________________
શ્લોક પ્રમાણ ઉપલબ્ધ મૂળપાઠ છે. આ સૂત્ર ગદ્યમય છે. તેમાં ૧૪૩ પદ્યસૂત્ર છે.
અનુયોગદ્વાર સૂત્રમાં પ્રથમ પાંચ જ્ઞાનથી મંગલાચરણ કરવામાં આવ્યું છે. તત્પશ્ચાતું આવશ્યક અનુયોગનો ઉલ્લેખ છે. તે ઉપરથી પાઠકને અનુમાન થાય કે આ સૂત્રમાં આવશ્યક સૂત્રની વ્યાખ્યા હશે પરંતુ તેમ નથી. અનુયોગદ્વાર સૂત્રમાં તો તેના ઉપક્રમાદિ દ્વારનું વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન અથવા વ્યાખ્યા પદ્ધતિ કેવી હોવી જોઈએ તે બતાવવા માટે શાસ્ત્રકારે આવશ્યકને દષ્ટાંત રૂપે પ્રસ્તુત કરેલ છે. પ્રસ્તુત સૂત્રમાં આવશ્યક, શ્રુત, સ્કન્દ, અધ્યયનની વ્યાખ્યા, તેમાં છ અધ્યયનોનો પિંડાર્થ(અર્થાધિકારનો નિર્દેશ), તેના નામ અને સામાયિક શબ્દની વ્યાખ્યા આપી છે. આવશ્યક સૂત્રોના પદોની વ્યાખ્યા નથી. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે 'અનુયોગકાર સૂત્ર' એ મુખ્યરૂપે અનુયોગની વ્યાખ્યાના કારોનું નિરૂપણ કરતો ગ્રંથ છે. આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરનાર નહીં. પરંતુ આવશ્યકનો આધાર લઈ અનુયોગની વ્યાખ્યા પદ્ધતિ દર્શાવી છે.
આગમ સાહિત્યમાં અંગો પછી મહત્ત્વપૂર્ણ સ્થાન આવશ્યકસૂત્રને આપવામાં આવ્યું છે અને તેનું કારણ એ છે કે પ્રસ્તુત સૂત્રમાં નિરૂપિત સામાયિકથી જ શ્રમણ જીવનનો પ્રારંભ થાય છે. પ્રતિદિન પ્રાતઃકાલ અને સંધ્યા સમયે શ્રમણ જીવનની આવશ્યક ક્રિયાની આરાધનાનું નિરૂપણ તેમાં છે. તેથી અંગસૂત્રના અધ્યયન પૂર્વે આવશ્યકનું અધ્યયન કરાવવામાં આવે છે. આ જ કારણથી પ્રસ્તુત સૂત્રમાં આવશ્યકની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. વ્યાખ્યારૂપે ભલે સંપૂર્ણ ગ્રંથની વ્યાખ્યા આ સુત્રમાં નથી. માત્ર ગ્રંથમાં ઉલ્લેખિત નામોના પદોની જ વ્યાખ્યા કરવામાં આવી છે. તોપણ આ સૂત્રમાં વ્યાખ્યાની જે પદ્ધતિ સ્વીકારવામાં આવી છે, તે જ પદ્ધતિ સંપૂર્ણ આગમોની વ્યાખ્યામાં સ્વીકારવામાં આવે છે. આવશ્યકની વ્યાખ્યાના બહાને સૂત્રકારે સંપૂર્ણ આગમોના રહસ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. રચનાકાર :- આ અનુયોગદ્વાર સૂત્રના રચયિતા કે સંકલનકર્તા આર્યરક્ષિત છે. તે સાડાનવ પૂર્વના જ્ઞાતા હતા અર્થાત્ પૂર્વધર હતા. આ સૂત્રની રચના વિષયમાં કંઈક મંતવ્યભેદ પણ છે. તેની રચનાનો સમય વીરનિર્વાણ સંવત ૮૨૭ થી પૂર્વનો ગણાય છે, કેટલાક વિદ્વાન તેને બીજી શતાબ્દીની રચના માને છે. આગમ પ્રભાવક પુણ્યવિજયજી