________________
૧૫૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
જૈનધર્મની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો અ૬ = આ આઠ દર્શનાચાર છે.
ભાવાર્થ :- (૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દષ્ટિ—જ્ઞાન ગર્ભિત દૃષ્ટિ, (૫) ઉપબૃહણ–પુષ્ટીકરણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના; એ આઠ સમકિતના અંગ(દર્શનાચાર) છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સમ્યગ્દર્શનના આઠ આચારનું નિરૂપણ છે.
જે વ્યક્તિને જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાન સાથે નવે ય તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા થઈ જાય ત્યારે તેને સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. એક સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણ સાથે આત્મામાં અન્ય અનેક ગુણો પ્રગટ થાય છે. સૂત્રકારે અહીં તેવા આઠ ગુણોનું નિરૂપણ કર્યું છે.
(૧) નિશંકતા ઃ— તત્ત્વોમાં સંશયનો અભાવ. જિનોક્ત તત્ત્વ– દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રમાં તથા જીવાદિ નવ તત્ત્વોમાં અંશતઃ કે સર્વતઃ શંકા રહિત થવું, તે નિશંકતા ગુણ છે; તેનાથી સમ્યક્ દર્શન નિર્મલ રહે છે. (૨) નિષ્કાંક્ષા :– આકાંક્ષા રહિત હોવું. અન્ય ધર્મોના આડંબર ઠઠારા કે ચમત્કાર જોઈને તેના પ્રતિ આકર્ષિત ન થવું તેની પ્રશંસા ન કરવી, તે નિષ્કાંક્ષા ગુણ છે; આ ગુણથી સમ્યગ્દર્શન સ્થિર રહે છે. આકાંક્ષાના બે અર્થ થાય છે– (૧) એકાંત દષ્ટિવાળા અન્ય દર્શનોને સ્વીકાર કરવાની ઇચ્છા (૨) ધર્માચરણથી ઈહલૌકિક, પારલૌકિક, વૈભવ અથવા સુખભોગ આદિ મેળવવાની ઈચ્છા. પુણ્ય-પાપ જનિત ફળની આકાંક્ષા ન રાખવી તે પણ નિષ્કાંક્ષા છે.
(૩) નિર્વિચિકિત્સા :- વિચિકિત્સા રહિત થવું. ધર્મકરણીના ફળમાં સંદેહ ન કરવો. ધર્માચરણનું ફળ સંવર અને નિર્જરા છે તે બંને નિશ્ચિતરૂપે તે જ સમયે પ્રાપ્ત થાય છે. ધર્મના ફળ પ્રતિ નિઃસંદેહ રહેવાથી સમક્તિ નિર્દોષ રહે છે. નિર્વિચિકિત્સાનો બીજો અર્થ છે કે સાધુ-સાધ્વીઓના શરીર અને ઉપધિને મલિન જોઈને તેના પ્રત્યે ઘૃણા ન કરવી પરંતુ જિનેશ્વર નિર્દિષ્ટ સાધ્વાચારમાં મેલ પરીષહને જીતવો તે વિશિષ્ટ ગુણ છે, તેમ સમજવું.
(૪) અમૂઢદષ્ટિ :– દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા, શાસ્ત્રમૂઢતા, લોકમૂઢતા આદિ મૂઢતાઓ છે. તે મૂઢતાથી રહિત થવું તે અમૂઢદષ્ટિ છે. દેવમૂઢતા : ભૌતિક સુખ સમૃદ્ધિ માટે રાગી-દ્વેષી દેવોની ઉપાસના કરવી. ગુરુમૂઢતા : આરંભ-પરિગ્રહમાં આસક્ત, હિંસાદિમાં પ્રવૃત્ત માત્ર વેશધારી સાધુને ગુરુ માનવા. ધર્મમૂઢતા : આરંભજન્ય ક્રિયાકાંડોને ધર્મ માનવો. શાસ્ત્રમૂઢતા : હિંસાદિની પ્રેરણા કરનાર, અસત્ય કલ્પના પ્રધાન, રાગદ્વેષયુક્ત દૂષિત ગ્રંથોને શાસ્ત્ર માનવા. લોકમૂઢતા : લોકોમાં પ્રચલિત કુરૂઢિઓ અથવા કુપ્રથાઓને ધર્મ માનવો. આ સર્વ પ્રકારની મૂઢતાનો ત્યાગ કરી, આગમજ્ઞાન ગર્ભિત યથાર્થ સમજણ રાખવી, તે અમૂઢદષ્ટિ છે. એકાંતવાદી કે કુપથગામીઓની પ્રશંસા, સ્તુતિ, સેવા, સંપર્ક અતિ પરિચય કરીને તેમાં આકર્ષાવું તે પણ મૂઢદષ્ટિ કહેવાય છે. અમૂઢ દષ્ટિવાળો આત્મા ક્રમશઃ ક્ષાયિક સમકિતને પ્રાપ્ત કરનાર થાય છે. (૫) ઉપબૃહણ :– તેના ત્રણ અર્થ છે– (૧) પ્રશંસા (૨) વૃદ્ધિ (૩) પુષ્ટિ. જેમ કે– (૧) ગુણીજનોના ગુણોની પ્રશંસા કરીને તે ગુણો પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો. (૨) ક્ષમા, મૃદુતા વગેરે પોતાના આત્મગુણોની વૃદ્ધિ કરવી (૩) સમ્યગ્દર્શનની પુષ્ટિ કરવી. આ ગુણથી સમક્તિ પુષ્ટ થાય અને ધર્મની ભક્તિ થાય. (૬) સ્થિરીકરણ ઃ– સમ્યક્ત્વ અથવા ચારિત્રથી ચલાયમાન થતાં વ્યક્તિઓને પુનઃ તે માર્ગમાં સ્થિર