________________
એક જ રાશિના માતા-પિતા કેશવજીભાઈ તથા કુંવરબાઈના લાડકોડમાં બાલ્યાવસ્થાનો સોનેરી સમય વહી રહ્યો હતો. પરંતુ આ તો પંચમકાળ! કુદરત, કર્મ અને કાળની ત્રિપુટી ક્યારે કોના ઉપર કેવી સંપત્તિ કે આપત્તિ ઉતારશે એનો તાગ મેળવવાનું ગજું સામાન્ય માનવમાં તો ક્યાંથી સંભવી શકે? ત્રિપુટીનું ત્રાટકતું તાંડવ :
કુંવરબાઈના લાડીલા સપૂતનું સુખ આ ત્રિપુટીથી જોવાયું નહીં. જ્યારે માવતરની વાત્સલ્યભરી શીળી છાયાની સંતાનોને સતત જરૂર હોય છે. એવી ૧૩વર્ષની વયમાં જ બને છત્રનો વિયોગ થયો. ઇતિહાસ એક વાત નોંધે છે કે પુણ્યવાન પુરુષોને દુઃખનો ભાર હળવો કરનાર નિમિત્તો સામે આવીને ઊભા જ હોય છે. અહીં પણ આ દુઃખદ પ્રસંગે વેરાવળમાં બાંધવબેલડી પૂ. જય-માણેક ગુરુદેવ ચાતુર્માસ બિરાજમાન હતા. પૂ. જયચંદ્રજી મ.સા. કુટુંબના સભ્યોને આશ્વાસન દેવા પધાર્યા. જેમ ઝવેરી ગમે તેવા કાદવમાં પડેલા હીરાના તેજને ઓળખી એને લીધા વગર રહી શકતા નથી તેમ પૂ.ગુરુદેવની પારખુ દષ્ટિમાં માવતર વિયોગની ઘેરી છાયામાં ઘેરાયેલ નાનકડા પ્રાણની મુખાકૃતિની ચમક છાની રહી ન શકી. બહુ જ મીઠા-મધુર શબ્દોમાં આશ્વાસન આપતા તેઓએ કહ્યું–ભાઈ! પ્રાણ ! માવતરની શીતળ છત્રછાયા મળવી દુર્લભ છે. છતાં સંસાર
એ તો સંસાર જ છે. ત્યાં સંયોગ-વિયોગ સતત સંચર્યા જ કરે છે. તમારા જેવા સમજુ તણે ખેદને ખંખેરી ધર્મથી આશ્વાસન મેળવવું જોઈએ. કાલથી ત્રણ વાગ્યે ઉપાશ્રયે આવી ભગવાન મહાવીરે બતાવેલા પ્રેમનાં પાઠ શીખવા માંડો, દુઃખ દૂર થઈ જશે. મજીઠિયા રંગે રંગાયા :
બંને માવતરની ખોટ પૂરી કરે એવા પૂ. ગુરુદેવના સ્નેહભર્યા સાંનિધ્યનું ખરેખર પ્રાણને ઘેલું લાગ્યું નિયમિત ઉપાશ્રયે જવા લાગ્યા, ધર્મ પ્રત્યે આનંદની ઊર્મિઓ ઊછળવા લાગી, વૈરાગ્યના ઘેરા મજીઠિયા રંગે રંગાઈ ગયા. ચાતુર્માસ પૂર્ણ થયું, વિહારમાં જવાની આજ્ઞા મળે તેમ ન હતી. પરંતુ પૂ. ગુરુદેવોનો વિયોગ વધુ સહેવો ન પડ્યો. તે સમયે સૌરાષ્ટ્રની જનતા વધુ ધર્મનું ઊંડુ જ્ઞાન પામે એ લક્ષ્ય પૂ. તપસ્વી ગુરુદેવ યેનકેન પ્રકારે પંડિતોને બોલાવી ચાતુર્માસમાં સિદ્ધાંતશાળા અને શેષકાળમાં મોબાઈલ પાઠશાળા શરૂ કરાવતા હતા. પૂ. તપસ્વી ગુરુદેવ બીજું ચાતુર્માસ વેરાવળથી નજીક માંગરોળ પધાર્યા.
ત્યાં પણ સિદ્ધાંતશાળા શરૂ થઈ. પ્રાણભાઈના મોટાભાઈની અનિચ્છા હોવા છતાં વિનયપૂર્વક આજ્ઞા મેળવી પૂ. ગુરુદેવના સાંનિધ્યમાં આવી સિદ્ધાંતોનો અભ્યાસ કરવા લાગ્યા. આ પછીનો સમય પૂ. ગુર્દેવના સાંનિધ્યમાં પસાર થયો.