________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
એકવીસમું પદ
૧
પરિચય
*****
આ પદનું નામ ‘અવગાહના-સંસ્થાનપદ’ છે. આ પદમાં પાંચ શરીરોના સંબંધમાં વિવિધ વિચારણા છે.
બારમા શરીરપદમાં નારકાદિ ૨૪ દંડકના જીવોમાં શરીરોની વિચારણા છે તથા તે જીવોના બન્ને અને મુક્ત શરીરોની સંખ્યાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ અવગાહના-સંસ્થાન પદમાં પાંચ શરીરોના સંસ્થાનની અને અવગાહનાની મુખ્યતાએ સાત દ્વારોથી વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. (૧) વિધિ દ્વાર– જીવોની અપેક્ષાએ ઔદારિક આદિ પાંચ શરીરના ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે. (૨) સંસ્થાન દ્વાર– પાંચ શરીરના ભેદ-પ્રભેદની અપેક્ષાએ તેના સમચતુરસ આદિ છ સંસ્થાનોનું કથન છે. (૩) પ્રમાણ(અવગાહના) દ્વાર– પાંચ શરીરોની અવગાહનાનું કથન છે. તેમાં તૈજસ શરીરની અવગાહનાનું કથન મારણાંતિક સમુદ્દાતની અપેક્ષાએ છે.
(૪) ચયોપચય દ્વાર–શરીરના નિર્માણ માટે પુદ્ગલોના ચય, ઉપચય અને અપચયનુંછ દિશાની અપેક્ષાએ પ્રતિપાદન છે. ઔદારિક અને તૈજસ-કાર્પણ શરીર સમસ્ત લોકમાં હોવાથી તેને યોગ્ય પુદ્ગલો જીવ જે સ્થાનમાં સ્થિત હોય, તે પ્રમાણે વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ,ચાર કે પાંચ દિશામાંથીઅને નિર્વ્યાઘાતની અપેક્ષાએ છ દિશામાંથી ગ્રહણ કરે છે. વૈક્રિય શરીરી અને આહારક શરીરી જીવો લોકાંતમાં ન હોવાથી તે બંને શરીર યોગ્ય પુદ્ગલો છ દિશામાંથી ગ્રહણ થાય છે. તે જ રીતે પાંચે શરીરના પુદ્ગલો ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાં વિખેરાય છે.
(૫) સંયોગ દ્વાર– આ દ્વારમાં પાંચે ય શરીરના પરસ્પર સંયોગનું કથનછે. ઔદારિક શરીરી જીવોને વૈક્રિય અને આહારક શરીરની ભજના અને તૈજસ-કાર્મણ શરીરની નિયમા હોય છે. વૈક્રિય શરીરી જીવોને આહારક શરીર હોતું નથી; ઔદારિક શરીરની ભજના અને તૈજસ-કાર્મણ શરીરની નિયમા હોય છે. આહારક શરીરી જીવોને વૈક્રિય શરીર હોતું નથી; ઔદારિક, તૈજસ-કાર્મણ શરીરની નિયમા હોય છે. તૈજસ-કાર્યણ શરીરમાં ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરની ભજના હોય છે.
(૬) અલ્પબહુત્વ દ્વાર– શરીરગત દ્રવ્યો અને પ્રદેશોના અલ્પબહુત્વની ચર્ચા છે.
(૭) અવગાહનાની અપેક્ષાએ અલ્પબહુત્વ દ્વાર– જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ અલ્પબહુત્વનું પ્રતિપાદન છે.
܀܀܀܀܀