________________
આત્મસાપેક્ષ છે. બીજી અપેક્ષાએ ઈન્દ્રિયજન્ય જ્ઞાનોને પરોક્ષ પ્રમાણ રૂપે કહેલ છે. ચૂલિકા સૂત્ર અને મૂળ સૂત્ર :
નંદી સૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર ચૂલિકાસૂત્ર કહેવાય છે. ચૂલિકા શબ્દનો પ્રયોગ તે અધ્યયન અથવા ગ્રંથ માટે હોય છે કે જેમાં અવશિષ્ટ વિષયોનું વર્ણન અથવા વર્ણિત વિષયોનું સ્પષ્ટીકરણ કરેલ હોય. દશવૈકાલિક અને મહાનિશીથના સંબંધમાં આવી ચૂલિકાઓ અર્થાત્ ચૂડાઓ ઉપલબ્ધ છે. એમાં મૂળ ગ્રંથનું પ્રયોજન અથવા વિષયને દૃષ્ટિમાં રાખીને એવી કોઈક આવશ્યક વાતો પર પ્રકાશ પાડેલ છે કે જેનો સમાવેશ આચાર્ય ગ્રંથના કોઈ અધ્યયનમાં કરી શક્યા ન હોય. વર્તમાનમાં આવા કાર્યોને પુસ્તકના અંતમાં પરિશિષ્ટ રૂપે જોડીને સંપન્ન કરવામાં આવે છે. નંદી અને અનુયોગદ્વાર પણ આગમો માટે પરિશિષ્ટનું કાર્ય કરે છે. એટલુ જ નહીં આગમના અધ્યયન માટે આ બે સૂત્રો ભૂમિકાનું પણ કામ કરે છે. આ કથન નંદી સૂત્ર કરતા અનુયોગદ્વાર સૂત્રનાં વિષયમાં અધિક સત્ય છે. નંદીમાં તો કેવળ જ્ઞાનનું જ વિવેચન કર્યું છે ત્યારે અનુયોગદ્વારમાં આવશ્યક સૂત્રની વ્યાખ્યાના બહાને સમગ્ર આગમની વ્યાખ્યા અભીષ્ટ છે. માટે તેમાં પ્રાયઃ આગમોના સમસ્ત મૂળભૂત સિદ્ધાંતોનું સ્વરૂપ સમજાવવાની સાથે જ વિશિષ્ટ પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ પણ કરેલ છે જેનું જ્ઞાન આગમોનાં અધ્યયન માટે આવશ્યક જ નહીં પણ અનિવાર્ય છે. અનુયોગદ્વાર સૂત્ર સમજ્યા પછી કોઈ પણ આગમિક પરિભાષા એવી ન રહી જાય કે જેને સમજવા માટે જિજ્ઞાસુ પાઠકને મુશ્કેલીનો સામનો કરવો પડે. આ ચૂલિકા સૂત્ર હોવા છતાં એક પ્રકારે સમસ્ત આગમોનો કે આગમજ્ઞાનનો પાયો છે. એટલા માટે આ સૂત્રોને મૂળસૂત્ર કહેવાની પણ પરંપરા છે. આ પ્રકારે આ બંને શાસ્ત્રોને ચૂલિકા સૂત્ર અને મૂળ સૂત્ર
ગણવાની બન્ને પરંપરાઓ ચાલી રહી છે.
નંદીસૂત્રનો વિષય :
નંદી સૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન કરેલ છે. નિર્યુક્તિકાર આદિ આચાર્યોએ નંદી શબ્દને જ્ઞાનની જ પર્યાય માનેલ છે. સૂત્રકારે સર્વ પ્રથમ ૫૦ ગાથાઓમાં મંગલાચરણ કરેલ છે. ત્યાર બાદ સૂત્રના મૂળ વિષયભૂત આભિનિબોધિક આદિ પાંચ પ્રકારના જ્ઞાનનો પ્રારંભ કર્યો છે. પહેલા આચાર્યે જ્ઞાનના પાંચ ભેદ કર્યા છે
43