________________
૩૫૪
પાંત્રીસમું અધ્યયન * * * *
શ્રી ઉત્તરાયન સૂત્ર ૨
પરિચય
આ અધ્યયનમાં અણગારોને અણગાર ધર્મમાં સાવધાન કરવા માટે એવું તેને સંયમ માર્ગમાં પ્રગતિશીલ બનાવવા માટે સચોટ ઉપદેશ આપ્યો છે તેથી આ અઘ્યયનનું સાર્થક નામ 'અણગાર માર્ગ ગતિ' છે.
સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાનમાં બે પ્રકારનો ધર્મ કહ્યો છે– આગાર ધર્મ અને અણગાર ધર્મ. ગૃહસ્થ જીવનમાં રહી શ્રાવકાચારનું, અણુવ્રતોનું પાલન કરવું, તે આગાર ધર્મ કહેવાય છે અને સંપૂર્ણ ગૃહસ્થાવાસનો ત્યાગ કરી પંચમહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ શ્રમણચર્યાનો સ્વીકાર કરવો, તે અણગાર ધર્મ છે.
અણગાર ધર્મની આરાધના પૂર્ણપણે આધ્યાત્મિક છે. તેમાં વિષય વાસના તરફ વહેતી વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરવાનો છે. રાગ-દ્વેષ આદિ કાયોને ઉપશાંત કરવાના છે. સર્વ બાબુ ભાવોથી પર થઈને સંયમ ભાવોમાં અને ભગવદાજ્ઞાઓમાં સ્થિર થવાનું હોય છે. તેના માટે સાધકે તે જ લક્ષ્ય અપ્રમત્ત ભાવે પુરુષાર્થ કરવાનો હોય છે.
અણગારપણામાં ઉપસ્થિત થયા પછી પણ મોહનીયકર્મના ઉદયે, પૂર્વસંસ્કારવશ ગૃહસ્થવાસના બંધનો તેને ખેંચે છે. સંસારના બાહ્ય બંધનોના ત્રણ પ્રકાર છે– (૧) કુટુંબ પ્રતિબંધ (ર) સમાજ પ્રતિબંધ અને (૩)લોકૈષણા- પદ, પ્રતિષ્ઠા, ધન-સંપત્તિ આદિની ઈચ્છા, આ ત્રણે પ્રકારના બંધનોની આસક્તિ સાધુને સંસારભાવ તરફ લઈ જાય છે. સૂત્રકારે પ્રસ્તુત અધ્યયનમાં ઉપરોક્ત ત્રણે ય બંધનોમાં સાધુ ફસાઈ ન જાય, તે માટે અણગાર ધર્મની સુરક્ષારૂપ આચારોનું ભારપૂર્વક સૂચન કર્યું છે.
સાધુપણામાં આવાસની મર્યાદા અને આહારનો સંયમ અત્યંત જરૂરી છે. તેથી જ આગમોમાં અનેક સ્થાને તદ્વિષયક વિસ્તૃત વર્ણન છે. અહીં પણ મુખ્યતયા અણગારધર્મમાં ગૃહસ્થ સંબંધોનો ત્યાગ, પંચમહાવ્રતોનું પાલન, સ્ત્રી આદિથી રહિત એકાંત સ્થાનમાં નિવાસ, નિર્દોષ ભિક્ષાચરીથી જીવનનિર્વાહ, ક્રય-વિક્રયનો નિષેધ, આહાર માટે આરંભ-સમારંભનો નિષેધ, આહારના લાભાલાભમાં સમભાવ; વગેરે અણગાર ધર્મના નિયમોનું પ્રતિપાદન છે.
જે સાધક ત્રણે પ્રકારના બાહ્ય બંધનોનો સર્વથા ત્યાગ કરીને અણગાર ધર્મની સુરક્ષા રૂપ આ અધ્યયન કથિત આદેશોનું યથાતથ્ય પાલન કરે, તે સર્વ કર્મોનો નાશ કરી મુક્તદશાના અનંત આનંદને પામી જાય છે.
܀܀܀܀܀