________________
મતિજ્ઞાન
૧૩૩
જમાડ્યા પછી અન્ય સ્થાન પર સુખપૂર્વક સંતાડી દીધા.
સાંજનો સમય થતાં કપટી મિત્ર પોતાના બન્ને બાળકોને લેવા માટે આવ્યો, તેને આવતો જોઈને ભોળા મિત્રે જે જગ્યાએ પેલાની મૂર્તિ રાખી હતી એ ત્યાંથી લઈ લીધી અને એ જ જગ્યાએ શેત્રુંજી પાથરીને તેને ત્યાં બેસાડ્યો. પછી ઘરમાં જઈને બન્ને વાંદરાઓને તેણે છૂટા કર્યા. બન્ને વાંદરાઓ સીધા કપટી મિત્રના મસ્તક પર, હાથ પર, પીઠ પર, પગ પર ચડીને મસ્તી કરવા લાગ્યા. કપટી મિત્રે કહ્યું, આ વાંદરાઓ મારા પર અત્યંત પ્રેમ કેમ કરે છે? સરળ મિત્રે કહ્યું– એ બન્ને આપના પુત્રો છે. મારા ઘેર આવીને જમ્યા પછી એ બન્ને વાંદરાઓ બની ગયા છે. એ આપના પુત્રો હોવાથી પરિચિત છે માટે આપના શરીર પર નાચ-કૂદ કરે છે. માયાવીએ કહ્યું- શું મનુષ્ય પણ વાંદરા બની શકે? ભોળા મિત્રે કહ્યું- જો સુવર્ણ કોલસા બની શકે તો માણસ પણ વાંદરા બની શકે છે.
માયાવીએ વિચાર્યું કે મારા આ ભોળા મિત્રને મારી ચાલની ખબર પડી ગઈ છે. જો હું શોર મચાવીશ તો તે રાજાને કહી દેશે. રાજા મને પકડી લેશે, દંડ કરશે, બધું ધન લઈ જશે અને મારા દીકરાઓ પણ ફરી મનુષ્ય નહીં થાય. એમ વિચારીને તેણે પોતાના મિત્રને બધી સત્ય વાત કરી દીધી અને ધનનો અર્ધો ભાગ પણ તેને આપી દીધો. સરળ મિત્રે બન્ને વાંદરાઓને ઘરમાં જઈને બાંધી દીધા અને જે સ્થળે કપટી મિત્રના બે પુત્રો રાખ્યા હતા ત્યાંથી લાવીને તેને સોંપી દીધા. આ સરળ મિત્રની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૪) શિક્ષા–ધનુર્વેદ - કોઈ એક ગામમાં એક માણસ ધનુષ્ય વિદ્યામાં બહુ નિપુણ હતો. એક વખત ચાલતાં ચાલતાં તે કોઈ એક શહેરમાં પહોંચ્યો. ત્યાંના લોકોને તેની કળા તથા હોંશિયારીની ખબર પડી. એટલે ઘણા શ્રીમંત લોકોના દીકરાઓ તેની પાસે ધનુર્વિદ્યા શીખવા માટે આવ્યાં. કલાચાર્યે તે બધાને પ્રેમપૂર્વક ધનુર્વિદ્યા શીખડાવી. વિદ્યા શીખી લીધા પછી બધા ધનિક પુત્રોએ કલાચાર્યને ઘણું ધન દક્ષિણામાં આપ્યું. વિદ્યાર્થીઓના પારિવારિકજનોને આ વાતની જાણ થતાં, તેઓને ક્રોધ આવ્યો. તેઓએ મળીને નક્કી કર્યું કે કલાચાર્ય જ્યારે અહીંથી તેના ઘરે જવા માટે નીકળે ત્યારે આપણે તેને માર મારીને બધું ધન લઈ લેશું. આ વાતની કોઈપણ પ્રકારે ધનુર્વિદ્યાના ધારક કલાચાર્યને ખબર પડી ગઈ. પછી તેણે એક યોજના બનાવી.
પ્રથમ તેમણે પોતાના ગામમાં રહેનાર બંધુઓને સમાચાર મોકલ્યા કે હું અમુક દિવસે અથવા અમુક રાત્રે થોડાક છાણના ગોળ ગોળ પિંડાઓ નદીમાં રવાના કરીશ. તમે તેને કાઢીને ઘરમાં રાખી દેજો. ત્યાર બાદ તેમણે પોતાનું સઘળું દ્રવ્ય છાણમાં નાખીને થોડાક પિંડો બનાવ્યા. પછી તેને સુકવીને રાખી દીધા.
એક દિવસ તેણે વિદ્યાર્થીઓને બોલાવીને કહ્યું– અમારા કુળની એવી પરંપરા છે કે જ્યારે શિક્ષા સમાપ્ત થઈ જાય ત્યારે કોઈ પર્વના શુભ દિવસે સ્નાન કરીને મંત્ર ઉચ્ચારણ કરતાં કરતાં છાણના સૂકા પિંડને નદીમાં પ્રવાહિત કરવામાં આવે એ માટે અમુક રાત્રિના આ કાર્ય કરવામાં આવશે.