________________
શ્રી આવશ્યક સૂત્ર
(૯) પાંચમું શ્રમણ સૂત્ર–પ્રતિજ્ઞા સૂત્ર :– આ સૂત્રમાં જિનેશ્વર પ્રરૂપિત નિર્મૂથ પ્રવચનનું માહાત્મ્ય; તેની શ્રદ્ધા, પ્રતીતિ આદિ તથા તેનું સર્વ દુ:ખથી મુક્તિ રૂપ અંતિમ ફળ પ્રદર્શિત કર્યું છે. ત્યાર પછી અસંયમ આદિ આઠ બોલનો વિવેકપૂર્વક ત્યાગ કરીને સંયમ આદિ આઠ બોલની આરાધનાની પ્રતિજ્ઞાનું કથન છે. જે દોષોની સ્મૃતિ હોય કે સ્મૃતિ ન હોય, જે દોષોનું પ્રતિક્રમણ પૂર્વોક્ત પાઠથી થયું હોય અથવા ન થયું હોય, તે સર્વ દોષોનું સમુચ્ચય પ્રતિક્રમણ આ પાઠ દ્વારા થાય છે.
૪૪
(૧૦) ક્ષમાપના સૂત્ર– વ્રત શુદ્ધિ માટે અતિચારોની આલોચના અને પ્રતિક્રમણની આવશ્યકતા છે, તે રીતે હૃદયની પવિત્રતા, વિશાળતા અને સમભાવની વૃદ્ધિ માટે ક્ષમાપનાનો ભાવ સાધક જીવનમાં અત્યંત જરૂરી છે, તેથી ચોથા પ્રતિક્રમણ આવશ્યકની સમાપ્તિમાં ક્ષમાપના સૂત્રનું કથન છે. જગતના સર્વ જીવો સાથેના વેર-વિરોધને ભૂલી, ક્ષમાનું આદાન-પ્રદાન કરીને, મૈત્રી ભાવને અપનાવવો, તે વીતરાગતાની પ્રાપ્તિનું અનિવાર્ય અંગ છે. સાધક સર્વ જીવો સાથે ક્ષમા યાચના તથા મૈત્રી ભાવનો સ્વીકાર કરીને, સમસ્ત દોષોની સમ્યક પ્રકારે આલોચના, નિંદા, ગાં પૂર્વક પ્રતિક્રમણ કરે છે. અંતે ૨૪ તીર્થંકરોને વંદન કરીને પ્રતિક્રમણ આવશ્યકને સમાપ્ત કરે છે. આવશ્યક સૂત્રમાં ચોથા પ્રતિક્રમણ આવશ્યકમાં આ દસ પાઠ જ પ્રાપ્ત થાય છે, તેમાં મહાવ્રત કે અણુવ્રત આદિનું કથન નથી. વર્તમાનકાલીન પ્રચલિત પરંપરા કે પ્રમાણે પ્રતિક્રમણમાં શ્રમણસૂત્ર પૂર્વે સાધુના પંચ મહાવ્રત અથવા શ્રાવકના બાર અણુવ્રત આદિનો સમાવેશ થાય છે. તે માટે જુઓ : પરિશિષ્ટ-૪-૫.
܀܀܀܀܀