________________
[ ૨૧૪]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
બારમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનનું નામ હરિકેશીય' છે. આ અધ્યયનનમાં ચાંડાલ કુલોત્પન્ન હરિકેશબલ મુનિની સંયમ સાધના, લબ્ધિનું પ્રાગટય, યક્ષપૂજિત મુનિ દ્વારા યજ્ઞના યથાર્થ સ્વરૂપની સમજણ વગેરે વિષયોનું વર્ણન છે, માટે આ અધ્યયનનું નામ હરિકેશીય' છે.
હરિકેશબલ કુમાર:-મથુરા નરેશ શંખરાજાએ સંસારથી વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી, વિચરણ કરતાં એકવાર તેઓ હસ્તિનાપુર પધાર્યા. ભિક્ષાને માટે વિચરતાં શંખમુનિ એક ગલીની નજીક આવ્યા,
ત્યાં સૂનકાર જોતાં નજીકમાં રહેતા સોમદત્ત પુરોહિતને માર્ગ પૂછયો. તે ગલીનું નામ હુતવહ–રચ્યા હતું. તે ગ્રીષ્મઋતુના સૂર્યના તાપથી તપેલા લોઢાની સમાન અત્યંત ગરમ રહેતી હતી. કદાચ કોઈ અજાણી વ્યક્તિ તે ગલીમાં જાય, તો તેની ઉષ્ણતાને કારણે મૂચ્છિત થઈને ત્યાં જ મરી જતી. સોમદત્તને મુનિઓ પ્રત્યે દ્વેષ હતો એટલે તેણે ષવશ મુનિને તે જ હુતવહ – રચ્યાનો ઉષ્ણ માર્ગ બતાવ્યો. શંખમુનિ નિશ્ચલભાવથી ઈર્ષા સમિતિપૂર્વક તે જ માર્ગ ઉપર ચાલવા લાગ્યા. લબ્ધિસંપન્ન મુનિના પ્રભાવથી તેમના ચરણસ્પર્શ થતાં જ તે ઉષ્ણમાર્ગ એકદમ શીતલ બની ગયો, તે કારણે મુનિરાજ ધીરે ધીરે તે માર્ગને પાર કરી રહ્યા હતા. આ જોઈને સોમદત્ત બ્રાહ્મણના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે જ સમયે પોતાના મકાનથી ઉતરી તે જ હુતવહ ગલીમાં ચાલ્યો. ગલીનો ચંદન સમાન શીતલ સ્પર્શ અનુભવી તેના મનમાં ઘણો પશ્ચાત્તાપ થયો. તે વિચારવા લાગ્યો- 'મુનિના તપોબલનો જ આ પ્રભાવ છે, તેથી આ માર્ગ ચંદન જેવો શીતળ બની ગયો.' આમ વિચારીને તે મુનિ પાસે આવી તેના ચરણોમાં વંદન કરીને પોતાના અનુચિત કાર્યની ક્ષમાયાચના કરવા લાગ્યો. શંખમુનિએ તેને ધર્મોપદેશ આપ્યો, જેનાથી તે વિરક્ત થઈને તેની પાસે દીક્ષિત બની ગયો. મુનિ બન્યા પછી પણ સોમદત્ત જાતિમદ અને રૂપમદ કરતો જ રહ્યો. અંતિમ સમયમાં તેણે બંને મદની આલોચના-પ્રતિક્રમણ ન કર્યો. ચારિત્રપાલનના કારણે તે મરીને સ્વર્ગમાં ગયો.
દેવ આયુષ્ય પૂર્ણ કરી જાતિમદના કારણે મૃતગંગાને કિનારે હરિકેશગોત્રીય ચાંડાલોના અધિપતિ 'બલકોટ્ટ' નામના ચાંડાલની પત્ની 'ગૌરી'ના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ 'બલ' રાખવામાં આવ્યું. આ બાળક આગળ જતાં હરિકેશબલ નામથી ઓળખાવા લાગ્યો. પૂર્વજન્મમાં તેણે રૂપમદ પણ કર્યો હતો, તેથી તે કૂબડો, કુરુપ અને બેડોળ થયો. તેના સંબંધીઓ તેની કુરૂપતા જોઈને ધૃણા કરવા લાગ્યા.
જેમ જેમ તે મોટો થતો ગયો, તેમ તેમ તેનો સ્વભાવ ક્રોધી અને ઝગડાખોર થતો ગયો. તે ગમે તેની સાથે ઝગડતો અને અપશબ્દ બોલતો. તેના માતાપિતા પણ તેના કટુ વ્યવહારથી અને ઉગ્ર સ્વભાવથી કંટાળી ગયાં.