________________
[ ૯૬]
શ્રી દશવૈકાલિક સૂત્ર
જીવન પર્યંતનો કાલ અને અંતે તેના ત્યાગ રૂપે પ્રતિજ્ઞા વચન છે. નિગ્રંથ મુનિની વિશેષતા – મુનિ માટે પાંચ વિશેષણ પ્રયુક્ત છે. (૧) ભિક્ષુ-ભિક્ષુણી (૨) સંયત (૩) વિરત, (૪) પ્રતિહત પાપકર્મા (૫) પ્રત્યાખ્યાત પાપકર્મા.
(૧) જે ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે તે ભિક્ષુ ભિક્ષુણીભિક્ષાથી નિર્વાહ કરનાર તો તાપસ, સંન્યાસીઓ પણ હોય છે, તેથી "સંયત" આદિ વિશેષણ આપ્યા છે. (૨) ૧૭ પ્રકારના સંયમનું પાલન કરે તે સંયત. સત્તર પ્રકારના સંયમ માટે જુઓ- અધ્યયન–૧, સૂત્ર–૧.] (૩) સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિથી વિરામ પામેલા તેમજ વિવિધ પ્રકારના તપમાં રત રહે તે વિરત. (૪) જેણે પ્રાયશ્ચિત આદિ દ્વારા અતીતકાલીન પાપકર્મોનો નાશ કર્યો છે તે પ્રતિહત પાપકમાં (૫) જે વર્તમાનમાં પાપ પ્રવૃત્તિનો નિરોધ કરી સંવરભાવમાં સ્થિત છે અને ભવિષ્યમાં પાપ પ્રવૃત્તિ ન કરવાના જેણે પ્રત્યાખ્યાન કર્યા છે તે પ્રત્યાખ્યાત પાપકર્મા. આ પાંચ વિશેષણો દ્વારા મુનિના પાપ ત્યાગની પૂર્ણતા પ્રગટ કરી છે. છ અવસ્થાઓ :- (૧) દિવસ હોય (૨) રાત્રિ હોય (૩) એકાંતમાં હોય (૪) પરિષદમાં(સમૂહમાં) હોય (૫) સૂતેલો હોય (૬) જાગૃત હોય; સાધુ જીવનની પ્રતિજ્ઞાઓનું પાલન આ દરેક અવસ્થામાં જીવન પર્યત કરવું આવશ્યક છે. કારણ કે સાધુએ પ્રતિજ્ઞાઓનું પાલન આત્મહિત માટે જ કરવાનું છે તેથી તેના માટે કોઈ પણ ક્ષેત્ર, કાલ કે અવસ્થાનો અપવાદ હોતો નથી.
પૃથ્વીકાયના છ રૂ૫:- (૧) સચિત્ત ભૂમિ (૨) નદીની પાળી, ભીંત, દીવાલ અથવા પર્વતની તિરાડ (૩) પથ્થરની મોટી શિલા (૪) શિલા ખંડ, પથ્થર, ઢેકું, કાંકરા આદિ (૫) શરીર ઉપર લાગેલી સચિત્ત રજ (૬) વસ્ત્રાદિ ઉપકરણો પર લાગેલી સચિત્ત રજ.
પથ્વીકાયની વિરાધનાના નિમિત્ત સાત સાધન :- (૧) હાથ (૨) પગ (૩) લાકડું (૪) વાંસની ખપાટ, લાકડાનો ટુકડો (૫) આંગળી (૬) લોખંડના સળિયા, ખીલી વગેરે (૭) સળીઓનો સમૂહ. વિરાધનાની બાર પદ્ધતિનો ત્યાગ :- (૧) સચિત્ત પૃથ્વીમાં હાથ આદિથી લીટી પાડવી, પૃથ્વીને ખોતરવી, (૨) વિશેષ ખોતરવી (૩) સચિત્ત પૃથ્વીનો સ્પર્શ કરવો કે તેનાથી અફળાવવું(અથડાવવું) (૪) છેદન–ભેદન કરવું; આ ચારે ય ક્રિયાઓ સ્વયં કરવી. (પ-૮) અન્ય પાસે આ ચારે ય ક્રિયાઓ કરાવવી (૯-૧૨) આ ક્રિયાઓ કરનારને અનુમોદન આપવું.
તાત્પર્ય એ છે કે ભિક્ષુ પોતાની દિન-રાતની સમસ્ત અવસ્થાઓમાં સર્વ પ્રકારના પૃથ્વીકાયિક જીવોની, કોઈપણ સાધનથી, કોઈપણ પદ્ધતિ-પ્રવૃત્તિથી, સર્વ ક્ષેત્રકાલમાં; મન, વચન, કાયાથી, વિરાધના કરે નહીં, કરાવે નહીં અને તેનું અનુમોદન પણ કરે નહીં.
સૂત્રમાં આલેખન આદિ સામાન્ય ક્રિયાઓનું કથન છે. તેથી સ્પષ્ટ થાય છે કે સાધુ સામાન્ય ક્રિયા દ્વારા થતી હિંસાનો ત્યાગ કરે છે. તો સ્થૂલ સાધનો(શસ્ત્રો) દ્વારા થતી જીવ હિંસાનો તેઓને સર્વથા ત્યાગ હોય તે સહજ સમજી શકાય છે.