________________
३३४
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે પ્રમણાંગુલના ત્રણ પ્રકાર– શ્રેણ્યાંગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલનું સ્વરૂપ દર્શાવ્યું છે. ત્રણે પ્રકારના પ્રમાણાંગુલનું સ્વરૂપ ઉત્સધાંગુલની જેવું જ સમજવું. અર્થાત્ એક પ્રદેશી પહોળી, પ્રમાણાંગુલ પ્રમાણ લાંબી શ્રેણી, પ્રમાણાંગુલનો શ્રેણ્યાંગુલ કહેવાય છે. પ્રમાણાંગુલ શ્રેણીને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો–પ્રતરાંગુલ થાય છે અને પ્રતરને શ્રેણી સાથે ગુણવાથી પ્રમાણાંગુલનો ઘનાંગુલ થાય છે.
સૂત્રકારે આ સૂત્રમાં ઘનીકૃત લોકના આધારે ઉત્કૃષ્ટ શ્રેણી, પ્રતર અને ધનનું વર્ણન કર્યું છે. અહીં પ્રશ્ન થાય કે પ્રમાણાંગુલનું વર્ણન કરતાં સૂત્રકારે ધનીકૃત લોકનું વર્ણન શા માટે કર્યું હશે ? તેનું સમાધાન એ છે કે પ્રમાણાંગુલથી શાશ્વત વસ્તુઓ માપવામાં આવે છે અને શાશ્વત એવા લોકના આધારે જ શ્રેણી, પ્રતર વગેરેનું પ્રમાણ નિશ્ચિત થાય છે. તેથી પ્રમાણાંગુલના પ્રસંગે ઘનીકૃત લોક વગેરેનું વર્ણન યથોચિત જ છે.
આગમોમાં જ્યાં–જ્યાં ઉત્સેઘાંગુલ, આત્માંગુલ એવા વિશેષણ વિના (ઉત્સઘાગુંલની શ્રેણી તેવા વિશેષણ વિના) શ્રેણી, પ્રતર વગેરે પ્રયોગ થાય ત્યારે ઘનીકૃત લોકની શ્રેણી, પ્રતર ગ્રહણ કરવામાં આવે છે. શ્રેણી આદિનું સ્વરૂપ :
(૧) શ્રેણી :– એક પ્રદેશ પહોળી, ઘનીકૃત લોકના સાત રાજુ પ્રમાણ લાંબી અર્થાત્ અસંખ્ય ક્રોડાક્રોડી યોજન લાંબી આકાશ પ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે તે શ્રેણી ૭ રાજુ લાંબી હોય છે.
(૨) પ્રતર ઃ– ઘનીકૃત લોકની શ્રેણી સાથે શ્રેણીને ગુણવાથી પ્રતર બને છે. અર્થાત્ પ્રતરની લંબાઈ—પહોળ ાઈ સાત–સાત રાજુની હોય છે. આ પ્રતર ૭×૭ = ૪૯ રાજુ પ્રમાણ હોય છે.
(૩) ઘન :– ઘનીકૃત લોકના પ્રત્તર સાથે શ્રેણીને ગુણવાથી ઘન બને છે. તે જ ઘનીકૃત લોક કહેવાય છે. ૪૯×૭ = ૩૪૩ રાજુ પ્રમાણ ધન છે. ઘનીકૃત લોક ૩૪૩ રાજુ પ્રમાણ છે.
(૪) સંખ્યાત લોક :– તે ઘનીકૃત લોક સાથે સંખ્યાતને ગુણવામાં આવે તો તે સંખ્યાત લોક કહેવાય. (૫) અસંખ્યાત લોક :– તે ઘનીકૃત લોક સાથે અસંખ્યાતને ગુણવામાં આવે તો તે અસંખ્યાત લોક કહેવાય છે.
વાસ્તવમાં લોક સમુચતુરસ નથી. નીચે સાતમી નરકના અંતે ૭ રાજુ પહોળો, મધ્યમાં તિરછા લોક પાસે એક રાજુ, પુનઃ પાંચમા દેવલોક પાસે પાંચ રાજુ અને ઉપર લોકાંતે એક રાજુ પહોળો છે. ૧૪ રાજુ લાંબો છે. તેનો આકાર બે પગ પહોળા રાખી, કમ્મર ઊપર બે હાથ રાખી ફૂદરડી ફરતા પુરુષની આકૃતિ જેવો છે પણ તેને કલ્પના દ્વારા સમુચતુરસ ઘનાકાર બનાવી તેની શ્રેણી, પ્રતર અને ઘન ગ્રહણ કરવામાં આવે છે.
સમચોરસ ઘનીકૃત લોક બનાવવાની રીત :– ઘનીકૃત લોક સમચોરસ બનાવવા માટે લોકની મધ્યમાં જે ૧૪ રાજુ લાંબી અને એક રાજુ પહોળી ત્રસનાડી છે, તેમાંથી ૭ રાજુ પ્રમાણ લાંબા અધોલોકમાં તે ત્રસનાડી અને તેના પૂર્વ વિભાગને આકૃતિ નં.૧ માં બતાવ્યા પ્રમાણે યથાસ્થાને રાખવા અને આકૃતિ ૨ માં બતાવ્યા પ્રમાણે પશ્ચિમ વિભાગના અ બ ક ત્રિકોણને ત્યાંથી ઉપાડી આકૃતિ નં.૩ માં બતાવ્યા પ્રમાણે અ બ ક ત્રિકોણને ઉલટાવી પૂર્વ વિભાગમાં મૂકવો.