________________
૪૫૪
અઠયાવીસમું પ્રકરણ
ભાવપ્રમાણ
નયના દૃષ્ટાંત
નય પ્રમાણનું સ્વરૂપ :
१ से किं तं णयप्पमाणे ?
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
णयप्पमाणे तिविहे पण्णत्ते, तं जहा - पत्थयदिट्टंतेणं वसहिदिट्ठतेणं पएसदिट्ठतेणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- નયપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નયપ્રમાણના ત્રણ પ્રકાર છે. [ ત્રણ દષ્ટાંતથી તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે ] (૧) પ્રસ્થકના દષ્ટાંત દ્વારા (૨) વસતિના દષ્ટાંત દ્વારા (૩) પ્રદેશના દૃષ્ટાંત દ્વારા.
વિવેચન :
પ્રત્યેક પદાર્થ અનંત ધર્માત્મક છે. વસ્તુના અનંત ધર્મમાંથી અન્ય ધર્મને ગૌણ કરી, એક ધર્મને પ્રધાન કરી, ગ્રહણ કરે તે નય કહેવાય છે. નય દ્વારા એક ધર્મને મુખ્ય કરી વસ્તુનું પ્રતિપાદન કરનાર વક્તાનો જે અભિપ્રાય તે નયપ્રમાણ કહેવાય છે. અનંત ધર્માત્મક વસ્તુના એક–એક ધર્મનું પ્રતિપાદન કરનાર એકએક નય છે. આ રીતે નય અનંત છે પરંતુ તેને સંક્ષિપ્ત કરી સાતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તે સાત નયના નામ આ પ્રમાણે છે. ૧. નૈગમનય, ૨. સંગ્રહનય, ૩. વ્યવહારનય, ૪. ઋજુસૂત્ર નય, પ. શબ્દનય, ૬. સમભિરૂઢ નય ૭. એવંભૂત નય.
(૧) નૈગમનય :– જેને જાણવાની અનેક રીત છે તે નૈગમ. નૈગમનય સામાન્ય અને વિશેષ બંનેને ગ્રહણ કરે છે. લોકરૂઢિઓ, લોક વ્યવહારને સ્વીકારે છે અને તે સંકલ્પગ્રાહી છે. જે વસ્તુ સંકલ્પમાં કે વિચારમાં છે, તે વસ્તુરૂપે હજુ અસ્તિત્વમાં ન હોવા છતાં તે વસ્તુનો સ્વીકાર કરવો તે નૈગમનય.
(૨) સંગ્રહનય :– સંગ્રહનય માત્ર સામાન્યને જ સ્વીકારે છે. જીવ, અજીવ દરેકમાં સત્—હોવાપણું છે. તે સત્ મહાસામાન્ય અને જીવત્વ, સંસારીત્વ, સિદ્ધત્વ, સ્થાવરત્વ વગેરે અપર સામાન્યનો સ્વીકાર સંગ્રહ નય કરે છે. જેમકે પ્રત્યેક જીવમાં જીવત્વ છે. કોઈ તેમાં વિશેષતા બતાવે કે જીવના બે ભેદ છે સિદ્ધ અને સંસારી, તો સંગ્રહનય કહેશે સિદ્ધના બધા જીવ સમાન છે, તેમાં સિદ્ધત્વ સમાન રૂપે છે. તે જ રીતે સર્વ