________________
(૪) સુભદ્ર (૫) પદ્મભદ્ર (૬) પદ્મસેન (૭) પદ્મગુલ્મ (૮) નલિનીગુલ્મ (૯) આણંદ (૧૦) નંદન આદિ દસે ય દેવગતિ પામ્યા હતા.
નિરયાવલિકા વર્ગમાં જે શ્રેણિકરાજાના પુત્ર કાલકુમાર, સુકાલકુમાર વગેરે દશ રાજપુત્રોનું વર્ણન છે, તેના જ દશ પુત્રોનું વર્ણન કલ્પાવતંસિકા વર્ગના દશ અધ્યયનમાં છે. દશે રાજકુમાર(શ્રેણિકના પૌત્ર) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળીને શ્રમણ બન્યા, અંગ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો, ઉગ્રતપની સાધના કરી અને અંતે પંડિતમરણ પ્રાપ્ત કરીને વૈમાનિક જાતની દેવગતિને પામ્યા. આ પ્રમાણે બીજા વર્ગમાં વ્રતાચરણથી જીવનશુદ્ધિની પ્રક્રિયા પર પ્રકાશ પાથર્યો છે. જ્યાં પિતા કષાયને વશ થઈને નરકમાં ગયા, ત્યાં તેના જ પુત્ર સુકૃત્યો કરીને દેવલોકમાં ગયા. ઉત્થાન અને પતન મનુષ્યના સ્વયંના કર્મો પર આધાર રાખે છે. મનુષ્ય સાધનાથી ભગવાન બની શકે છે, તે જ રીતે વિરાધનાથી નરકના દુઃખ પણ ભોગવી શકે છે.
ત્રીજો વર્ગ : પુષ્પિકા
:
ઉપાંગ સૂત્રનો તૃતીય વર્ગ પુષ્પિકા છે. આ વર્ગમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર, બહુપુત્રિક, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાદત આ દસ અધ્યયન છે.
પ્રથમ બે અધ્યયનમાં ક્રમશઃ ચંદ્રદેવ અને સૂર્યદેવના પૂર્વભવનું નિરૂપણ છે. ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહના પૂર્વભવનું વર્ણન છે.
ચોથા અધ્યયનમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ-પશ્ચાદ્ભવની વિટંબણાઓથી ભરેલી વિચિત્ર કથા છે. આ કથામાં સાંસારિક મોહ–મમતા કેવા પ્રકારની હોય તેનું સ્પષ્ટ ચિત્ર આલેખ્યું છે. કથાના માધ્યમથી પુનર્જન્મ અને કર્મ ફળના સિદ્ધાંતને પણ પ્રતિપાદિત કર્યા છે. શેષ છ અધ્યયનોમાં પૂર્ણભદ્રાદિનું પૂર્વભવ સહિત વર્ણન છે. સ્થાનાંગમાં વર્ણિત દીર્ઘ દશાશાસ્ત્રના અધ્યયનો સાથે આ વર્ગની તુલના :– સ્થાનાંગસૂત્રના ૧૦મા સ્થાનમાં દીર્ઘદશા નામક શાસ્ત્રના દશ અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) શુક્ર (૪) શ્રીદેવી (૫) પ્રભાવતી (૬) દ્વીપ દ્વીપસમુદ્રોત્પત્તિ (૭) બહુપુત્રી મંદરા (૮) સ્થવિર સંભૂતવિજય (૯) સ્થવિર પક્ષ્મ (૧૦) ઉચ્છ્વાસ– નિઃશ્વાસ.
41