________________
| નિયાવલિકા વર્ગ
પ્રથમ વર્ગ | જ નિરયાવલિકા જે જે
પરિચય :
અંતગડ સૂત્રની જેમ આ સૂત્રના વિભાગોને વર્ગ સંજ્ઞા આપવામાં આવી છે. અંતગડ સૂત્રમાં આઠ વર્ગ અને નેવું અધ્યયન છે, તે સૂત્રમાં વર્ગોના નામ નથી માત્ર અધ્યયનોના નામ છે જ્યારે પ્રસ્તુત ઉપાંગ સૂત્રમાં પાંચ વર્ગોના નિરયાવલિકા, કલ્પાવર્તાસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા અને વૃષ્ણિદશા એવા પાંચ નામ પણ છે.
પ્રથમ વર્ગમાં દસ અધ્યયન છે, તેમાં નરકગામી દસ જીવોનું વર્ણન છે, તેથી તેનું નામ 'નિરયાવલિકા' છે.
પ્રાચીન કાળમાં રાજગુહી નામની નગરી હતી. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ચેલણા, ધારિણી અને નંદા આદિ તેર તથા કાલિ આદિ દસ સહિત અનેક રાણીઓ હતી.
ચેલણા રાણીને કોણિક, વેહલ્લ આદિ પુત્ર હતા. ધારિણીને મેઘકુમાર અને નંદાને અભયકુમાર નામનો પુત્ર હતો. કાલી આદિ દસ રાણીઓને કાલકુમાર આદિ દસ પુત્રો હતા. આ રીતે પુણ્યયોગે રાજા શ્રેણિક સર્વ પ્રકારે સુખી અને સમૃદ્ધ હતા. કોપિક – એકદા રાણી ચેલણાએ સિંહનું સ્વપ્ન જોયું. જાગૃત થઈને તેણીએ રાજાને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નફળને જાણ્યું કે રાણીની કુક્ષીએ તેજસ્વી પુત્રરત્નનો જન્મ થશે.
ચેલણા રાણી સાત્વિકભાવે ગર્ભનું વહન કરી રહ્યાં હતાં. ત્રીજે મહિને ગર્ભગત જીવના શ્રેણિક સાથેના વૈરાનુબંધે રાણીને શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દોહદ(સંકલ્પ)ઉત્પન્ન થયો. અભયકુમારની બુદ્ધિના બળે દોહદ પૂર્ણ થયો. રાણી પોતાના આ દુષ્કૃત્યથી ચિંતિત બની, મનોમન ખિન્નતા અનુભવતી હતી. તેણે ગર્ભને નષ્ટ કરવા ઘણા ઉપાય અજમાવ્યા પરંતુ તેના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા.
યથા સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો. ભાવિના અનિષ્ટને નિવારવા રાણીએ નવજાત શિશુને દાસી દ્વારા ઉકરડે ફેંકાવી દીધો. બાળકના તેજથી તે ક્ષેત્ર પ્રકાશમાન થયું પરંતુ પાપના ઉદયે એક કૂકડાએ તે બાલરાજની આંગળીને કરડી ખાધી. બાળકની આંગળીમાંથી લોહી અને પરુ વહેવા લાગ્યા. નિરાધારપણે બાળક તે વેદનાને વેદી રહ્યો હતો. તે સર્વ સમાચાર મળતાં રાજા શ્રેણિક ત્યાં આવ્યા; તેનો પિતૃવાત્સલ્ય ભાવ જાગૃત થયો અને આત્મીયભાવે તે બાળકને રાણી પાસે લઈ આવ્યા; આ કૃત્ય માટે રાણીને આક્રોશભર્યા શબ્દોથી ઉપાલંભ દેતાં બાળકની સાર-સંભાળ લેવાનો આદેશ કર્યો.