________________
[ ૧૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આ લોક પદ્ધવ્યાત્મક છે, અલોક આકાશમય છે. આકાશના જેટલા વિભાગમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો વિદ્યમાન છે તેને લોક કહે છે. અતિકાય - અસ્તિ શબ્દ ત્રિકાલ સૂચક નિપાત (અવ્યય) છે અને કાય શબ્દ સમૂહ વાચક છે. અથવા અતિ એટલે પ્રદેશ અને કાય એટલે પ્રદેશ સમૂહ. તેથી જે પ્રદેશોનો સમૂહ ત્રિકાલ શાશ્વત હોય, તે અસ્તિકાય છે તેમજ જે દ્રવ્ય, પ્રદેશોના સમૂહરૂ૫ છે તેને અસ્તિકાય કહે છે. છ દ્રવ્યોમાંથી પાંચ દ્રવ્ય અસ્તિકાય રૂપ છે. કાલ દ્રવ્ય પ્રદેશોના સમૂહરૂપ ન હોવાથી તે અસ્તિકાય રૂપ નથી. (૧) ધર્માસ્તિકાય :- ગતિશીલ જીવ અને પુદ્ગલને ગતિક્રિયામાં સહાયક બને તેને ધર્માસ્તિકાય કહે છે, જેમ કે માછલીની ગમન ક્રિયામાં પાણી સહાયક બને છે. પાણી માછલીની ગતિમાં કેવળ ઉદાસીન નિમિત્ત છે. માછલીને ગતિ કરવા માટે પ્રેરક બનતું નથી. તે જ રીતે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત એવું ધર્માસ્તિકાય દ્રવ્ય પણ, ગતિશીલ જીવ કે પુગલની ગતિમાં ઉદાસીન નિમિત્ત છે. તે કોઈને ગતિ કરવાની પ્રેરણા આપતું નથી. તે એક, અખંડ, અરૂપી, લોકવ્યાપ્ત અને અસંખ્ય પ્રદેશાત્મક દ્રવ્ય છે. (૨) અધર્માસ્તિકાય :- સ્થિતિ ક્રિયામાં પરિણત થતાં ગતિશીલ જીવ અને પુદ્ગલને સ્થિતિ ક્રિયામાં સહાયક બને તેને અધર્માસ્તિકાય કહે છે. જેમકે વિશ્રામને ઇચ્છતા પથિકને ઘટાદાર વૃક્ષ સહાયક બને છે. અધર્માસ્તિકાય પણ એક, અખંડ, અરૂપી, લોકવ્યાપ્ત અને અસંખ્ય પ્રદેશાત્મક દ્રવ્ય છે. (૩) આકાશાસ્તિકાય :- પ્રત્યેક દ્રવ્યને અવગાહના પ્રદાન કરે તેને આકાશાસ્તિકાય કહે છે. જેમ કે દૂધમાં સાકર. આકાશાસ્તિકાય એક, અખંડ, અરૂપી, લોકાલોક વ્યાપ્ત અને અનંતપ્રદેશાત્મક દ્રવ્ય છે. (૪) કાલ – સ્વયં પરિણત થતાં અન્ય દ્રવ્યોની પરિણતિમાં જે ઉદાસીન રૂપે વર્તે, પરિણમનમાં સહાયક બને, તેને કાલ દ્રવ્ય કહે છે. તે નવા પદાર્થને જૂનો કરે, જૂનાને જીર્ણશીર્ણ કરે, નાના મોટા કરે, શિયાળો ઉનાળો, ચોમાસુ આદિ ઋતુના વિભાગ કરે વગેરે. અન્ય આગમોમાં અને પ્રસ્તુતમાં પણ કાલ દ્રવ્યનું લક્ષણ વર્તના રૂપ કહ્યું છે. સૂર્યની ગતિના આધારે રાત-દિવસ રૂપે જે વર્તન-પરિવર્તન થાય છે, તેને કાલ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. રાત-દિવસના પરિવર્તનરૂપ કાલદ્રવ્ય અઢીદ્વીપમાં જ હોય છે કારણ કે સૂર્યચંદ્ર આદિ જ્યોતિષીદેવોની ગતિ અઢીદ્વીપમાં થાય છે. અઢીદ્વીપની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં, નરકમાં કે દેવલોકમાં રાત-દિવસ આદિના પરિવર્તનરૂપ કાલ નથી. તે તે ક્ષેત્રના જીવોનું આયુષ્ય પૂર્ણ થાય છે, પુગલોની સ્થિતિ પૂર્ણ થતાં તેની અવસ્થા બદલાય છે. આ રીતે સ્થિતિરૂપ કાલ તો સર્વત્ર છે, તેમ છતાં જેનાગમોમાં સૂર્યની ગતિના આધારે થતાં રાત-દિવસ રૂપ પરિવર્તનને જ કાલદ્રવ્યરૂપે સ્વીકારીને કાલદ્રવ્યને ક્ષેત્રથી અઢીદ્વીપ પ્રમાણ કહ્યું છે. કાલ દ્રવ્ય અનંત સમય રૂપ હોવાથી અનંત છે અને વર્ણાદિ રહિત હોવાથી અરૂપી છે. (૫) જીવાસ્તિકાયઃ- ચૈતન્ય લક્ષણયુક્ત હોય તે જીવ છે. એક જીવ અસંખ્યાત આત્મ પ્રદેશોના સમૂહરૂપ છે, માટે તે જીવાસ્તિકાય કહેવાય છે. જીવો અનંતાનંત છે. તે પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ લક્ષણ, એ જીવને અજીવથી જુદો પાડનાર ગુણ છે. જેનામાં ઉપયોગ અર્થાત્ જ્ઞાન-દર્શન છે તે જીવ છે, જેનામાં જ્ઞાન-દર્શન નથી તે અજીવ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ તે જીવના લક્ષણ છે. તે બધાને આપણે બે ભાગમાં વિભક્ત કરીએ, તો વીર્ય અને ઉપયોગ, તે બે જીવના લક્ષણ છે. ઉપયોગમાં જ્ઞાન અને દર્શનનો તથા વીર્યમાં ચારિત્ર અને તપનો સમાવેશ થાય છે. જીવમાં જાણવાની અને જોવાની શક્તિ હોવાથી તે સુખ-દુઃખની અનુભૂતિ કરી શકે છે.