________________
મતિજ્ઞાન
| ૧૧૭ |
ગ્રામીણ લોકો ચિંતામગ્ન બનીને રોહકની પાસે ગયા અને રાજાના આદેશની વાત કરી. રોહકે ઔત્પાતિકી બુદ્ધિ વડે કહ્યું– મહારાજને જઈને કહો કે આપ આ ગામને જ પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ આપોઆપ પશ્ચિમ દિશામાં આવી જશે.
ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ મહારાજાને કહ્યું – આપ આ નગરને પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ સ્વયં પશ્ચિમ દિશામાં આવી જશે.
રાજાએ કહ્યું– આ કોની બુદ્ધિનો ચમત્કાર છે? ગ્રામવાસીઓએ કહ્યું–રોહકની બુદ્ધિનો ચમત્કાર છે. રાજા રોહકની બુદ્ધિ પર અત્યંત ખુશ થયા.
(૧૦) પાયસ (ખીર):- એક દિવસ રાજાએ અચાનક નટ લોકોને આજ્ઞા કરી કે તમે લોકો અગ્નિ વિના ખીર પકાવીને અહીં મોકલી દો. નટ લોકો ફરી હેરાન થઈ ગયા. રાજા જે જે આજ્ઞા કરે છે તે વાત આપણી બુદ્ધિમાં આવતી નથી. તેઓ તરત જ રોહક પાસે ગયા.
રોહકે પોતાની ઔત્પાતિકી બુદ્ધિ દ્વારા તરત જ ઉપાય બતાવ્યો કે તમે પહેલા ચોખાને પાણીમાં પલાળી દો. એકદમ નરમ થઈ જાય પછી એ ચોખાને દૂધથી ભરેલી દેગડીમાં નાખી દો. એમાં થોડીક સાકર નાખી દો, પછી એ દેગડીને ચૂનાના ઢગલા પર રાખી દો. ચૂનાના ઢગલામાં થોડુંક પાણી નાખી દો જેથી ચૂનો ગરમ થઈ જશે. ચૂનાની તીવ્ર ગરમીથી ખીર પાકી જશે, પછી રાજાને જઈને દઈ આવજો.
ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ ખીર પકાવીને તે દેગડી રાજાને પહોંચાડી દીધી અને અગ્નિ વગર ખીર કેવી રીતે તૈયાર કરી તે વાત રાજાને કહી સંભળાવી. રાજા રોહકની અલૌકિક બુદ્ધિનો ચમત્કાર સાંભળીને આનંદ વિભોર બની ગયા.
(૧૧) અતિગ :- થોડા દિવસ પછી રાજાએ રોહકને પોતાની પાસે બોલાવવા માટે માણસોને મોકલ્યા. અને તેની શરતો કહેવડાવી. રોહક જ્યારે મારી પાસે આવે ત્યારે શુક્લ પક્ષમાં ન આવે, કૃષ્ણપક્ષમાં ન આવે, દિવસના ના આવે, રાત્રિના ન આવે, છાયામાં ન આવે, તડકામાં ન આવે, આકાશમાર્ગથી ન આવે, ભૂમિ પર ચાલીને પણ ન આવે, માર્ગથી ન આવે, ઉન્માર્ગથી ન આવે, સ્નાન કરીને ન આવે, સ્નાન કર્યા વગર પણ ન આવે પરંતુ રોહકને રાજા પાસે અવશ્ય આવવાનું છે.
રાજાની એવી નિરાલી આજ્ઞા સાંભળીને રોહકની પાસે ઊભેલા માણસોના શ્વાસ અદ્ધર ચડી ગયા. સૌ વિચારમાં પડી ગયા કે આવી કઠિન શરતો શી રીતે પૂરી થશે? પરંતુ રોહક કાંઈ હારે એમ ન હતો. રોહકે રાજદરબારમાં જવાની તૈયારી કરી.
સુઅવસર જોઈને રોહકે ગળા સુધી સ્નાન કર્યું, અમાવસ્યા અને એકમની સંધિમાં સંધ્યા સમયે, શિર પર ચાયણીનું છત્ર ધારણ કરીને, બકરી પર બેસીને ગાડીના પૈડાના ચિલાનો રસ્તો છોડીને વચલા રસ્તેથી રાજાની પાસે ગયો. રાજદર્શન, દેવદર્શન અને ગુરુદર્શને ખાલી હાથે ન જવાય એ નીતિ વચનને