________________
| પરિશિષ્ટ-૩
| રર૭ |
મનથી પાપાચાર માટે પશ્ચાત્તાપ કરવો જોઈએ.
અપરાધ માટે તપશ્ચરણ કે અન્ય કોઈ દંડ આપવામાં આવે છે તે પણ મૂળમાં પશ્ચાત્તાપ જ છે. જો મનમાં પશ્ચાત્તાપ ન હોય અને બાહ્ય કઠોર પ્રાયશ્ચિત્ત લેવામાં આવે તો તે આત્મશુદ્ધિ કરી શકતું નથી. સાધકના અંતરમાં સ્વયં પ્રાયશ્ચિત્ત કરવાનો, પાપનું શોધન કરવાનો, આત્મશુદ્ધિ કરવાનો ઉલ્લાસ હોવો જોઈએ. ભાવવિશુદ્ધિ પૂર્વક કરેલું મિચ્છામિ દુક્કડમ્ પણ એક પ્રાયશ્ચિત્ત છે.
આજકાલ જૈનો રૂઢિવશ પ્રતિક્રમણ કરે છે, પરંતુ પુનઃ તે જ પાપ કર્યા કરે છે તેથી નિવૃત્ત થતા નથી. આ પ્રમાણે પાપ કરવું અને મિચ્છામિ દુક્કડમ્ લેવું, પુનઃ પાપ કરવું અને પુનઃ મિચ્છામિ દુક્કડમ લેવું, આ પ્રકારની યાંત્રિક પ્રક્રિયાથી આત્મશુદ્ધિ થતી નથી. જૈન ધર્મ આવી સાધનાને બાહ્ય સાધના કહે છે. ભૂલનો પશ્ચાત્તાપ કરતાં પુનઃ એ ભૂલ ન કરવાનો નિશ્ચય ન કરવામાં આવે તો મિચ્છામિ દુક્કડમ્ બોલવાનો કોઈ અર્થ નથી. ભાવ રહિત મિચ્છામિ દુક્કડને સમજાવવા માટે આવશ્યક ચૂર્ણિમાં કુંભારના ઘડા ફોડનાર શિષ્યનું ઉદાહરણ આપ્યું છે.
એકદા એક આચાર્ય કોઈ ગામમાં ગયા અને એક કુંભારના પાડોશમાં રહ્યા. આચાર્યનો એક નાનો શિષ્ય ઘણી ચંચળ પ્રકૃતિનો હતો. કુંભાર જેવો ચાક ઉપરથી ઘડો ઉતારી જમીન ઉપર મૂકે કે શિષ્ય કાંકરો મારી તેને ફોડી નાખે. કુંભારે તેના તે કૃત્ય તરફ ધ્યાન ખેંચ્યું તો તે મિચ્છામિ દુક્કડમ્ કહેવા લાગ્યો, પરંતુ તેણે પુનઃ પુનઃ કાંકરા મારી ઘડા ફોડવાનું ચાલુ રાખ્યું અને તે પ્રમાણે દરેક વખતે મિચ્છામિ દુક્કડમ્ કહેવાનું પણ ચાલું રાખ્યું.
અંતે કુંભાર આવેશમાં આવી ગયો. તેણે એક કાંકરો ઉઠાવ્યો અને તેને શિષ્યના કાન સાથે રાખી બળપૂર્વક દબાવ્યો. પીડા થવાથી શિષ્ય ગભરાઈ ગયો અને બૂમ પાડવા લાગ્યો. તેણે કુંભારને કહ્યું પરંતુ કુંભાર કાંકરો દબાવતો જાય અને પુનઃ પુનઃ મિચ્છામિ દુક્કડમ્ બોલતો જાય ત્યારે શિષ્યને પોતાની ભૂલ સમજાણી અને પોતાની ભૂલ કબૂલ કરી તેનું પ્રાયશ્ચિત્ત કર્યું.
જ્યાં સુધી મનમાં પશ્ચાત્તાપ ન હોય ત્યાં સુધી આ કુંભારના જેવું મિચ્છામિ દુક્કડમ્ છે. તે આત્માને શુદ્ધ કરવાને બદલે અધિક અશુદ્ધ બનાવે છે. તે માર્ગ પાપના પ્રતિકારનો નથી પરંતુ પાપના પ્રચારનો છે. આચાર્ય ભદ્રબાહુ કહે છે કે
जं दुक्कडं ति मिच्छा, तं भुज्जो कारणं अपूरेतो ।
तिविहेण पडिक्कतो, तस्स खलु दुक्कडम् मिच्छा ॥६८४॥ જે સાધકત્રિવિધ યોગથી પ્રતિક્રમણ કરે છે, જે પાપ માટે “મિચ્છામિ દુક્કડમ્ કરે છે, તે પાપમાંથી જે પાપ ભવિષ્યમાં પુનઃ કરતો નથી, તેનું જ દુષ્કૃત્ય વસ્તુતઃ મિથ્યા અર્થાત્ નિષ્ફળ બને છે.
जं दुक्कडं ति मिच्छा, तं चेव निसेवए पुणो पावं ।
पच्चक्ख-मुस्सावाई, मायानियडी पसंगोय ॥६८५॥ જો સાધક એક વાર મિચ્છામિ દુક્કડમ્ લઈ પુનઃ તે પાપાચરણનું સેવન કરે તો તે પ્રત્યક્ષ જુઠું બોલે છે, તે માયા-કપટનું સેવન કરીને દંભની જાળ ગૂંથે છે. સંયમ-યાત્રાના પથ પર પ્રગતિ કરતાં સાધક કોઈ ભૂલ કરે તો તેનો સાચા મનથી પશ્ચાત્તાપ કરી લેવો જોઈએ અને પુનઃ તે ભૂલનું પુનરાવર્તન ન થાય, તે માટે સતત સક્રિય પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. આ પ્રમાણે મન, વાણી અને કર્મથી મિચ્છામિ દુક્કડ કરવામાં આવે તો તે કદાપિ નિષ્ફળ જતું નથી. તે અવશ્ય પાપમળને ધોઈને આત્માને નિર્મળ બનાવે છે.