________________
૮૪
પરિશિષ્ટ-૧
જ્ઞાન અને મંગલાચરણનું મહાત્મ્ય
શ્રી નંદી સૂત્ર
જ્ઞાનનો મહિમા :
પરિવર્તનશીલ એવા આ સંસારમાં પ્રત્યેક પ્રાણીઓ દુ:ખ અને અશાંતિની ભીષણ જ્વાળામાં બળી રહ્યા છે. આ જ્વાળામાંથી બચવા માટે પ્રાણીઓ ચારે બાજુ ભટકી રહ્યા છે, પરંતુ સુખની અનંત ધારાથી તે પ્રત્યેક ક્ષણો દૂર દૂર ચાલ્યા જાય છે. તેનું મૂળ કારણ શોધવાથી જાણવા મળે છે કે માનવને પોતાનું જ અજ્ઞાન, અનંત શાંતિ, પરમ સુખ અને મુક્તિના સોપાન પર ચરણ મૂકવા દેતું નથી. પોતાનું જ અજ્ઞાન તેને સંસાર સાગરમાં ગોથા ખવડાવે છે. કહ્યું છે 'તજ્ઞાનું યંત્ર નાજ્ઞાનમ્' અજ્ઞાનનો પૂર્ણ અભાવ જ વસ્તુતઃ જ્ઞાન છે. જૈનદર્શન એવી કોઈ પણ જ્ઞાત અથવા અજ્ઞાત શક્તિનો સ્વીકાર કરતું નથી કે જેથી મનુષ્યને જ્યાં ત્યાં ભટકવું પડે. જૈનદર્શને તો સર્વ સત્તા મનુષ્યના હાથમાં જ સોંપી દીધી છે. તે ધારે તો ઉપર જઈ શકે છે અને ધારે તો નીચે પણ ગબડી પડે છે.
મનુષ્યના અંતઃકરણમાં જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર છે ત્યાં સુધી આત્માને સન્માર્ગે જવા દે નહીં. પરંતુ જ્યારે જ્ઞાનના અનંત કિરણો તેના આત્મામાં પ્રસ્ફુટિત થાય છે ત્યારે નિજ સ્વરૂપનું ભાન થાય છે. તે તેને પરથી હટાવીને સ્વમાં સ્થિર થવા ઈશારો કરે છે, જ્યાં અનંત સુખ અને અનંત શાંતિનો અક્ષય ભંડાર વિધમાન છે. જ્યારે સાચા સુખની પરિભાષા આપતા જૈનદર્શનકારોએ સ્પષ્ટ શબ્દોમાં ઘોષણા કરી છે કે અજ્ઞાનની નિવૃત્તિ અને આત્મામાં વિધમાન પરમાનંદ નિાનંદની અનુભૂતિ એ જ સાચા સુખની ચાવી છે. શ્રમણ ભગવાન મહાવીરે પોતાની ઓજસ્વી વાણીમાં કહ્યું છે કે આત્માની અંદર અનંત જ્ઞાનની નિરંતર ધારા વહી રહી છે, માટે અજ્ઞાન અને મોહના આવરણને હટાવવાની જરૂર છે. અજ્ઞાન જાય તો અનંત સુખની ધારા અને અનંત શાંતિનો સાગર લહેરાવા લાગે, અનંત જ્ઞાનનો સાગર આત્માની અંદર જ છે.
જ્ઞાન શું છે ? આ શંકાના સમાધાન માટે આપણે આચાર્યોની ચિંતનપૂર્ણ વાણીના શરણમાં પહોંચી જઈએ અથવા સ્વયં જ પ્રખર આત્મચિંતનના ઊંડાણમાં ડૂબકી લગાવીએ તો એનો ઉત્તર આપણી સામે આવે છે કે સુખ અને દુઃખના હેતુઓથી સ્વયંને પરિચિત થવું, તેનું નામ છે જ્ઞાન. જ્ઞાન એ આત્માનો નિજ ગુણ છે અને નિજ ગુણની પ્રાપ્તિ એ જ ઉત્તમ સુખ છે. જૈનદર્શનકારોએ કહ્યું છે કે હેય, જ્ઞેય અને ઉપાદેય આદિ હેતુઓને અહેતુ અને અહેતુઓને હેતુ સમજવો, તે જ અજ્ઞાન છે. જેને જૈનદર્શનની ભાષામાં મિથ્યાત્વ પણ કહેવાય છે. દુઃખનું મૂળ કારણ પણ તે મિથ્યાત્વ જ છે. જૈનદર્શનમાં એ પણ સ્પષ્ટ કરેલ છે કે જીવ જો જ્ઞેયને સમજવાની સાથે હૈય અને ઉપાદેયનો પણ વિવેક ન રાખે તો તેનું જ્ઞાન પણ વાસ્તવમાં અજ્ઞાનની કોટીમાં ગણાય છે. આ પણ એક નય છે, અપેક્ષા છે. જ્યાં વિવેક ન હોય ત્યાં સમ્યગ્દર્શનનો અભાવ હોય છે. સમ્યગ્દર્શનથી સદ્વિવેકની પ્રાપ્તિ થાય છે. હેય અને ઉપાદેય, આત્મા અને કર્મ, બંધ અને મોક્ષના ઉપાયોને સત્બુદ્ધિના ત્રાજવા પર તોળીને તુલનાત્મક દષ્ટિથી સમજે તેને વિવેક કહેવાય છે. આ વિવેકની મશાલ જ્ઞાનની જ્યોત દ્વારા જ ઉજ્જવળ, સમુજ્જવળ અને પરમોજ્જવળ થતી જાય છે.