________________
૨૮૦
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
બત્રીસમું પદ
પરિચય
- ૨૯
ક ક ક ક ક છે
આ પદનું નામ સંયતપદ છે.
સંયમની સાધના એ માનવજીવનની સર્વોત્કૃષ્ટ સફળતા છે. સંયમી જીવન દ્વારા મોક્ષની યાત્રા ઉત્તરોત્તર શીઘ્રતાથી પાર કરી શકાય છે.
શ્રી ભગવતી સૂત્ર શતક–૨૫માં પાંચ પ્રકારના ચારિત્રનું વિસ્તૃત વર્ણન છે. તે ચારિત્રવાન જીવોને જ અહીં “સંત” કહ્યા છે. સામાયિક આદિ ચાર સંયત અવસ્થા ચારિત્ર મોહનીય કર્મના શયોપશમથી પ્રાપ્ત થાય છે અને યથાખ્યાત સંયત અવસ્થા ચારિત્ર મોહનીયકર્મના ઉપશમ કે ક્ષયથી પ્રાપ્ત થાય છે. જ્યારે જીવ આઠે ય કર્મોનો આત્યંતિક નાશ કરે ત્યારે નોસંયત નોઅસંયત નોસંયતાસંયત ભાવ પ્રગટ થાય છે.
પ્રસ્તુત પદમાં સમુચ્ચય જીવો અને ૨૪ દંડકના જીવોમાં સંયત, સંયતાસંયત, અસંયત અને નોસંયત નોઅસંયત નોસંયતાસંયત, આ ચાર પ્રકારનું વિભાજન છે.
જે જીવો સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિથી જીવનપર્યત નિવૃત્ત થઈ ગયા છે તેવા સર્વવિરતિ સાધકો સંયત છે, જે જીવો પાપપ્રવૃત્તિથી આંશિક નિવૃત્ત થયા હોય, તેવા દેશવિરતિ ધર્મનું પાલન કરતા શ્રાવકો સંયતા સયત છે. જે જીવો પાપપ્રવૃત્તિથી નિવૃત્ત થયા ન હોય, તેવા અવિરત જીવો અસંયત છે. સંયમનું પાલન તેમજ પાપપ્રવૃત્તિ શરીરના માધ્યમથી થાય છે તેથી પણ અશરીરી સિદ્ધ જીવો સંયત, સંયતાસંયત કે અસંયત નથી, તેથી તેના માટે નોસયત નોઅસયત નોસંયતાસયત શબ્દનો પ્રયોગ થાય છે.