________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ –પ્રત્યક્ષદિ
૪૪૯
છેદોપસ્થાપનીય ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે— સાતિચાર અને નિરતિચાર. (૩) પરિહારવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે—– નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક. (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે– સંક્લિશ્યમાન અને વિશુદ્ધયમાન. (૫) યથાખ્યાત ચારિત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે છે—પ્રતિપાતી અને અપ્રતિપાતી અથવા છાદ્મસ્થિક અને કેવલિક. ચારિત્રગુણ પ્રમાણનું આવું સ્વરૂપ છે. ચારિત્રગુણ પ્રમાણ અને જીવગુણપ્રમાણ તેમજ ગુણપ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
ચારિત્ર ઃ– ચારિત્ર એ જીવનો સ્વભાવ, ધર્મ, ગુણ છે. સ્વરૂપમાં રમણ કરવું, સ્વભાવમાં પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર કહેવાય છે. તે સર્વસાવવિરતિ રૂપ છે. સંસારના કારણભૂત બાહ્ય અને આંતરિક ક્રિયાઓથી નિવૃત્ત થવારૂપ ચારિત્ર એક જ છે. ચારિત્ર મોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રાપ્ત વિશુદ્ધિની અપેક્ષાએ પણ ચારિત્ર એક જ છે પરંતુ વિભિન્ન દષ્ટિકોણથી ચારિત્રના ભેદ કરવામાં આવે છે. ચારિત્રના ભેદ :– સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર, નિવૃત્તિરૂપ ચારિત્ર એક પ્રકારે છે.
બાહ્યનિવૃત્તિરૂપ ચારિત્ર અને આત્યંતર નિવૃત્તિરૂપ ચારિત્ર અથવા વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર અથવા પ્રાણીસંયમ અને ઈન્દ્રિય સંયમની અપેક્ષાએ ચારિત્ર બે પ્રકારનું છે.
ઔપશમિક ચારિત્ર, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયોપશમિક ચારિત્રના ભેદથી ચારિત્રના ત્રણ પ્રકાર છે. સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાખ્યાત ચારિત્રના ભેદથી ચારિત્રના ચાર પ્રકાર છે. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્રના ભેદથી ચારિત્રના પાંચ પ્રકાર છે. નિવૃત્તિરૂપ વિવિધ પરિણામોની અપેક્ષાએ ચારિત્રના સંખ્યાત, અસંખ્યાત અને અનંતભેદ પણ થઈ શકે છે. અહીં પાંચ પ્રકારે ચારિત્રનું સ્વરૂપ સૂત્રકારે બતાવ્યું છે.
૧. સામાયિક ચારિત્ર :- (૧)સમ + આય + ઈક = સામાયિક. સમ્ ઉપસર્ગપૂર્વક અય્ ધાતુ અને ઈક્ પ્રત્યયથી સામાયિક શબ્દ બને છે. સમ્ એટલે એકત્વપણાથી, એકમેક થઈને, આય એટલે આગમન, અર્થાત્ પરદ્રવ્યોથી નિવૃત્ત થઈ આત્મામાં જ ઉપયોગ એકરસ બની જાય, તેનું નામ સામાયિક.
(૨) સમ્ એટલે રાગદ્વેષ રહિત મધ્યસ્થ આત્મા, આય એટલે ઉપયોગની પ્રવૃત્તિ થવી. આત્મામાં જ ઉપયોગની પ્રવૃત્તિ થાય તે સમાય. તે જ જેનું પ્રયોજન છે તે સામાયિક.
(૩) સમ્ એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્ર. તેની આય એટલે પ્રાપ્તિ તે સમાય. સમ્ એટલે સાધુની સમસ્ત ક્રિયાઓ, સાધુની સમસ્ત ક્રિયાઓ રાગદ્વેષ રહિત હોય છે તેથી તેને સમ કહે છે. આ ક્રિયાઓની પ્રાપ્તિ તે સમાય. સમાયથી નિષ્પન્ન, સંપન્ન હોય તે સામાયિક અથવા સમાય જ સામાયિક છે.
(૪) સર્વ સાવધ કાર્યોથી, સર્વ પાપકારી કાર્યથી નિવૃત્ત થવા રૂપ મહાવ્રતધારી સાધુ સાધ્વીઓનું ચારિત્ર