________________
| ૨૫૮ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
મહત્વ સમજાવ્યું તેથી પુરોહિતની પત્ની પણ બોધ પામી ગઈ. પુરોહિત પરિવારના ચાર સભ્યોનો સર્વસ્વ ત્યાગ જોતાં રાણી કમલાવતીના અંતઃકરણમાં શુભ સ્કુરણા થઈ. તેની પ્રેરણાથી રાજાના મનમાં છવાયેલા ધન અને કામભોગ સેવનનો મોહ નષ્ટ થઈ ગયો. રાજા અને રાણી પણ સર્વસ્વનો ત્યાગ કરી પ્રવ્રજિત થઈ ગયાં.
- પ્રાચીનકાલીન એક સામાજિક પરંપરા હતી કે જે વ્યક્તિનું કોઈ ઉત્તરાધિકારી ન હોય અથવા જેનો આખો પરિવાર ગૃહત્યાગી શ્રમણ બની ગયો હોય, તેની ધનસંપતિ પર રાજાનો અધિકાર રહેતો. આ પરંપરાને રાણી કમલાવતીએ નિંદિત કહીને રાજાની વૃત્તિને વળાંક આપ્યો.
અંતમાં રાજા રાણીનું પ્રવ્રજિત થવું, તપ સંયમના ઘોર પરાક્રમી બનવું તથા પુરોહિત પરિવારની ચારે ય વ્યક્તિઓ દ્વારા મુનિ જીવનનો સ્વીકાર કરી, તપ સંયમ દ્વારા મોહમુક્ત તેમજ સર્વ કર્મમુક્ત થવાનો ઉલ્લેખ છે.
નિર્યુક્તિકારે ૧૧ ગાથાઓમાં તેઓની પૂર્વકથા કહી છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે – પૂર્વ અધ્યયનમાં પ્રતિપાદિત ચિત્ત અને સંભૂતના પૂર્વ ભવના સાથી બે ભરવાડપુત્રો સંયમધર્મનું આરાધન કરીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી મૃત્યુ પામી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં તે બંનેએ ઇભ્યકુળમાં જન્મ ધારણ કર્યો. અહીં બીજા ચાર ઇભ્ય શ્રેષ્ઠિપુત્રો તેના મિત્ર બન્યા. તેઓએ એકવાર સ્થવિરો પાસેથી ધર્મશ્રવણ કર્યું અને વિરક્ત બની છયે પ્રવ્રજિત બની ગયા. તેઓએ દીર્ઘકાળ સુધી સંયમનું પાલન કર્યું. અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી છે કે આત્માઓ સૌધર્મ દેવલોકના પદ્મગુલ્મ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. બંને ભૂતપૂર્વ ભરવાડપુત્રોને છોડીને શેષ ચારે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી કુરુજનપદના ઇષકારનગરમાં જન્મ લીધો. તેમાંથી એક જીવ ઈષકાર નામનો રાજા થયો. બીજો આ જ રાજાની રાણી કમલાવતી, ત્રીજો ભૃગુ નામનો પુરોહિત અને ચોથો જીવ થયો ભૃગુ પુરોહિતની પત્ની યશા, ઘણો જ સમય પસાર થયો. ભૃગુ પુરોહિતને ત્યાં સંતાન ન થયું પુત્ર વિના વંશ કેમ ચાલશે? આ જ ચિંતામાં તેનો સમય પસાર થતો હતો.
બંને ગોપાલ પુત્રો હજુ દેવભવમાં હતા. તેમણે એકવાર અવધિજ્ઞાનથી જાણ્યું કે તેઓ બંને ઈષકારનગરમાં ભગપુરોહિતના પુત્રો થશે; તેઓ શ્રમણવેશમાં ભગુ પુરોહિતને ત્યાં આવ્યા. પુરોહિત દંપતિએ વંદના કરી. બંને શ્રમણરૂપધારી દેવોએ ધર્મોપદેશ આપ્યો. જે સાંભળી પુરોહિત દંપતિએ શ્રાવકવ્રતનો સ્વીકાર કર્યો. શ્રદ્ધાવશ પુરોહિત દંપતિએ પૂછયું –હે મુનિવર ! અમારે ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થશે કે નહીં? બંને શ્રમણે કહ્યું – તમે ચિંતા ન કરો, તમારે બે પુત્રો થશે પણ તે બાળપણમાં જ દીક્ષા લેશે, તેની પ્રવ્રજ્યામાં તમે કોઈ વિઘ્ન ઉપસ્થિત કરશો નહીં. તે મુનિ બની ધર્મશાસનની પ્રભાવના કરશે. આ પ્રકારની ભવિષ્યવાણી કરી, બંને દેવ ત્યાંથી ચાલ્યા ગયા. પુરોહિત દંપતિ ખૂબ જ પ્રસન્ન થયાં. પોતાની ભવિષ્યવાણી મુજબ બંને જીવો દેવ પુરોહિતની પત્ની યશાના ગર્ભમાં ઉત્પન્ન થયા. ભવિષ્યવાણી મુજબ બંને દીક્ષા ગ્રહણ કરી લેશે, તેવા ભયથી પુરોહિત દંપતીએ નગર છોડી વ્રજગામમાં વસવાટ કર્યો.