________________
પ્રકરણ ૧૩/આઠ નામ – આઠ વિભક્તિ
૨૩૯
ફળને ખાધું. ખાવારૂપ ક્રિયાની અસર ફળ પર પડે છે માટે અહીં ફળ કર્મ કહેવાય છે. ગુજરાતી ભાષામાં કર્મકારકમાં ક્યારેક 'ને' પ્રત્યય લાગે છે, ક્યારેક પ્રત્યય લાગતા નથી 'રામે ફળ ખાધુ' આ વાક્યમાં ફળ કર્મ છે. તેને પ્રત્યય લાગ્યો નથી.
(૩) તૃતીયા વિભક્તિ–કરણ કારક, :– ક્રિયાની સિદ્ધિમાં જે સૌથી વધુ સહાયક અને ઉપકારક સાધન હોય તે કરણ કહેવાય છે. જેમકે "કઠીયારો કુહાડીથી લાકડું કાપે છે' 'તે સોયથી વસ્ત્ર સાંધે છે.' અહીં કાપવારૂપ અને સોંધવારૂપ ક્રિયામાં કુહાડી અને સોય સહાયક સાધન છે માટે તે કરણ કહેવાય અને તેને તૃતીયા વિભક્તિનો પ્રત્યય–'થી' લાગેલ છે. કરણ કારકના પ્રત્યય છે– 'થી, થકી, વડે દ્વારા'
(૪) ચતુર્થી વિભક્તિ-સંપ્રદાન કારક :– જેને માટે ક્રિયા કરાય છે તે સંપ્રદાન કહેવાય છે. 'સીતા રામને માટે માળા ગૂંથે છે.' અહીં ગૂંથવારૂપ ક્રિયા રામને માટે કરાય છે, તેથી રામને ચતુર્થી વિભક્તિ લાગે. ચતુર્થીનો પ્રત્યય છે 'માટે.'નમઃ, સ્વાહા જેવા પદ જેના માટે વપરાય તેને માટે ચતુર્થીના પ્રત્યય સંસ્કૃત પ્રાકૃત ભાષામાં વપરાય છે.
(૫) પંચમી વિભક્તિ—અપાદાન કારક :- પૃથક્ થાય છે કે અલગ પડે છે, તેવો બોધ જેનાથી થાય તે અપાદાન કહેવાય છે. વૃક્ષ પરથી ફૂલ પડયું, છાપરા ઉપરથી પક્ષી ઊડ્યું. વૃક્ષ અને ફૂલ છૂટા પડે છે, ફૂલ તો કર્તા છે. વૃક્ષ પરથી અલગ થાય છે માટે વૃક્ષને પંચમી વિભક્તિ લાગે, તેમ છાપરાને પંચમી વિભક્તિ લાગે. પંચમીનો પ્રત્યય છે, થી, પરથી, ઉપરથી.
(૬) ષષ્ઠી વિભક્તિ—સ્વામિત્વ કારક :– પોતાની માલિકી બતાવવી તે સ્વામિત્વ છે અને તે માટે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. પ્રિયાની બોલપેન ખોવાઈ ગઈ.' બોલપેનની માલિક પ્રિયા છે, માટે પ્રિયાને ષષ્ઠી વિભક્તિ લાગે. ષષ્ઠી વિભક્તિના પ્રત્યય છે– નો,ની,નું,ના.
(૭) સપ્તમી વિભક્તિ-સન્નિધાન કારક :– વસ્તુનો આધાર તે સન્નિધાન કહેવાય છે. જે આધાર હોય તેને સપ્તમી વિભક્તિ લાગે છે 'ડાળ ઉપર પક્ષી બેઠું છે.” ડાળ પક્ષીના આધારરૂપ છે માટે તેને સપ્તમીનો પ્રત્યય લાગે. સપ્તમીનો પ્રત્યય છે માં, પર, ઉપર,
(૮) અષ્ટમી વિભક્તિ-સંબોધન કારક :– કોઈને સંબોધન કરવામાં અષ્ટમી વિભક્તિ લાગે છે. હે રામ ! તમે મારી સાથે આવશો ?' રામને સંબોધન કર્યું છે માટે તે અષ્ટમી વિભક્તિ કહેવાય. અષ્ટમી વિભક્તિ નામને જ લાગે છે, સર્વનામને નહીં અને નામ પૂર્વે હે, અરે, લાગે છે. આ રીતે અષ્ટનામનું સ્વરૂપ જાણવું.
॥ પ્રકરણ-૧૩ સંપૂર્ણ ॥