________________
૧૫૦
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
पज्जवसाणा पण्णत्ता, तं जहा- अभिई सवणी जाव उत्तरासाढा ।
ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે અભિજિતથી પ્રારંભ કરીને ઉત્તરાષાઢા પર્યંતના ક્રમથી સર્વ નક્ષત્રો સૂર્ય અને ચંદ્ર સાથે યોગ કરે છે. તે નક્ષત્રોના નામ આ પ્રમાણે છે– (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષક્ (૫) પૂર્વાભાદ્રપદા (૬) ઉત્તરાભાદ્રપદા (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃત્તિકા (૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આર્દ્રા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વાફાલ્ગુની (૧૯) ઉત્તરાફાલ્ગુની (૨૦) હસ્તિ (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જયેષ્ઠા (૨૬) મૂળ (૨૭) પૂર્વાષાઢા અને (૨૮) ઉત્તરાષાઢા.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં નક્ષત્રનો ક્રમ દર્શાવવામાં આવેલ છે. એક-એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્રો છે. યુગના પ્રારંભ સમયે અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હોય છે(જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ ૭/૧૩૪), તે જ રીતે ઉત્સર્પિણી કાળના પ્રારંભ સમયે પણ અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગમાં હોય છે (જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ ૨ /૧૧૬) અને તેથી જૈન દર્શન ૨૮ નક્ષત્રોના ક્રમમાં પ્રથમ અભિજિત નક્ષત્રને સ્વીકારે છે. અન્ય દાર્શનિકો નક્ષત્ર ક્રમમાં પ્રથમ કૃત્તિકા આદિ નક્ષત્રથી ગણનાનો પ્રારંભ કરે છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર દસનામ પ્રમાણ નિષ્પન્ન પ્રકરણમાં (પે. ૨૬૪) નક્ષત્રના આધારે અને નક્ષત્ર દેવના નામના આધારે બાળકનું નામ રાખવામાં આવે, તે કથનમાં કૃત્તિકાથી ભરણીના ક્રમથી નામો છે. બાળકનું નામ પાડવું તે લૌકિક વ્યવહાર છે. તેમ જ લોકમાં કારતક, માગસર આ ક્રમથી બાર માસનો વ્યવહાર થાય છે તેથી અનુયોગ દ્વાર સૂત્રમાં કૃત્તિકાના ક્રમથી કથન છે, તેમ સમજવું. શ્રી ઠાણાંગ સૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં જંબુદ્રીપમાં સમાન નામવાળા બે-બે નક્ષત્રો અને તેના બે-બે સ્વામી દેવનું કથન છે, તેમાં કૃત્તિકાથી ભરણીના ક્રમથી વિધાન છે. તે લોકમાં કૃત્તિકા(કારતક માસ)થી વ્યવહાર પ્રવર્તમાન હોવાથી તે ક્રમ છે, તેમ સમજવું. લોકોત્તરિક–જૈન દૃષ્ટિએ નક્ષત્રની ગણનામાં અભિજિત નક્ષત્ર પ્રથમ ક્રમે છે.
॥ પ્રાભૂત-૧૦/૧ સંપૂર્ણ ॥