________________
મતિજ્ઞાન
૧૫૩.
રાજાએ પુરિમતાલપુર પર ચઢાઈ કરી અને નગરની ચારે તરફ ઘેરો ઘાલ્યો.
રાત્રિના સમયે ઉદિતોદય રાજાએ વિચાર્યું– જો યુદ્ધ કરીશ તો સંખ્યાબંધ માણસોનો સંહાર થશે માટે બીજો કોઈ ઉપાય કરવો જોઈએ. જનસંહાર અટકાવવા માટે રાજાએ વૈશ્રમણ દેવની આરાધના કરવા માટે અઠમતપ કર્યો. ત્રીજા દિવસે દેવ પ્રગટ થયો. રાજાએ દેવને પોતાની ઈચ્છા બતાવી. દેવે કહ્યું – તથાસ્તુ. વૈશ્રમણ દેવે રાતોરાત પોતાની વૈક્રિય શક્તિથી સંપૂર્ણ નગરને અન્ય સ્થાન પર સંહરણ કરી દીધું. વારાણસીના રાજાએ બીજા દિવસે ત્યાં જોયું તો નગરને બદલે સાફ મેદાન દેખાયું. એ જોઈને તે પોતાના નગર તરફ પાછો ગયો. રાજા ઉદિતોદયે પોતાની પારિણામિકી બુદ્ધિથી પોતાની અને જનતાની રક્ષા કરી. (s) સાધુ-વિલેજ :- નંદિષેણ રાજગૃહના રાજા શ્રેણિકનો પુત્ર હતો. તે યુવાન થયો એટલે રાજાએ અનેક રાજકુમારીઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. એ નવોઢાઓ પોતાના રૂપ અને યૌવનથી અપ્સરાઓને પણ પરાજિત કરતી હતી. નંદિષેણ તેની સાથે સાંસારિક સુખ ભોગવતાં સમય વ્યતીત કરતા હતા.
તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા. મહાવીર પ્રભુના આગમનના સમાચાર શ્રેણિક મહારાજાને મળ્યા. ત્યારબાદ તે અંતઃપુર સહિત ભગવાનના દર્શન માટે ગયા. નંદિષેણ પણ એ સમાચાર સાંભળીને પોતાની પત્નીઓ સાથે દર્શનાર્થે ગયો. ઉપસ્થિત જનતાને ભગવાને ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને નંદિષેણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ત્યાંથી તે રાજભવનમાં ગયો. ત્યાં જઈને માતાપિતા તથા દરેક પત્નીની અનુમતિ મેળવીને તેણે સંયમ અંગીકાર કર્યો. સંયમી બન્યા પછી જ્ઞાન અભ્યાસમાં તલ્લીન બની ગયા. અત્યંત તીવ્ર બુદ્ધિના કારણે તેણે અલ્પકાળમાં જ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો.
નંદિષેણ મનિના ઉપદેશથી અનેક ભવ્યાત્માઓ પ્રતિબોધિત થઈને સંયમ અંગીકાર કરતા હતા. ભગવાન મહાવીરની આજ્ઞા લઈને પોતાના શિષ્ય પરિવાર સહિત નંદિષેણ મુનિએ રાજગૃહથી અન્યત્ર વિહાર શરૂ કર્યો. ઘણો સમય વ્યતીત થયા બાદ ગ્રામાનુગામ વિહાર કરતા કરતા એકવાર નંદિષેણ મુનિને જ્ઞાનમાં જાણવા મળ્યું કે મારો એક શિષ્ય સંયમ પ્રત્યે અરુચિ રાખે છે અને ફરી સાંસારિક સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે. તેને સંયમમાં સ્થિર કરવા માટે નંદિષેણ મુનિએ ફરી રાજગૃહ તરફ વિહાર કર્યો. નંદિપેણ મુનિના રાજગૃહ પધારવાના સમાચાર સાંભળીને મહારાજા શ્રેણિક પોતાના અંતઃપુર સહિત તેમજ નંદિષેણ કુમારની પત્નીઓને સાથે લઈને દર્શનાર્થે ગયા.
રાજા શ્રેણિકને, તેની રાણીઓને તથા પોતાના ગુરુ નંદિષણની અનુપમ રૂપવતી પત્નીઓને જોઈને મુનિપણામાં શિથિલ થઈ ગયેલ સાધુએ વિચાર્યું કે– અરે ! મારા ગુરુએ તો અપ્સરાને શરમાવે એવી રૂપવતી સ્ત્રીઓનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરેલ છે અને મન, વચન, કાયાથી સારી રીતે સંયમનું પાલન કરે છે અને હું વમન કરેલા વિષય ભોગોનું ફરી સેવન કરવા ઈચ્છું છું. ધિક્કાર છે મને ! આ રીતે વિચલિત થયાનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એવો વિચાર કરીને તે પુનઃ સંયમી જીવનમાં દઢ બની ગયા અને આત્મ કલ્યાણના માર્ગમાં અધિક તન્મયતાથી પ્રવૃત્ત થયા.