________________
૨૭૮
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ક્રિયા આત્માના સુપરિણામથી સમ્મક્રિયા અને દુષ્પરિણામોથી મિથ્યાક્રિયા થાય છે. જીવના પરિણામો બંને પ્રકારના હોવાથી તેમને બંને પ્રકારની ક્રિયા એક સાથે થઈ શકે છે.
અન્યતીર્થિકોની આ માન્યતા યુક્તિ સંગત નથી. સુપરિણામ અને દુષ્પરિણામ, સમ્યકક્રિયા અને મિથ્યાક્રિયા પરસ્પર પ્રકાશ અને અંધકારની જેમ સર્વથા વિરુદ્ધ છે. જેમ પ્રકાશના સદ્ભાવમાં અંધકાર શક્ય નથી. તેમ સમ્યકત્વ ક્રિયાના ભાવમાં મિથ્યાક્રિયાની શક્યતા જ નથી. જો સમક્રિયાના સમયે મિથ્યાક્રિયાનો અભાવ હોય તો મિથ્યાત્વની નિવૃત્તિ ક્યારે ય ન થાય પરંતુ વાસ્તવિકતા તેવી નથી. જીવ એક સમયે પોતાના પરિણામો અનુસાર સમ્યકત્વ અથવા મિથ્યાત્વની ક્રિયામાંથી એક જ ક્રિયા કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્રના સાતમા સ્થાનમાં સાત પ્રકારના નિતવનું કથન છે. તેમાં ગંગાચાર્ય નામના મુનિ ક્રિક્રિયવાદી નિદ્ભવ થયા હતા. તે પ્રસંગ આ પ્રમાણે છે
એકદા શરદ ઋતુના સમયે ગંગાચાર્ય મુનિ નદી પાર કરતા હતા. તેમને ઉપરના તાપથી ઉષ્ણતા અને નદીના પાણીથી શીતલતા, આ બંને પ્રકારનાં અનુભવ એક સાથે થયો. તે જ સમયે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયે તેને પ્રભુના સિદ્ધાંતમાં શંકા થઈ અને વિચારવા લાગ્યા કે મને ગરમી અને ઠંડીનો અનુભવ એક સાથે થઈ રહ્યો છે, તેથી એક સમયમાં એક જ ક્રિયાનો સિદ્ધાંત મિથ્યા છે. ગુરુએ સમજાવ્યું કે સમય અત્યંત સૂક્ષ્મ છે. છાસ્થોનું મન સમયની સૂક્ષ્મતાને પામી શકતું નથી. સમ્યકત્વની ક્રિયા અને મિથ્યાત્વની ક્રિયામાં આત્મ પરિણામોની પ્રધાનતા છે. એક સમયમાં એક જ આત્મપરિણામ કે ઉપયોગ હોય છે. તેમ છતાં શરીર સંબંધી સ્થૂલ પ્રવૃત્તિઓ, ક્રિયાઓ એકી સાથે અનેક થઈ શકે છે પણ બે ક્રિયામાં ઉપયોગ સાથે હોતો નથી. ઉપયોગરૂપ અનુભવ–વેદન સમયાંતરે જ થાય છે. ગુરુના સમજાવવા છતાં ગંગાચાર્ય ન સમજ્યા ત્યારે તેમને સંઘ બહાર મૂકવામાં આવ્યા અને અંતે એક યક્ષના નિમિત્તથી પુનઃ બોધ પામ્યા હતા.
| તિર્યંચ ઉદ્દેશક - ૨ સંપૂર્ણ