________________
એ નિશ્ચિત થતું નથી કે જ્ઞાતપુત્ર મહાવીરે છત્રીસ અધ્યયનની પ્રરૂપણા કરી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. તેનો અર્થ છે– બુદ્ધ-અવગત તત્ત્વ, પરિનિવૃત્ત-શીતળીભૂત જ્ઞાતપુત્ર મહાવીરે આ તત્ત્વનું પ્રતિપાદન કર્યું છે.
એક શોધ અનુસાર પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં રહેલા ઉપદેશી અધ્યયનોને દેવદ્ધિગણી શ્રમ શ્રમણના સમયે ઉત્તરાધ્યયન સૂત્રના રૂપે સંકલિત કરવામાં આવ્યું છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રને વિદ્યાઓને કારણે લેખન સમયે બદલવામાં આવ્યું અને પાંચ આશ્રવ, પાંચ સંવરનો વિષય તેમાં રાખવામાં આવ્યો. વિદ્યાઓનાં અતિરિક્ત શ્રેષ્ઠ અધ્યયનોનું સંકલન જ આ ઉત્તરાધ્યયન સૂત્ર છે.
ઉત્તરાધ્યયનનું તલસ્પર્શી અધ્યયન કરવાથી પણ સ્પષ્ટ થાય છે કે, તેમાં ભગવાન મહાવીરની વાણી સમ્યક રીતે અંકિત થયેલ છે. આ શ્રમણ ભગવાન મહાવીરનું પ્રતિનિધિત્વ કરનાર આગમ છે. તેમાં જીવ, અજીવ, કર્મવાદ, ષટ્દ્રવ્ય, નવતત્વ, પાર્શ્વનાથ અને મહાવીરની પરંપરાના બધા જ વિષયોનું સમુચિત રીતે પ્રતિપાદન થયેલ છે. માત્ર ધર્મકથાનુયોગનો જ નહીં પરંતુ ચારે અનુયોગોનો અર્થપૂર્ણ સંગમ થયો છે. તેથી આ ભગવાન મહાવીરની વાણીનું પ્રતિનિધિત્વ કરનારું આગમ છે. આમાં વીતરાગ વાણીનો વિમલ પ્રવાહ પ્રવાહિત થયો છે. જેના અર્થના પ્રરૂપક ભગવાન મહાવીર છે, માટે ઉત્તરાધ્યયન સૂત્રનાં સમસ્ત અધ્યયનો પ્રભવાણી છે, પ્રભુવાણીનું નવનીત છે. મૌલિકરૂપે તે અધ્યયન ગણધર રચિત છે અને પરંપરાથી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણના સમયે ઉત્તરાધ્યયન સૂત્ર રૂપે સંકલિત થયેલ છે. અધ્યયનોની પ્રધાનતા અને શ્રેષ્ઠતાને કારણે આ સૂત્ર સેંકડો વર્ષોથી, એક મતે પ્રભુ મહાવીરની અંતિમ દેશના તરીકે જૈન સમાજમાં માન્યતા પ્રાપ્ત છે. તે જ કારણે પ્રભુ મહાવીરના નિર્વાણ દિવસરૂપે દીવાળીના દિવસોમાં ઘણી શ્રદ્ધાપૂર્વક તે સંપૂર્ણ સૂત્રનો સ્વાધ્યાય કરવામાં આવે છે. ૩૬ અધ્યયનનો સંક્ષિપ્ત પરિચય :: ૧ઃ વિનય અધ્યયનઃ- આમાં ૪૮ ગાથાઓ છે, જેમાં વિનયધર્મનું વર્ણન કર્યું છે. પ્રસંગવશ વિનીત અને અવિનીત શિષ્યોના ગુણદોષાદિનાં વર્ણનોની સાથે ગુરુનાં કર્તવ્યોનું પણ વર્ણન કર્યું છે. ગુરુ અને શિષ્યનો સંબંધ જાણવા માટે આ અધ્યયન ઘણું ઉપયોગી છે. દશવૈકાલિકનું નવમું અધ્યયન પણ વિનય વિષયક છે.