છે.
આ શાસ્ત્રમાં આચારહીન થયેલી સાધ્વીઓના ચરિત્રનું હુબહુ વર્ણન છે. તેમની ઉપભોગ પ્રત્યેની દબાયેલી મહેચ્છાઓ સાધુજીવન સ્વીકાર્યા પછી પુનઃ પ્રગટ થઈ છે અને તેઓ ગુણીનો કે પોતાના સમુદાયનો ત્યાગ કરી સ્વચ્છેદ વિહારી બની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. પોતાની તપસ્યા સંબંધી નિષ્ઠા અને ત્યાગ માર્ગને ન છોડવાથી દેવગતિને પામી અને ત્યાં પણ પોતાની અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ કરી પુનઃ માનવજીવનમાં આવી ધર્મનું અવલંબન લઈ ત્યાગના પ્રભાવે મોક્ષગતિને પામે છે. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે વિકતિ અને વિભાવોની લડાઈમાં ઘણી વખત જીવ પરાજય પામે છે પરંતુ તે આત્મા સર્વથા નિંદનીય નથી, વિભાવો નિંદનીય છે કે જેના પ્રભાવે જીવ દુઃખ પામે છે. પરંતુ "જીવ તો જીવ જ છે"વિભાવોથી મુક્ત થતાં તે પોતાના દિવ્ય સ્વરૂપને પુનઃ પ્રગટ કરે છે.
જૈન ધર્મમાં જીવની આ દીર્ઘકાલીન યાત્રાનું વર્ણન કરી, તત્ત્વદષ્ટિ અપનાવી, ઉપદેશ આપવાની શૈલી મૂળભૂત છે. જૈન તીર્થકરો કે જેને મહર્ષિઓ અથવા જૈન શાસ્ત્રો સમગ્ર માનવજીવન કે સમગ્ર જીવરાશિ પ્રત્યે બહુ જ ઉદાર અને ઉત્તમ દષ્ટિ ધરાવે છે. તે જીવના કલ્યાણની સાંગોપાંગ આશાનો ક્યારે ય પરિત્યાગ કરતા નથી, કિંતુ તેઓ દ્વારા એક અદ્ભુત કલ્યાણની આશાનું કેન્દ્રબિંદુ સ્થાપિત કરી જીવનું તમામ ચરિત્ર તે કલ્યાણમયી કેન્દ્રબિંદુ તરફ ઢળે, એ રીતે કથાચરિત્રોનું સદાય લક્ષ રાખવામાં આવ્યું છે. સાતમી નરકમાં સબડતો જીવ પણ છેવટે સર્વાર્થસિદ્ધવિમાનનાં ચરમ સખોનો ઉપભોગ કરી, સુખાતીત દશા–મોક્ષને પ્રાપ્ત કરે છે. જૈનધર્મની દ્રવ્ય દષ્ટિ એટલી સચોટ છે કે ખંડ ખંડ થતી સુખ દુઃખાત્મક પર્યાય દષ્ટિને પરિહરી તે શાશ્વત દ્રવ્યમાં જ શુદ્ધ ઉપયોગની સ્થાપના કરે છે.
આ સૂત્રના બહુપુત્રિકા અધ્યયનમાં ઉપરનું વિવેચન સાંગોપાંગ જોવા મળે છે. સાથે સાથે સંસ્કારોની પ્રબળતા અને અતૃપ્ત ભાવનાઓનું પ્રતિક્રિયાત્મક રૂપ તે અધ્યયનમાં દેવભવ રૂપે પણ જોઈ શકાય છે. બીજા પણ કેટલાક અધ્યયનો છે જેમાં વર્ણિત સાધકો સંપૂર્ણ નિર્દોષભાવે સાધના કરી સદ્ગતિ પામ્યા છે.
C 23 ON :