________________
૮૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વિવેચનઃ
નારકી અને દેવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. કોઈ જીવ નરક કે દેવમાંથી નીકળી સંજ્ઞી તિર્યંચપણે જન્મ ધારણ કરે, ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને પ્રથમ નરક, ભવનપતિ કે વ્યંતર જાતિના દેવમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અંતર ઘટિત થાય છે. અંતર્મુહૂર્તની સ્થિતિના ગર્ભજ મનુષ્યો નરક કે દેવલોકમાં ઉત્પન્ન થઈ શકતા નથી, તેથી તેનું જઘન્ય અંતર સંજ્ઞી તિર્યંચની અપેક્ષાએ સમજવું. જો તે જીવ ભવભ્રમણ કરતાં-કરતાં વનસ્પતિમાં જાય ત્યાં અનંતકાલ પસાર કરે, ત્યાર પછી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરીને નરક કે દેવલોકમાં ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. મનુષ્ય, મનુષ્યાણી અને તિર્યંચાણીનું અંતર પણ આ જ રીતે જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તિર્યંચનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમનું છે. કોઈ જીવ તિર્યંચમાંથી નીકળીને(મરીને) મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે ત્યાં, અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને પુનઃ તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર ઘટિત થાય છે, તે જીવ મનુષ્ય, દેવ કે નરક આ ત્રણ ગતિમાં અનેક ભવો સુધી પરિભ્રમણ કરે તો પંચેન્દ્રિયની કાયસ્થિતિ પ્રમાણે અનેક સો સાગરોપમ કાલ ત્રણ ગતિમાં પસાર કરીને પુનઃ તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો તિર્યંચનું ઉત્કૃષ્ટ અંતર સાધિક અનેક સો સાગરોપમનું ઘટિત થાય છે. તેમાં અનેક સો સાગરોપમકાલ દેવ નારકીના ભવોની અપેક્ષાએ છે અને સાધિક સ્થિતિનું કથન વચ્ચેના મનુષ્યભવની અપેક્ષાએ છે.
સાત પ્રકારના જીવોનું અલ્પબહુત્વ :
५ अप्पाबहुयं सव्वत्थोवाओ मणुस्सीओ, मणुस्सा असंखेज्जगुणा, पेरइया असंखेज्जगुणा, तिरिक्खजोणिणीओ असंखेज्जगुणाओ, देवा संखेज्जगुणा, देवीओ संखेज्जगुणाओ, तिरिक्खजोणिया अणंतगुणा । से तं सत्तविहा संसारसमावण्णगा जीवा ।
ભાવાર્થ:(૧) સર્વથી થોડી મનુષ્યાણી, (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા, (૩) તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા, (૪) તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી, (૫) તેનાથી દેવો સંખ્યાતગુણા, (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી અને (૭) તેનાથી તિર્યંચ યોનિકો અનંતગુણા છે. આ રીતે સપ્તવિધ સંસાર સમાપન્નક જીવોનું કથન પૂર્ણ થયું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાત પ્રકારના જીવોના અલ્પબહુત્વનું કથન છે.
(૧) સર્વથી થોડી મનુષ્ય સ્ત્રીઓ છે. તે સંખ્યાતા જ હોય છે. (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા છે કારણ કે અહીં વેદની વિવક્ષા ન હોવાથી ગર્ભજ મનુષ્યો સાથે અસંખ્ય સંમૂર્ચ્છિમ મનુષ્યોનો સમાવેશ છે. (૩) તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે સંમૂર્ચ્છિમ મનુષ્યનો બોલ ૯૮ બોલના અલ્પબહુત્વમાં ૨૪મો છે અને નારકીનો ૩૧મો બોલ છે તેથી તે સંમૂર્ચ્છિમ મનુષ્યોથી અસંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે, કારણ કે જલચર સ્ત્રીઓની સંખ્યા નારકીઓથી અધિક છે. ૯૮ બોલમાં તેનો ૩૭મો બોલ છે. (૫) તેનાથી દેવો સંખ્યાતગુણા છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહુત્વમાં જ્યોતિષી દેવોનો બોલ ૪૦મો છે. (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી છે કારણ કે દેવ કરતાં દેવીઓ ઉત્કૃષ્ટપણે બત્રીસગુણી અને બત્રીસ અધિક હોય છે. (૭) તેનાથી તિર્યંચો અનંતગુણા છે, કારણ કે વનસ્પતિકાયિક જીવો અનંત છે.