________________
૨૦૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
લક્ષે જીવનની અંતિમ આરાધનારૂપ સંથારો કરવાની ઇચ્છા કરે, ત્યારે સર્વ પ્રથમ અરિહંત અને સિદ્ધ ભગવાનને તથા પોતાના ધર્મગુરુ ધર્માચાર્યને નમસ્કાર કરે, ત્યારપછી પૂર્વે સ્વીકારેલા વ્રતની આલોચના કરીને તજ્જન્ય દોષોનું ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે, ત્યારપછી અઢાર પાપસ્થાન, ચારે પ્રકારનો આહાર તથા પોતાના શરીરના મમત્વભાવનો, આ રીતે ૧૮ + ૪ + ૧ = ૨૩ બોલના જીવન પર્યત પચ્ચકખાણ કરે છે. અર્થાતુ તેનો ત્યાગ કરે છે. આ રીતે પચ્ચકખાણનો સ્વીકાર કર્યા પછી સર્વ જીવો સાથે મૈત્રી ભાવ, અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રાગ-દ્વેષનો ત્યાગ કરીને સમભાવ, ઉપસર્ગ કે પરીષહમાં સંતાપ કર્યા વિના આત્મભાવ કેળવીને જીવન કે મૃત્યુની આકાંક્ષાથી પૂર્ણપણે દૂર રહીને સર્વ પ્રકારના ભૌતિક ભાવોની આસક્તિથી મુક્ત થઈને સમાધિ ભાવમાં સ્થિર થાય છે. સંખનાના અતિચારો:
આ વ્રતના અતિચારના પ્રતિક્રમણ પાછળ એ જ ભાવના છે કે સાધકની આ પવિત્રવૃત્તિ વ્યાઘાત ન પામે. અતિચારોનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે(૧) ઈહલોક આશંસા પ્રયોગ:- આ લોક સંબંધી ભોગ અથવા સુખની કામના કરવી કે હું મરીને સમૃદ્ધિશાળી, સુખસંપન્ન રાજા બનું. (૨) પરલોક આશંસા પ્રયોગ :- પરલોક સંબંધી ભોગ અથવા સુખની ઈચ્છા કરવી. સ્વર્ગમાં પ્રાપ્ત થતાં ભોગોની કામના કરવી કે હું મરીને સ્વર્ગ પ્રાપ્ત કરું તથા ત્યાંનાં અનુપમ સુખ ભોગવું. (૩) જીવિત આશંસા પ્રયોગ :- પ્રશસ્તિ, પ્રશંસા, યશકીર્તિ વગેરેના લોભથી અથવા મોતના ભયથી વધુ જીવવાની ઇચ્છા કરવી. (૪) મરણ આશંસા પ્રયોગ - તપશ્ચર્યાને કારણે થનારી ભૂખતરસ તથા બીજી શારીરિક પ્રતિકૂળ તાઓને કષ્ટ માનીને શીધ્ર મરવાની ઇચ્છા કરવી. (૫) કામભોગ આશંસા પ્રયોગ:- આ લોક સંબંધી તથા પરલોક સંબંધી શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ મૂલક ઇન્દ્રિય સુખોને ભોગવવાની ઇચ્છા કરવી. અમુક ભોગ્ય પદાર્થ મને પ્રાપ્ત થાય. એવી ભાવના રાખવી. પ્રથમ અને દ્વિતીય અતિચારમાં સામાન્ય સુખની કામના છે અને પાંચમા અતિચારમાં ભોગ સુખની તીવ્ર કામના છે.
આ અંતિમ સાધનાકાળમાં ઉપર્યુકત વિચારો મનમાં આવવા સર્વથા અયોગ્ય છે. તેનાથી આંતરિક પવિત્રતા બાધિત થાય છે. જે પવિત્ર અને મહાન લક્ષ્મપૂર્વક સાધક સાધના પથ પર આરૂઢ થયા છે તે લક્ષ્યની સિદ્ધિ થતી નથી, તેથી જ સાધકે આ સ્થિતિમાં અત્યંત જાગૃત રહેવું જોઈએ.
આ રીતે ત્યાગ, તિતિક્ષા અને અધ્યાત્મની ઉચ્ચભાવના સાથે સ્વયં મૃત્યુને સ્વીકારવું. જૈન શાસ્ત્રોએ આવા મૃત્યુને મહોત્સવ કહ્યો છે. આ અંતિમ સંલેખના-સંથારો આત્મહત્યા નથી.
આત્મહત્યા તો ક્રોધ, દુઃખ, શોક, મોહ વગેરે ઉગ્ર માનસિક આવેગથી થાય છે. જીવન જ્યારે નીરસ લાગે ત્યારે વ્યક્તિ આત્મહત્યા કરે છે. સંલેખનાપૂર્વક આમરણ અનશન તે આત્માનો ઘાત નથી પરંતુ તેનો વિકાસ અને ઉત્થાન છે. જ્યાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ, મોહ વગેર મલિન ભાવોનો આંશિક પણ અવકાશ નથી. આ રીતે જોતાં અનશન અને આત્મહત્યાના ઉદ્દેશમાં આકાશ પાતાળનું અંતર છે.