________________
૨૪૬ |
શ્રી આવશ્યક સૂત્ર
પ્રિયદંસણ, (૬) સુદંસણ, (૭) આમોહે, (૮) સુપડિબદ્ધ અને (૯) જસોધરે. તેમાં ત્રણ ત્રિક છે, પહેલી ત્રિકમાં ૧૧૧ વિમાન છે, બીજી ત્રિકમાં ૧૦૭ અને ત્રીજી ત્રિકમાં ૧૦૦ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડા-દોડી ઊંચપણે ચડીએ, ત્યારે પાંચ અનુત્તર વિમાન આવે છે. તેનાં નામ : (૧) વિજય, (૨) વિજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ.
આ સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર જોજન ઊંચપણે મુક્તિ શીલા છે, તે મુક્તિશિલા કેવી છે? પિસ્તાલીશ (૪૫) લાખ જોજનની લાંબી-પહોળી છે. મધ્યે આઠ જોજનની જાડી છે. ઉતરતાં છેડે માખીની પાંખ કરતાં પણ અધિક પાતળી છે. ઉજળી, ગોખીર, શંખ, ચંદ્ર, અંકરત્ન, રૂપાનો પટ મોતીનો હાર અને ક્ષીર સાગરના પાણી થકી પણ અધિક ઉજળી છે.
એ સિદ્ધશિલાથી ઉપર એક જોજન, તેના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે શ્રી સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તે ભગવંતજી કેવા છે? અવર્ષે, અગધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રોગ નહિ, શોક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે.
ધન્ય સ્વામીનાથ ! આપશ્રી સિદ્ધ ક્ષેત્રને વિષે બિરાજો છો. હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહીં બેઠો છું. આપના અનંત જ્ઞાન, દર્શન ઉપયોગ સંબંધી અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજ્જો ભુક્કો કરી ખમાવું છું. પાઠ-૩૦: ત્રીજા ખામણા -
ત્રીજા ખામણા પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજતા જયવંતા કેવલી ભગવંતોને કરું છું. તે સ્વામી જઘન્ય હોય, તો બે ક્રોડ કેવલી અને ઉત્કૃષ્ટ હોય તો નવ કોડ કેવલી. એ સર્વને મારી (તમારી) સમય સમયની વંદના હોજો.
તે સ્વામી કેવા છે? મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે. ઘટ ઘટની વાત જાણી દેખી રહ્યા છે. સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. ચૌદ રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે. તેમને અનંત જ્ઞાન છે. અનંત દર્શન છે. અનંત ચારિત્ર છે. અનંત તપ છે. અનંત વૈર્ય છે. અનંત વીર્ય છે. એ ષટે ગુણે કરી સહિત છે. ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે. બાકીના ચાર કર્મ પાતળાં પાડ્યાં છે. મુક્તિ જવાના કામી થકા વિચરે છે. ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે. સજોગી સશીરીરી, કેવલજ્ઞાની, કેવલદર્શની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે. ક્ષાયિક સમકિત, શુક્લ ધ્યાન, શુક્લ લેશ્યા, શુભ ધ્યાન, શુભ જોગ, પંડિત વીર્ય આદિ અનંતગુણે કરી સહિત છે.
ધન્ય તે સ્વામી ! ગામ, નગર, રાયહાણી પુર, પાટણને વિષે જ્યાં જ્યાં દેશના દેતાં થકા વિચારતાં હશે, ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબિય, કોડુંબિય, શેઠ, સેનાપતિ, ગાથાપતિ, સ્વામીની દેશના સાંભળ ૧ કર્ણ પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે, સ્વામીના દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે, સ્વામીને અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેમને પણ ધન્ય છે.
ધન્ય સ્વામીનાથ ! આપશ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજો છો, હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહીં બેઠો છું. આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજ્જો ભુક્કો કરી ખમાવું છું.