________________
[ ૩૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ત્રેવીસમું અધ્યયન
પરિચય આ છે
છે.
આ અધ્યયનનો મુખ્ય વિષય કેશીસ્વામી અને ગૌતમસ્વામી વચ્ચે થયેલો સંવાદ હોવાથી તેનું નામ કેશી-ગૌતમીય છે. પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ધર્મશાસન વચ્ચે ૨૫૦ વર્ષનો સમયગાળો હતો. તેથી મહાવીર સ્વામીનો શાસનકાળ શરૂ થયો ત્યારે પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સંતો અને શ્રમણોપાસકો વિદ્યમાન હતા. પ્રસ્તુત અધ્યયનમાં ચરમ તીર્થકર મહાવીર સ્વામીના પ્રધાન ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્ય કેશી સ્વામી વચ્ચેનો આધ્યાત્મિક સંવાદ રજૂ થયો છે. કેશીસ્વામી ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સંત હતા. પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ પટ્ટધર શુભદત્ત, બીજા પટ્ટધર હરિદત્ત અને ત્રીજા પટ્ટધર આચાર્ય સમુદ્રસૂરિ હતા. આચાર્ય સમુદ્રસૂરિના સમયમાં વિદેશી નામના આચાર્ય ઉજ્જૈની નગરીમાં પધાર્યા. તેમના ઉપદેશથી પ્રભાવિત થઈને ત્યાંના રાજા જયસેન, રાણી અનંગસુંદરી અને રાજકુમાર કેશીસ્વામી દીક્ષિત થયા. કેશીસ્વામીએ કુમારાવસ્થામાં જ સંયમ સ્વીકાર્યો હોવાથી તે કેશીકુમાર શ્રમણ તરીકે પ્રસિદ્ધ થયા હતા. એકદા તેઓ શિષ્ય પરિવાર સહિત શ્રાવસ્તી નગરીના તિંદુક ઉદ્યાનમાં પધાર્યા. ગૌતમસ્વામી ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર હતા. તેઓ ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના ધારક હતા. તે પણ પોતાના શિષ્ય પરિવાર સહિત ગ્રામાનુગ્રામ વિચરતાં શ્રાવસ્તી નગરીના કોક ઉધાનમાં પધાર્યા. આ રીતે બંને સંતો એક જ નગરીમાં વિચરતા હોવાથી બંનેના શિષ્યો ગોચરી આદિમાં ભેગા થતા હતા. બંને પરંપરાના સંતોનું એક મોક્ષ પ્રાપ્તિનું જ લક્ષ્ય હોવા છતાં વ્રતો વગેરેમાં વિભિન્નતા શા માટે ? આ પ્રકારની જિજ્ઞાસા સાધુઓ તેમજ તત્કાલીન જનસમાજમાં પણ થતી હતી. તે જિજ્ઞાસાના સમાધાન માટે બંને સંતો એક સ્થાનમાં એકત્રિત થયા. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની શાસન પરંપરામાં રહેલી મહાવ્રત આદિની વિભિન્નતા અંગે વિચારણા થઈ. તે ઉપરાંત અન્ય અનેક આધ્યાત્મિક બાબતો અંગે સાંકેતિક શબ્દોમાં કેશીકુમાર શ્રમણે પ્રશ્નો કર્યા અને તે પ્રશ્નોના આધ્યાત્મિક દષ્ટિએ ગૌતમ સ્વામીએ સમાધાન આપ્યા. ગૌતમ સ્વામીએ આપેલા વિવિધ સમાધાનોથી કેશીકુમાર શ્રમણ સંતુષ્ટ અને પ્રભાવિત થયા. તેમણે ગૌતમ સ્વામીને સંશયાતીત અને સર્વશ્રુત મહોદધિ તરીકે સંબોધન કરી કૃતજ્ઞતાપૂર્વક વંદન કર્યા અને પોતાના શિષ્ય સમુદાય સહિત હાર્દિક શ્રદ્ધાપૂર્વક ભગવાન મહાવીરના પંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાન મહાવીરના વર્તમાન પ્રવર્તતા વિવિધ ફિરક્કાઓના મહાશ્રમણો સહિષ્ણુતાની દષ્ટિ અપનાવીને ભગવાન મહાવીરના શાસનમાં એકતા અને ઉત્કર્ષ માટેનો બોધ પ્રાપ્ત કરે, એ જ સાર આ અધ્યયનમાંથી પ્રાપ્ત થાય છે.