________________
| અધ્યયન-૧૦ઃ દ્રુમપત્રક
૧૮૧ |
દશમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ દ્રુમપત્રક' છે. આ નામ પ્રથમ ગાથાના આદ્યપદના આધારે રાખવામાં આવ્યું છે. આગમશાસ્ત્રો મુખ્યત્વે ગૌતમની જિજ્ઞાસાઓ અને ભગવાન મહાવીરના સમાધાનથી સંબંધિત છે. ગૌતમસ્વામીએ પ્રાયઃ સર્વ મુમુક્ષુઓને લક્ષમાં રાખીને પ્રશ્ન કર્યા હોય અને ભગવાને દરેક સાધકને લક્ષ્યમાં રાખીને ઉત્તર આપ્યા હોય તેવું પ્રતીત થાય છે. અહીં સંબોધન કેવળ ગૌતમને છે પરંતુ ઉદ્બોધન દરેક સાધકને માટે છે. આ અધ્યયનની પ્રત્યેક ગાથાઓનાં અંતિમ ચરણમાં ગૌતમસ્વામીના નામથી પ્રમાદ ત્યાગનો ઉપદેશ છે.
આ અધ્યયનમાં જીવનની અસ્થિરતા, નશ્વરતા, મનુષ્યજન્મની દુર્લભતા, અન્ય ઉપલબ્ધિઓની દુષ્કરતા, શરીર તથા પંચેન્દ્રિય બળની ક્ષીણતાનો ઉપદેશ છે. ત્યારપછી સ્નેહત્યાગની, પરિત્યક્ત ધન, સ્વજનાદિના પુનઃ અસ્વીકારની, વર્તમાનમાં પ્રાપ્ત થયેલા ન્યાયપૂર્ણ માર્ગ ઉપર દઢ નિશ્ચયપૂર્વક ચાલવાની પ્રેરણા છે. તે ઉપરાંત વિષમમાર્ગે ચાલવાથી પશ્ચાત્તાપ થવાની ચેતવણી તથા મહાસાગરના કિનારે જ ન રોકાતાં શીઘ પાર પહોંચી જવાનો બોધ છે. તે ઉપરાંત સિદ્ધિ પ્રાપ્તિ માટેનું આશ્વાસન અને પ્રબુદ્ધ, ઉપશાંત, સંયમ, વિરત તેમજ અપ્રમત્ત બની વિચરણ કરવાની પ્રેરણા છે. જે દરેક મોક્ષાર્થી સાધકને સ્વાધ્યાય સાથે ચિંતન મનન કરવા યોગ્ય છે.
સમગ્ર અધ્યયનમાં પ્રમાદથી વિરક્ત બની અપ્રમાદના રાજમાર્ગે ચાલવાનો ઉલ્લેખ છે. પ્રમાદ જ રોગ છે, પ્રમાદ જ દુઃખ છે. તેને દૂર કરવાનો પુરુષાર્થ કરવો, તે જ અમૃત છે, તે જ સુખ છે. આમ આ અધ્યયનના પ્રારંભમાં દ્રમપત્રના દષ્ટાંતે ઉદ્દબોધન છે અને અંતે બધી શિક્ષાઓને જીવનમાં ધારણ કરનાર ગૌતમ ગણધરની સિદ્ધ ગતિ થવાનો શુભ સંદેશ છે. તેમાં અંતર્મનને જાગૃત કરવાનો બોધ ભરેલો છે.
ooo