________________
અધ્યયન પરિચય
[ ૨૭૫ ]
બત્રીસમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનમાં સાધકોને સાધનામાર્ગથી પતિત કરનાર પ્રમાદસ્થાનનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ “પ્રમાદ સ્થાન છે. પ્રમાદના બે પ્રકાર છે– મદિરા આદિ માદક પદાર્થોનું સેવન કરવું, તે દ્રવ્યપ્રમાદ છે. અને જીવને સન્માર્ગથી પતિત કરે, સાધનામાર્ગથી ભ્રષ્ટ કરે, હિતાહિતનું ભાન ભૂલાવે, મૂઢ બનાવી દે તે ભાવપ્રમાદ છે. પ્રમાદના મદ, વિષય, કષાયનિદ્રા અને વિકથા તે પાંચ પ્રકાર છે અને અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગદ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ પ્રત્યે અનાદર અને મન-વચન-કાયાનું દુપ્પણિધાન તે આઠ પ્રકાર પણ છે. આ રીતે વિવિધ પ્રકારે તેના ભેદ પ્રચલિત છે. પ્રસ્તુત અધ્યયનમાં બ્રહ્મચર્યના બાધક સ્થાનરૂપ પ્રમાદ અને પાંચ ઇન્દ્રિય વિષયરૂપ પ્રમાદનું વિસ્તૃત વર્ણન છે તથા તે પ્રમાદથી બચી આત્માની સુરક્ષા કેમ કરવી તેનું માર્ગદર્શન પણ આપ્યું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ, તે પ્રમાદસ્થાન છે. વિષયાસક્તિનો ભાવ જીવને ભાનભુલાવીને મૂઢ બનાવે છે. આ અધ્યયનમાં તે એક-એક ઇન્દ્રિય વિષયની આસક્તિથી ઉત્પન્ન થતા દોષો અને જન્મ-મરણના ઘોર દુઃખોની પરંપરાનું દષ્ટાંત સહિત વિશદ વર્ણન છે. દીપકના પ્રકાશમાં આસક્ત ભ્રમર, સંગીતમાં આસક્ત મગ, સુગંધમાં આસક્ત સર્પ, માંસલોલુપી મત્સ્ય, શીતલ જલની લાલસામાં ફસાયેલો મહિષ, હાથણીના મોહમાં ઉન્મત્ત બનેલો હાથી; આ બધા અતૃપ્ત વાસનામાં જ મૃત્યુને પામે છે. આ રીતે એક-એક ઇન્દ્રિયના વિષયની આસક્તિ પણ જીવના વિનાશનું કારણ બને છે, તો પાંચે ઇન્દ્રિયના વિષયોની વૃદ્ધિથી જીવની શું સ્થિતિ થાય? તે સમજી શકાય છે. કામભોગોની આસક્તિથી સાધક ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, હાસ્ય, ભય, શોક વગેરે વિવિધ દુર્ભાવોથી ગ્રસ્ત થઈ જાય છે અને તે વૃત્તિઓ વીતરાગતામાં બાધક થાય છે. સાધક જો આ ભાવોથી ગ્રસ્ત થાય તો સાધનાની સમ્પત્તિનો નાશ કરી દે છે. આ પ્રમાદ સ્થાનોથી આત્મસુરક્ષા કરવા માટે ગુરુકુલવાસ, વૃદ્ધોપાસના, એકાંતસ્થાનમાં નિવાસ, પરિમિત અને સાત્વિક આહાર, સ્ત્રીસંસર્ગ ત્યાગ જેવા વિવિધ ઉપાયોનું આ અધ્યયનમાં દિગ્ગદર્શન કરાવ્યું છે. આખો લોક શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ, ઇન્દ્રિય વિષયોથી ભરેલો છે. છતાં તે વિષયો સ્વતઃ જીવને બંધનકારક થતા નથી પરંતુ તેમાં કરેલા જીવના રાગ-દ્વેષના અને પ્રિય-અપ્રિયપણાના ભાવો જ બંધનકારક બને છે. વીતરાગી પુરુષ વિષયોની વચ્ચે રહેવા છતાં વિષયજન્ય કોઈબંધ ન અથવા તેનું દુખ પ્રાપ્ત કરતા નથી. જે વ્યક્તિ વિષયાસક્તિરૂપ પ્રમાદનો ત્યાગ કરે છે, તેના સર્વ પ્રમાદ સહજ રીતે છૂટી જાય છે અને તે ક્રમશઃ દુઃખોથી મુક્ત થઈ અનંત સુખોને પ્રાપ્ત કરે છે.