________________
હતી તે રાજેમતી, અખંડ બાળ બ્રહ્મચારિણી સાધ્વીના વચનરૂપી વાગ્બાણની તાકાતે ભોગાસક્તિના ભાવોને ભેદીને અનાસક્તયોગી બનાવી દીધા હતા.
આ દશ્ય પણ દૃષ્ટિનું છે, જે વાંચીને વિચારશે તેઓ પણ અનેક સાધુને શીલાચારી બનાવી શકશે. આ કાળમાં બાવીસમું અધ્યયન સંતો અને સતીજીઓ માટે કલિયુગના કલ્પવૃક્ષ સમું છે. ચારિત્રવાન સતીઓ વિષપાન કરનારા શિથિલાચારી વ્યક્તિઓને અમૃતપાન કરાવશે. ૫૧ ગાથાથી આ અઘ્યયનનો અભ્યાસ કરી, ચારિત્રની ઉજ્જવળ ચાંદની ચમકાવો અને બ્રહ્મચર્યનું મહાત્મ્ય માણો.
★
ચંદ્રની ત્રીજી કળાનો પ્રકાશ એક ઉદ્યાનને અવભાસિત કરે છે. તે ઉદ્યાન વનરાજીથી સુશોભાયમાન તો છે જ પરંતુ ત્યાં એક અદ્ભૂત અલૌકિક કૌતુક બન્યું છે. વાત એમ છે કે ઉદ્યાનમાં સ્વચ્છ, શાંત, મનોરમ્ય એક જબ્બરદસ્ત મેદાન છે. તેમાં શિલાપટ્ટક છે. તેના ઉપર બિરાજમાન બે મહાપુરુષો, ગગનમાં સૂર્ય-ચંદ્રની જેમ શોભી રહ્યા છે. તે બન્ને મહાપુરુષની સન્મુખ મૂક હંસોની પંક્તિઓ સમાન બન્ને બાજુ મુક્તાફલને આરોગવા, હાથજોડી, નેત્રઢાળી, મસ્તકને નમાવી, પુલકિત હૃદયે ઉત્કટ આસને બેઠેલું જિજ્ઞાસુ શિષ્યવૃંદ શોભી રહ્યું છે. માન સરોવરમાં જેમ હંસો મોતીનો ચારો ચરવા દૂર સુદૂરથી ઊડીને આવે છે અને સરોવરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે, તેમ આ શ્રેષ્ઠ સાધ્વાચારથી શોભતા મુનિવૃંદો સિંદુક ઉદ્યાનને શોભાવી રહ્યા છે. શિષ્યો મૌનપણે જિજ્ઞાસા દર્શાવે છે, કેશીસ્વામી તે જિજ્ઞાસાને ગૌતમસ્વામી સમક્ષ પ્રસ્તુત કરે છે અને તેના જવાબ ગૌતમસ્વામી આપે છે. શ્રોતાવર્ગ શ્રવણેન્દ્રિય દ્વારા ઝીલી-ઝીલીને વિનય-વિવેકપૂર્વક તેને સ્વીકારે છે, તેની શોભાને નીરખવા દેવલોકના દેવો અને માનવ મહેરામણ ઊમટ્યો છે. બધા મૌન અને શાંતભાવે આહ્લાદકારી ઉદ્યાનની શોભાને નીરખી-નીરખીને પી રહ્યાં છે. આચાર ધર્મથી(ચાર મહાવ્રત-પાંચ મહાવ્રતથી) લઈને નિર્વાણ ધ્રુવ, શાશ્વત, સિદ્ધાલય સુધીના તેમાં ૧૨ પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરો છે. ૮૯ ગાથા છે. જેમાં ચિત્તને ચમત્કાર ઉપજાવે તેવું અનુપમ તત્ત્વ ભર્યું છે. નાના-મોટાના ભેદ ભૂલી, છૂટા છવાયા, ગચ્છ-વાડા છોડી, એકતાનું એકીકરણ કરાવે તેવું આ અધ્યયન છે, પ્રભુ પારસનાથના સંત કેશીસ્વામી ચાર મહાવ્રતધારી હોવા છતાં પાંચમા મહાવ્રતનું નામ અલગ કરી પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરનાર પ્રભુ મહાવીરના શાસનમાં સમ્મિલિત થઈ ગયા, બધા એક સમાન વેશ અને આચાર વિચાર સ્વીકારે તો જ અરિહંતનો માર્ગ દીપે. અજ્ઞાનીજનો પણ જિનેશ્વરોનું શાસન પામી જ્ઞાની બને, તેવી અનૂઠી રીત સ્વીકારી. આ છે નિગ્રંથ પ્રવચનનો મહિમા. પંચમ આરાના તીર્થંકર વિના ગરીબ બનેલા ચતુર્વિધ સંઘ માટે અર્થાત્ આપણા માટે દુઃષમકાળમાં જ્ઞાનામૃતનું ભોજન કરાવે અને રાહત આપે તેવું આ અધ્યયન છે. તો આરોગો આ અધ્યયનની એકેક
32