________________
શ્રી નંદી સૂત્ર
મોકલતા રહો પણ ક્યારે ય એવું કહેવડાવશો નહીં કે હાથી મરી ગયો. જો એવો સંદેશો તમે કહેવડાવશો તો તમને દંડ દેવામાં આવશે.
૧૬
આ પ્રમાણે સમાચાર આવવાથી ગ્રામીણલોકો મૂંઝાયા, તેઓ તરત જ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા કહી સંભળાવી, રોહકે શીઘ્ર તેનો ઉપાય બતાવ્યો– આ હાથીને સારો સારો ખોરાક ખવડાવો પછી જે કાંઈ થશે તે હું સંભાળી લઈશ.
ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ હાથીને અનુકૂળ આવે એવો સારો ખોરાક આપ્યો પરંતુ હાથી તે જ રાત્રે મરી ગયો. ગ્રામીણલોકો ગભરાયા કે રાજાને હવે શું જવાબ આપીશું ? પરંતુ રોહકે તેમને શીખડાવ્યું એ જ રીતે ગ્રામીણવાસીઓએ રાજાને કહ્યું–
હે નરદેવ ! આજ હાથી ઊઠતો નથી, બેસતો નથી, ખાતો નથી, પીતો નથી, શ્વાસ લેતો નથી. કોઈપણ પ્રકારની ચેષ્ટા પણ કરતો નથી. અર્ધી રાતથી એકદમ નિષ્ક્રિય પર્યો છે.
રાજાએ કુપિત થઈને કહ્યું તો શું હાથી મરી ગયો ? ગ્રામીણ લોકોએ કહ્યું– પ્રભુ એમ અમે શી રીતે કહી શકીએ ? એવું તો આપ જ કહી શકો છો.
રાજા રોહકની ચતુરાઈ પર બહુ જ ખુશ થયા. ગ્રામવાસીઓ પોતાના જાન બચાવીને સહર્ષ પોત પોતાના ઘરે ગયા. ધન્ય છે રોહકની ઔત્પાતિકી બુદ્ધિને !
(૮) અગડકૂપ (કૂવો) – એકવાર રાજાએ રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને એક સંદેશો મોકલ્યો કે તમારા ગામમાં સુસ્વાદુ–શીતલ, પથ્ય જળથી પૂર્ણ ભરેલ કૂવો છે તેને જેમ બને તેમ જલ્દીથી જલ્દી અમારે ત્યાં મોકલી દો, નહિ મોકલો તો તમને દંડ દેવામાં આવશે.
રાજાનો આ આદેશ સાંભળીને લોકો ચિંતાગ્રસ્ત બનીને રોકની પાસે ગયા અને તેનો ઉપાય પૂછ્યો. બીજું તો ઠીક કૂવો કોઈ દિવસ ચાલીને બીજે ગામ જતો હશે ? હે બુદ્ધિમાન ! આનો ઉપાય આપ જ બતાવી શકશો.
રોહકે કહ્યું– રાજાની પાસે જઈને એમ કહો કે અમારો ગામડાનો કૂવો સ્વભાવથી જ ડરપોક છે. એ એકલો ક્યાં ય જતો નથી. કોઈના પર તેને વિશ્વાસ આવતો નથી. માટે આપ ત્યાંના એક કૂવાને મોકલો, જેથી તેની સાથે અમારો કૂવો ત્યાં આવી જશે.
રોહકના કહેવા મુજબ ગ્રામીણ લોકોએ રાજાને જઈને વાત કરી કે અમારો કૂવો એકલો નહીં આવે, ત્યાંથી તમારા એક કૂવાને મોકલો તો તેની સાથે અમારો કૂવો આવી જશે. રોહકની બુદ્ધિ પર રાજા પ્રસન્ન થઈ ગયા.
(૯) વનખંડ :– થોડા દિવસો વ્યતીત થયા પછી રાજાએ ગ્રામીણ લોકોને સંદેશો કહેવડાવ્યો કે તમારા ગામમાં પૂર્વદેશામાં જે વનખંડ છે તેને પશ્ચિમ દિશામાં કરી દો.