________________
| અધ્ય.-૯, ઉદ્દે.-૧ઃ વિનય સમાધિ
૩૮૩
* ત્રીજા ઉદ્દેશકમાં પૂજ્યના લક્ષણોનું નિરૂપણ છે. પારસમણિના સંયોગે લોઢું પણ સુવર્ણ બની જાય છે. ઉત્તમના સંગે જીવની ઉત્તમત્તા વધે છે. ગ્રનો વિનય તે પારસમણિ તુલ્ય છે. શિષ્યને તેનો સ્પર્શ થાય તો તેનો આત્મા ઉજ્જવળ બની જાય છે અને તે આ લોકમાં પણ પૂજનીય બની જાય છે.
જે સાધક ગુરુની સેવા શુશ્રષામાં સતત જાગૃત રહે છે, ગુરુના ઉપદેશ અનુસાર આચરણ કરે છે, ઉંમરમાં નાના પણ દીક્ષામાં મોટા સાધુની પૂજ્ય ભાવથી વિનયભક્તિ કરે છે, જે નમ્ર છે, સત્યવાદી છે, ગુરુ સેવામાં રત છે, અજ્ઞાત ભિક્ષાચર્યા કરે છે; અલાભમાં ખિન્ન અને લાભમાં ખુશ થતાં નથી; જે સંતુષ્ટ, કંટકસમ કઠોર વચન સહિષ્ણુ, જિતેન્દ્રિય તેમજ અવર્ણવાદ વિમુખ હોય છે, નિષિદ્ધ ભાષાનો પ્રયોગ કરતાં નથી; રસલોલુપતા, ચમત્કાર પ્રદર્શન, પિશુનતા કે દીનભાવ વગેરેથી રહિત છે; જે અકુતૂહલી છે, સર્વ જીવોને આત્મવત્ માને છે; કોઈને તિરસ્કૃત કરતાં નથી, તેમજ ક્રોધથી દૂર રહે છે; યોગ્ય માર્ગદર્શક છે; પાંચ મહાવ્રતોમાં રત છે, ત્રિગુપ્તિથી ગુપ્ત, કષાયવિજયી તથા જિનાગમ નિપુણ છે. સૂત્રોક્ત આ બધા ગુણોથી જે સંપન હોય તે પૂજનીય બને છે. * ચોથા ઉદ્દેશકમાં મોક્ષના અનન્ય સાધનભુત સમાધિનું વર્ણન છે. સમાધિ એટલે આત્મહિત, આત્મસુખ અથવા આત્માની સ્વસ્થતા. તેની પ્રાપ્તિના ચાર કારણ છે– વિનય, શ્રત, તપ અને આચાર. સૂત્રકારે તે ચારે પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવાના ચાર–ચાર ઉપાયોનું દર્શન કરાવીને મુનિને માટે મોક્ષનો સરળ અને શુદ્ધ માર્ગ પ્રગટ કર્યો છે.
* જે વિનયમાં નમ્રતા, સરળતા અને સેવાભાવ છે તે વિનયસમાધિ છે. જે જ્ઞાનથી એકાગ્રતા અને સ્થિરભાવ સિદ્ધ થાય તે જ શ્રત સમાધિ છે. જે તપમાં ભૌતિક વાસનાની ગંધ નથી, કીર્તિ કે પ્રશંસાની આકાંક્ષા નથી, માત્ર કર્મક્ષય માટે જેની આરાધના થાય તે તપ સમાધિ છે અને જે આચારમાં આત્મદમન, મૌન અને સમાધિભાવ હોય તે આચાર સમાધિ છે. * આ રીતે સાધનાનો પ્રારંભ વિનયથી થાય અને તેની પૂર્ણતા વિનયપૂર્વકની આચારવિશુદ્ધિ દ્વારા થાય છે. તેનું પરિણામ સહજ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ છે.