________________
સાણસા લઈને પરમાધામી દેવો ત્યાં ઉત્પન્ન થઈ ચૂકેલા નારકીઓને કાઢવા આવી રહ્યા છે. આવીને તેણે નારકીને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો પરંતુ કુંભીનું મોટું સાંકડું હોવાથી બહાર કાઢી શકાયા નહીં, તેથી તેના અવયવોનાં ટુકડે ટુકડા કરી હાથ, પગ, નાક આદિ અવયવોનું છેદન-ભેદન કરી બહાર કાઢયા ત્યારે તેની દર્દીલી-દયામણી ચીસ સાંભળી, નજરે નિહાળી ચસાદેવી ધ્રુજી ઉઠ્યા, ઘડીભર આંખ બંધ કરી દીધી, પછી આંખ ખોલીને તેને જોવા લાગ્યા, ત્યારે નારકીઓનાં બધા અવયવોના સમૂહ એકત્રિત થઈ ગયેલા જોયા. તે બધા ટુકડાઓમાં અરૂપી, અખંડ, સળંગ આત્મપ્રદેશો વ્યાપક હોવાથી તથા નિકાચિત, નિપક્રમી આયુષ્યવાળા હોવાથી તે નારકીઓના ટુકડાઓ સંધાઈને પૂર્ણ સ્વરૂપે નારકી બની ગયા. તેઓનું વૈક્રિય શરીર હોવાને કારણે મૂળ સ્વરૂપનું પુનઃ શરીર બની જાય છે. તેઓ કદાપિ આયુષ્ય પૂરું થયા પહેલાં મરતા નથી. આ નારકીઓ જે કુંભમાં ઉત્પન્ન થાય ત્યાં જ બે ઘડીમાં આહાર લઈ વૈક્રિય શરીર, પાંચ ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા મન પર્યાપ્તિ સહિત પર્યાપ્તા બન્યા પછી બહાર નીકળે છે. બહાર નીકળ્યા પછી તેઓ કર્મ પ્રમાણે રીબાયા કરે છે.
પ્રથમ ત્રણ નરક સુધી નારકીના જીવોને દુઃખ આપવા પરમાધામી દેવો આવે છે અને ૪ થી ૭ નરક સુધી નારકીઓ અરસ-પરસ વેર-ઝેરના લેખાં-જોખાં કરતાં પીડા પહોંચાડે છે. પરમાધામી દેવો તે જીવોને કાંટાનાં ઢગલામાં પછાડે, ભડભડતી અગ્નિની ચિતામાં ફેંકે, આકાશમાં ઊંચે લઈ જઈને ઊંધે મસ્તકે નીચે પછાડે, સૂયાથી વીંધે, ગદાથી મારે, ઘાણીમાં પીલે, ઘા પર મીઠું ભભરાવે, તેલમાં ભજીયાની જેમ તળે, તેના જ શરીરનું માંસ કાઢી ખવરાવે, ગરમ રેતીમાં જીવતા માછલાની જેમ શેકે, તપાવેલી લોખંડની તાવડીમાં બેસાડે; ચરબી, માંસ, પરુ લોહીની નદીઓમાં ડૂબાડે, દોરડાથી બાંધીને ભીંત સાથે માથું પટકાવે અને તે જીવોનાં એક-એક પાપો યાદ કરાવીને ધગધગતું સીસા જેવું પ્રવાહી પીવડાવે છે. આ રીતે અસહ્ય ત્રાસ આપે છે. આ ત્રાસ સહન નહિ થવાથી તે જીવો બચાવો-બચાવો, મારા ઉપર દયા લાવો, મારો વધ ન કરો; આવી રીતે દીનહીન બનીને કાકલૂદી કરે છે. ત્યારે કોઈ તેને બચાવવા આવતું નથી. તેવું દશ્ય ચક્ષુસાદેવી તમે નજરે નિહાળ્યું. આ બધી દેવકૃત વેદના જોઈ. ક્ષેત્રવેદના જેવી કેભૂખથી પીડાતા, તૃષાથી રીબાતા, ઠંડીથી ધ્રૂજતા, ગરમીમાં બફાતા, તાવથી તપતા, દાહજ્વરથી બળતા, દાહથી દગ્ધ થતાં, ખુજલીથી ખીજાતા, ભયથી વ્યાકુળ થતા, ચિંતામાં ચગદાતા, પરાધીન થયેલા નારકીઓને ઉપરોક્ત દેવકૃત વેદના અને ક્ષેત્રકૃત દસ વેદના ભોગવતા જોયા. આ દુઃખથી ત્રાસિત થતાં નારકીઓ મરી જવાનું મન કરે તો પણ જઘન્ય ૧૦ હજાર વર્ષથી લઈને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયા પહેલાં મરી શકતાં નથી. આ રીતે કદરૂપા, હુંડ સંસ્થાનથીયુક્ત નપુંસક વેદી આત્માને જોઈ, ચક્ષુસાદેવી ચોધાર આંસુએ રડી ઊઠ્યા.
42