________________
શ્રાવક વ્રત
૧૮૭
પકાવેલા પદાર્થોનું સેવન કરવું, જેમકે છીલકા સહિત સેકેલા ડોડા, ઉપરની ફળી સહિત પકાવેલા વટાણા, હૂંડા સહિત પકવીને તૈયાર કરેલો ઘઉંનો પોંક વગેરે. આ રીતે પકાવેલા પદાર્થોમાં ત્રસ જીવોની હિંસા પણ થઈ શકે છે.
(૫) તુચ્છ ઔષધિ ભક્ષણ ઃ— જે ફળ, ફૂલ, ઔષધિમાં ખાવા યોગ્ય ભાગ ઓછો હોય, ફેંકવા યોગ્ય ભાગ વધારે હોય, જેમકે શેરડી, સીતાફળ વગેરેનું સેવન કરવું. તેનો બીજો અર્થ એ પણ છે કે જે પદાર્થના આહારમાં વધારે હિંસા થાય. જેમ કે– ખસખસના દાણા અથવા કંદમૂળ, અનંતકાય વગેરે તથા જે વસ્તુઓ તુચ્છ છે તેવી બીડી, સીગારેટ, તમાકુ, ભાંગ વગેરેનો ઉપયોગ કરવો. તે તુષધિભક્ષણ કહેવાય છે. પંદર કર્માદાનઃ
કર્મ અને આદાન આ બે શબ્દોથી 'કર્માદાન' શબ્દ બનેલો છે. આદાન એટલે ગ્રહણ કરવું કર્મોના ગ્રહણને કર્માદાન કહે છે. જે પ્રવૃત્તિના સેવનથી જ્ઞાનાવરણ આદિ કર્મનો પ્રબળ બંધ થાય છે, જેમાં ઘણી હિંસા થાય, તે કર્માદાન છે. શ્રાવક માટે તે વર્જિત છે. આ કર્મ સંબંધિત અતિચાર છે. શ્રાવકને તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. પંદર કર્માદાનનું વિશ્લેષણ આ રીતે છે–
(૧) અંગાર કર્મ :- અંગારનો અર્થ કોલસા છે. અંગાર કર્મનો મુખ્ય અર્થ કોલસા બનાવવાનો ધંધો થાય છે, જે કામમાં અગ્નિ અને કોલસાનો વધારે ઉપયોગ થાય તે વ્યાપાર પણ તેમાં આવે છે. જેમ કે ઈંટની ભટ્ટી, ચૂનાની મટ્ટી, સીમેન્ટના કારખાના વગેરે કાર્યોમાં અગ્નિકાયના જીવોની ઘોર હિંસા થાય છે. (૨) વન કર્મ :– જે વ્યાપારનો સીધો સંબંધ વન સાથે હોય, તે વ્યાપારનો સમાવેશ વનકર્મમાં થાય છે, જેમ કે જંગલ કાપીને સાફ કરવું, જંગલનાં વૃક્ષ કાપી લાકડાં વેંચવાં, જંગલ કાપવાનો ઇજારો રાખવો, લીલી વનસ્પતિનું છેદન-ભેદન વગેરે કાર્યો ઘોર હિંસાનાં કાર્યો છે. આજીવિકા માટે વન ઉત્પાદન, સંવર્ધન કરીને વૃક્ષને કાપવાં, કપાવવા તે વન કર્મ છે.
(૩) શકટ કર્મ :– શકટનો અર્થ ગાડી છે. સવારી અથવા માલ લઇ જવા, લાવવા માટે વપરાતા સર્વ વાહનો શકટ કર્મમાં સમાવિષ્ટ થાય છે. આવા વાહનો તથા તેના મશીનો તૈયાર કરવા, વેંચવા વગેરે પ્રવૃત્તિનો સમાવેશ શકટ કર્મ થાય છે. આજની પરિસ્થિતિમાં રેલગાડી, મોટર, સ્કૂટર, સાઇકલ, ટ્રક, ટ્રેકટર વગેરે બનાવવાનાં કારખાનાં તે શકટ કર્મ છે.
(૪) ભાડી કર્મ :– ભાડીનો અર્થ ભાડું છે. બળદ, ઘોડાં, ઊંટ, ભેંસ, ગધેડાં વગેરેને ભાડે આપવાનો વ્યાપાર કરવો, ટ્રક, મોટર, સાઇકલ, રીક્ષા આદિ વાહન ચલાવી તેને ભાડે આપવાનો વ્યાપાર કરવો. (૫) સ્ફોટન કર્મ :– સ્ફોટન એટલે ફોડવું, તોડવું, ખોદવું, ખાણ ખોદવી, પથ્થર તોડવા, કૂવા, તળાવ તથા વાવડી વગેરે ખોદવાના ધંધા સ્ફોટન કર્મમાં આવે છે.
(૬) દંત વાણિજ્ય :- હાથીદાંતનો વ્યાપાર કરવો અને ત્રસ જીવોનાં શરીરાવયવોનો વ્યાપાર કરવો, જેમકે- હાડકાં, ચામડાં, રેશમ, કસ્તૂરી, શંખ, ઊન વગેરે વ્યાપારનો સમાવેશ દંતવાણિજયમાં થાય છે. (૭) લાશા વાણિજ્ય :– લાખનો વ્યાપાર. જે વસ્તુના વ્યાપારમાં ત્રસ જીવોની હિંસા થાય અથવા જેમાં સડો કરવો પડે તેવા કેમિકલ્સનો વ્યાપાર, સોડા, સાબુ, મીઠું, ખાર, રંગ વગેરેનો વ્યાપાર કરવો.— અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૬, પૃ. ૫૯૭
(૮) રસ વાણિજ્ય :- મદિરા વગેરે માદક રસનો વ્યાપાર. રસ રશબ્દ સામાન્ય રીતે શેરડી અને ફળોના રસ માટે પણ પ્રયુક્ત છે પરંતુ અહીં તે અર્થ નથી.